Starlink Gujarat Deal: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત 2047' (Viksit Bharat 2047) અને 'ડિજિટલ ઇન્ડિયા' (Digital India) ના મહત્વકાંક્ષી સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકારે એક ઐતિહાસિક અને આધુનિક કદમ ઉઠાવ્યું છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની કંપની હવે ગુજરાતના ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોને ડિજિટલ દુનિયા સાથે જોડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ના નેતૃત્વમાં ગુજરાત સરકારે એલોન મસ્કની 'સ્પેસએક્સ' (SpaceX) ની પેટાકંપની 'સ્ટારલિંક' (Starlink) સાથે પરસ્પર સહયોગ માટેના કરાર કર્યા છે.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં 'લેટર ઓફ ઈન્ટેન્ટ' (LoI) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પહેલ રાજ્યના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક મોટો 'માઈલસ્ટોન' (Milestone) સાબિત થશે. આ મહત્વપૂર્ણ સહયોગનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના એવા દુર્ગમ વિસ્તારોમાં 'હાઈ-સ્પીડ કનેક્ટિવિટી' (High-Speed Connectivity) પહોંચાડવાનો છે જ્યાં મોબાઈલ ટાવર નેટવર્ક ઓછું છે અથવા નથી.

સ્ટારલિંક પોતાની અદ્યતન 'સેટેલાઇટ ટેક્નોલોજી' (Satellite Technology) દ્વારા છેવાડાના માનવી સુધી ઇન્ટરનેટ પહોંચાડશે. સરકારના આયોજન મુજબ, શરૂઆતમાં નર્મદા અને દાહોદ જેવા 'એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ' (Aspirational Districts) અને આદિવાસી વિસ્તારો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ 'પાયલોટ પ્રોજેક્ટ' (Pilot Project) સફળ થયા બાદ તેને અન્ય વિસ્તારોમાં વિસ્તારવામાં આવશે.

સરકાર અને સ્ટારલિંક વચ્ચેના આ ગઠબંધનથી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ આવશે. અંતરિયાળ ગામોની સરકારી શાળાઓને 'સ્માર્ટ કનેક્ટિવિટી' થી જોડવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ આધુનિક શિક્ષણ મેળવી શકે. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHCs) ને હાઈ-સ્પીડ નેટવર્કથી જોડીને 'ટેલિ-મેડિસિન' (Tele-medicine) સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.

સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ કરાર મહત્વનો છે. પોલીસ આઉટપોસ્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ અને વન્યજીવ અભયારણ્યોમાં 'રિયલ ટાઈમ ડેટા' (Real Time Data) માટે મજબૂત નેટવર્ક ઉભું કરાશે. 'ઈ-ગવર્નન્સ' (E-Governance) ના માધ્યમથી કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકોને ઝડપથી મળશે. ગુજરાતના 'જીઆઈડીસી' (GIDC) પાર્ક્સ અને મેરિટાઈમ સેક્ટરમાં પણ કનેક્ટિવિટી વધુ સુદ્રઢ બનશે.

ઉલ્લેખનીય છે કે, December 2025 માં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ સ્પેસએક્સના વાઈસ પ્રેસિડેન્ટ લોરેન ડ્રેયર સાથે બેઠક યોજી હતી. આ LoI તે બેઠકની જ ફલશ્રુતિ છે. આ પ્રોજેક્ટના અમલીકરણ અને દેખરેખ માટે સરકાર અને સ્ટારલિંકના પ્રતિનિધિઓનું એક 'જોઈન્ટ વર્કિંગ ગ્રુપ' (Joint Working Group) બનાવવામાં આવશે.

આ ઐતિહાસિક કાર્યક્રમમાં સ્ટારલિંક ઈન્ડિયાના હેડ પ્રભાકર જયકુમાર અને ગુજરાત સરકાર વતી ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપે દસ્તાવેજોની આપ-લે કરી હતી. આ પ્રસંગે મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. સરકારના આ પગલાથી ગુજરાત ડિજિટલ ક્રાંતિમાં દેશનું નેતૃત્વ કરશે તે નક્કી છે.

Comments
Post a Comment