Gujarat Congress Protest: કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાને સ્થાને નવી 'વિકસિત ભારત જી રામ જી' યોજના લાવવાના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ મેદાને ઉતરી છે. વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે જ, સોમવાર, 16 ફેબ્રુઆરી 2026 ના રોજ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે 'મનરેગા બચાવો સંગ્રામ' ના નેજા હેઠળ વિશાળ 'જન આક્રોશ સભા' યોજવામાં આવી હતી. આ સભામાં રાજ્યભરમાંથી ઉમટી પડેલા લોકો, ખેડૂતો, આદિવાસીઓ અને મહિલા કર્મચારીઓની હાજરીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત, 2027 ની વિધાનસભા ચૂંટણી માટે રાહુલ ગાંધી ગુજરાતમાં અગાઉથી પ્રચાર કરશે તેવી જાહેરાત કરીને કોંગ્રેસે આગામી ચૂંટણીનો રોડમેપ પણ સ્પષ્ટ કર્યો છે.

અમિત ચાવડાનો હુંકાર: "ગોળી ખાવી પડે તોય તમારા માટે લડીશું"

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સભાને સંબોધતા જણાવ્યું કે, અહીં ઉપસ્થિત જનમેદની મનરેગા કૌભાંડ અને મહિલા કર્મચારીઓના શોષણના જીવતા જાગતા પુરાવાઓ સાથે આવી છે. તેમણે આશ્વાસન આપતા કહ્યું કે, "રાહુલ ગાંધીના યોદ્ધાઓ તમારા માટે રસ્તા પર અને વિધાનસભામાં લડશે, જરૂર પડશે તો લાઠી અને ગોળી પણ ખાઈશું." ચાવડાએ જન આક્રોશ યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ યાત્રા દરમિયાન દારૂ, ડ્રગ્સ અને ભ્રષ્ટાચારના પુરાવા મળ્યા છે. તેમણે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવતા કહ્યું કે, લોકો ખુલ્લેઆમ કહે છે કે પોલીસ હપ્તા લે છે. તેમણે આદિવાસીઓના અધિકારો અને ખેડૂતોની સમસ્યાઓને વાચા આપવાનો કોંગ્રેસનો સંકલ્પ દોહરાવ્યો.

ડબલ એન્જિન સરકાર પર તુષાર ચૌધરી અને ભરતસિંહના પ્રહારો

વિપક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ ભાજપના 'ડબલ એન્જિન' ના દાવા પર કટાક્ષ કરતા કહ્યું કે, "એક એન્જિન ભાવ વધારે છે અને બીજું ભ્રષ્ટાચાર કરે છે." તેમણે સવાલ ઉઠાવ્યો કે જો ખરેખર વિકાસ થયો હોય તો રાજ્યના 3.65 કરોડ લોકોને મફત અનાજ કેમ આપવું પડે છે? તેમણે ભ્રષ્ટાચારના મુદ્દે કલેક્ટરોની ધરપકડનો હવાલો આપતા સરકારની કામગીરી પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું. પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ તો ભાજપ પર અંગ્રેજો કરતા પણ વધુ ભ્રષ્ટાચાર કરવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો.

બેલેટ પેપરથી ચૂંટણી અને મહિલા મંત્રીઓ પર કટાક્ષ

ધારાસભ્ય શૈલેષ પરમારે ભાજપને પડકાર ફેંકતા કહ્યું કે, જો ખરેખર 30 વર્ષ સુશાસન આપ્યું હોય, તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બેલેટ પેપરથી કરાવી જુઓ, 'દૂધનું દૂધ અને પાણીનું પાણી' થઈ જશે. તેમણે આમ આદમી પાર્ટીને ભાજપની 'બી ટીમ' ગણાવી. સાંસદ ગેનીબેન ઠાકોરે દારૂ ડ્રગ્સના દૂષણ અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા પર પ્રહારો કર્યા. મહિલા નેતા જેની ઠુમ્મરે મહિલા મંત્રીઓ પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ માત્ર 20 હજાર રૂપિયાની મોંઘી સાડીઓ પહેરવા જ મંત્રી બન્યા છે અને મહિલાઓના પ્રશ્ને મૌન સેવે છે. આદિવાસી નેતા અનંત પટેલે ભાજપને 'નારંગી ગેંગ' ગણાવી અન્યાયી સરકારને બદલવા અપીલ કરી હતી.

Comments
Post a Comment