ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો બીજો દિવસ:પ્રશ્નોત્તરીથી લઈ મહત્વના સુધારા વિધેયકો સુધી ગૃહમાં ચર્ચા, વિરોધ પક્ષ દ્વારા જાહેર હિતના પ્રશ્નો પર સરકારને ઘેરવાનો પ્રયાસ
https://ift.tt/xbz4f0Z ગુજરાત વિધાનસભાના પંદરમાં વિધાનસભા બજેટ સત્રનો બીજો દિવસ 17 ફેબ્રુઆરી, મંગળવારે બપોરે 12 વાગ્યે શરૂ થશે. આજના દિવસની કામગીરી મુજબ પ્રથમ પ્રશ્નોત્તરી હાથ ધરાશે, જેમાં વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોના જવાબ મંત્રીઓ દ્વારા આપવામાં આવશે. ત્યારબાદ બિન-સરકારી સભ્યોના કામકાજ માટે સમિતિની રચનાની પ્રક્રિયા હાથ ધરાશે અને સમિતિ માટે સભ્યોના પ્રસ્તાવો પણ રજૂ કરાશે. બે મહત્વના સુધારા વિધેયકો રજૂ કરાશે કાર્યસૂચિ મુજબ સરકાર તરફથી બે મહત્વના સુધારા વિધેયકો રજૂ થવાના છે. જેમાં વર્ષ 2026નું ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવા શરતો) (સુધારા) વિધેયક તથા સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન (ગુજરાત સુધારા) વિધેયકનો સમાવેશ થાય છે. બંને વિધેયકો રજૂ થયા બાદ ગૃહમાં પ્રથમ વાચન કરવામાં આવશે. વિરોધ પક્ષ દ્વારા જાહેર હિતના પ્રશ્નો પર સરકારને ઘેરવાનો પ્રયાસ સત્રના બીજા દિવસે પ્રશ્નોત્તરી દરમિયાન નગર વિકાસ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, મહિલા અને બાળ કલ્યાણ સહિતના વિભાગોને લગતા મુદ્દાઓ ઉઠે તેવી શક્યતા છે. વિરોધ પક્ષ દ્વારા વિવિધ જાહેર હિતના પ્રશ્નો પર સરકારને ઘેરવાનો પ્રયાસ થશે, જ્યારે શાસક પક્ષ સરકારની યોજનાઓ અને વિકાસ કાર્યોને પ્રસ્થાપિત કરવા તૈયારી સાથે મેદાનમાં ઉતરશે. સત્રના પ્રારંભ સાથે ગૃહનો માહોલ ગરમાવાની શક્યતા વિધાનસભા ગૃહમાં બિન-સરકારી સભ્યો દ્વારા કામકાજ માટેની સમિતિના અહેવાલની રજૂઆત થશે. બજેટ સત્ર દરમિયાન નાણાકીય પ્રસ્તાવો, વિકાસલક્ષી યોજનાઓ અને વિવિધ વિભાગોના કામકાજ પર વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે. સત્રના પ્રારંભ સાથે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે અને ગૃહનો માહોલ ગરમાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બજેટ સત્રના પ્રથમ દિવસે જયેશ રાદડિયા અને ગોપાલ ઈટાલિયાની મુલાકાત ચર્ચાનું કેન્દ્ર ગુજરાત વિધાનસભામાં 16 ફેબ્રુઆરી બજેટ સત્રનો પ્રારંભ થયો હતો. બજેટ સત્રના પ્રથમ દિવસે જ ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા અને આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા વચ્ચેની મુલાકાત ચર્ચાનું કેન્દ્ર બની હતી. બંને નેતાઓ એકબીજા વચ્ચે ગુફતગૂ કરતા અને છુટા પડતી સમયે એકબીજાને ગળે મળતા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે, વિસાવદરની પેટાચૂંટણી સમયે ભાજપ તરફથી જયેશ રાદડિયાને ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા. પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે ગોપાલ ઈટાલિયાની જીત થઈ હતી. રાજ્યપાલના સંબોધન સાથે બજેટ સત્રનો પ્રારંભ ગુજરાત વિધાનસભાના સત્રના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આશરે 21 મિનિટ સુધી ગૃહને સંબોધન કર્યું હતું. પોતાના પ્રવચનમાં રાજ્યપાલે રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, કૃષિ વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગરીબ કલ્યાણ માટેના પ્રયાસોનો વિગતવાર ઉલ્લેખ કર્યો હતો. રાજ્યના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્યપાલના સંબોધન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ ‘ખેડૂતોનું દેવું માફ કરો’ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના મુદ્દે સરકાર પર દબાણ બનાવવા માટે કોંગ્રેસે ગૃહમાં અવાજ ઉઠાવ્યો હતો. જ્યારે ભાજપના ધારાસભ્યોએ પાટલીઓ ખખડાવી વિરોધનો જવાબ આપ્યો હતો. ગૃહમાં થોડો સમય તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. રાજ્યપાલનું સંબોધન પૂર્ણ થતાં તેમણે ગૃહના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિરોધ વચ્ચે પણ કોંગ્રેસના સભ્યોનો બે વખત આભાર માની સંસદીય પરંપરા જાળવવાનો સંદેશ આપ્યો હતો. વિધાનસભામાં ઉપાધ્યક્ષની તરીકે પૂર્ણેશ મોદી બહુમતીથી ચૂંટાયા ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર દરમિયાન ઉપાધ્યક્ષ પદ માટે થયેલી ચૂંટણીમાં રાજકીય ચહલપહલ વચ્ચે અંતે પૂર્ણેશ મોદીને બહુમતીથી ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતાં. દિનેશ ઠાકોરે શૈલેષ પરમારના નામે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જ્યારે જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. મતવિચારણા દરમિયાન શૈલેષ પરમારના પ્રસ્તાવને બહુમતી ધારાસભ્યોએ અસ્વીકાર કર્યો હતો અને પૂર્ણેશ મોદીના સમર્થનમાં બહુમતી મળી હતી. AAPએ ‘NOTA’નો રસ્તો પસંદ કર્યો બીજી તરફ, આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં કોઈ ઉમેદવારને ટેકો આપ્યો નહીં અને ‘NOTA’નો વિકલ્પ પસંદ કર્યો હતો. ત્યારબાદ વિધાનસભા ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ઉપાધ્યક્ષ બન્યા બાદ તેમણે વિપક્ષ નેતા ડો. તુષાર ચૌધરીની બાજુમાં સ્થાન લીધું, જ્યારે સંસદીય મંત્રી ઋષિકેષ પટેલ તેમને તેમના સ્થાન સુધી દોરી ગયા હતા, જે સત્રની નોંધપાત્ર ક્ષણ બની રહી હતી. દિવંગત સભ્યોના આત્માની શાશ્વત શાંતિ માટે સભાગૃહે બે મિનિટનું મૌન પાળ્યું વિધાનસભાના આઠમાં સત્રના પ્રથમ દિવસે ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક દર્શક ઉલ્લેખોમાં વિધાનસભાના દિવંગત પૂર્વ સદસ્યોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિધાનસભાના પૂર્વ દિવંગત સદસ્યો પૂર્વ મંત્રી સ્વ. મનસુખભાઈ છગનલાલ જોષી, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વ. મોહંમદભાઈ ગુલામમોહયુદીન સુરતી તથા પૂર્વ સભ્યો સ્વ. ધીરજલાલ ફુલાભાઇ રીબડીયા, સ્વ. અમરસિંહ રામસિંહ વસાવા, સ્વ. વજુભાઇ પરમાભાઇ ડોડિયા અને સ્વ. બાવનજીભાઈ હંસરાજભાઈ મેતલિયાના અવસાન અંગેના શોકદર્શક ઉલ્લેખો ગૃહમાં રજૂ થયા હતા. મુખ્યમંત્રીએ આ સૌ દિવંગત પૂર્વ જનપ્રતિનિધિઓની કર્તવ્યપરાયણતા અને પ્રજાકીય પ્રશ્નો-રજૂઆતોને વાચા આપી તેના નિવારણ માટેની સક્રિયતાની સરાહના કરી હતી. તેમણે દિવંગત પૂર્વ સભ્યોના અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરીને તેમના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રભૂ પ્રાર્થના કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, રાજ્યમંત્રી મંડળના મંત્રી અર્જુન મોઢવાડિયા અને વિપક્ષના ધારાસભ્યો તુષાર ચૌધરી, ચૈતર વસાવા અને ગોપાલ ઈટાલિયાએ પણ આ શોક દર્શક ઉલ્લેખોમાં પોતાનો સૂર પુરાવીને દિવંગત પૂર્વ સદસ્યોને ભાવાંજલિ આપી હતી. આ સૌ સ્વર્ગસ્થ પૂર્વ સભ્યોના પરિવારજનોને વિધાન સભા અધ્યક્ષ મારફતે સમગ્ર ગૃહ વતી દિલસોજી સંદેશ પાઠવવામાં આવ્યા હતા. આ સૌ દિવંગત સભ્યોના સન્માનમાં સભાગૃહે બે મિનિટનું મૌન પાળ્યું હતું. પહેલાં દિવસે જ ભાજપની મહત્વપૂર્ણ બેઠક મળી ગાંધીનગર ખાતે વિધાનસભા સત્રના પ્રારંભ પૂર્વે પ્રથમ જ દિવસે ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સત્ર દરમિયાન પાર્ટીની વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. બેઠકમાં સરકારના કાર્યકાળ અને આવનારી કામગીરી અંગે ધારાસભ્યોને ઓપચારિક સૂચનાઓ આપવામાં આવશે. તેમજ વિપક્ષ તરીકે કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસોને કેવી રીતે તર્કસંગત જવાબ આપવો અને તેમની રણનીતિને નિષ્ફળ બનાવવી તેની પણ ચર્ચા થવાની છે. ખાસ કરીને ઉપાધ્યક્ષની વોટિંગ જેવી મહત્વની પ્રક્રિયામાં પક્ષના તમામ ધારાસભ્યો અનિવાર્ય રીતે હાજર રહે તે અંગે સૂચના આપવામાં આવશે, જેથી સત્ર દરમિયાન સંગઠિત અને સંયમિત રીતે પક્ષની ભૂમિકા મજબૂત રીતે રજૂ કરી શકાય. સ્કૂલે મળેલી બોમ્બની ધમકીને લઈ હર્ષ સંઘવીનું નિવેદન રાજ્યમાં સ્કૂલમાં બોમ્બ મળવાની ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગંભીર નોંધ લેતા ડીજીપીને તાત્કાલિક સૂચનાઓ આપ્યાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓમાં સઘન તપાસ હાથ ધરાઈ ચૂકી છે અને દોષિતોને કડક સજા થાય તે માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ આજથી શરૂ થનારા Gujarat Legislative Assembly Session અંગે તેમણે તમામ ધારાસભ્યોને શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે, દરેક ધારાસભ્યે પોતાના વિસ્તારના પ્રશ્નો અસરકારક રીતે ઉઠાવી જનહિતના મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી સરકારની અપેક્ષા છે.
Comments
Post a Comment