'સરકારના ગુજરાતી ભાષા પર પ્રહારો યથાવત્':કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું- 'વર્ગ 1, 2ની ભરતીમાં ગુજરાતી ભાષાનું વેઇટેજ માત્ર 25% કરાયું; વિદ્યાર્થીઓ પ્રવીણતા મેળવવા તરફ દુર્લક્ષ સેવશે'
https://ift.tt/AzH9FRM ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો-કન્વીનર , કો-ઓર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સંબોધતા જણાવ્યું હતું કે, ભારતમાં ભાષાવાર બોલનાર લોકોની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાતી ભાષા છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. જે ભારતની વસતીના લગભગ 4.5 ટકા થવા જાય છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા 7 કરોડ જેટલી છે, જેથી ગુજરાતી ભાષા વિશ્વમાં 26મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા તરીકેનું સ્થાન ધરાવે છે. 'વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પ્રવીણતા મેળવવા તરફ દુર્લક્ષ સેવશે' તાજેતરમાં GPSCની વર્ગ 1 અને 2ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી ભાષાને મેરિટમાંથી હટાવી લઈને એમાં 25% ગુણ મેળવી પાસ થવા સુધીનું લઘુતમ ધોરણ જરૂરી ગણવામાં આવ્યું છે. તા. 3/3/2025ના ગુજરાત સરકારના Extra Ordinary Gazzetteથી નક્કી કરેલી ગુજરાતી વહીવટી સંવર્ગની વર્ગ 1 અને 2 અને ગુજરાત નગરપાલિકા ચીફ ઓફિસરની ભરતી પરીક્ષાઓના નિયમો, 2025ની જોગવાઈઓ મુજબ section IITમાં પેપર નંબર 1 અને 2, અનુક્રમે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાનાં બંને પેપરમાં હવે 300માંથી માટે ફક્ત 25% મેળવ્યા હશે તો પણ પાસ ગણાશે. એકબાજુ આ જોગવાઈ કરવાથી હવે ગુજરાતી ભાષાના ગુણ મેરિટમાં નહીં ગણાય પરિણામે વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પ્રવીણતા મેળવવા તરફ દુર્લક્ષ સેવશે. બીજી બાજુ જે કોઈ GPSCની વર્ગ 1 અને 2ની સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થશે એ ગુજરાતી ભાંગ્યું તૂટ્યું લખતા હશે. 'નિયમ અને કાયદો એકબીજાના વિરોધાભાસી બની રહેશે' ગુજરાતની સ્થાપના પછી ગુજરાતમાં 1961ની 15મી ફેબ્રુઆરીથી, The Gujarat Official Languages Act અમલમાં છે. આ કાયદાની કલમ 2 મુજબ ‘ગુજરાત રાજ્યના તમામ સત્તાવાર હેતુઓ માટે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવામાં આવશે” આમ આ બાબતમાં હવે નિયમ અને કાયદો એકબીજાના વિરોધાભાસી બની રહેશે. જેની ગુજરાતી ભાષા નબળી હશે એવા આ વર્ગ 1 અને 2ના અધિકારીઓનું શબ્દભંડોળ ખીલશે નહીં એટલે એની તર્કશક્તિ પણ નહીં ખીલે. અધિકારીઓ ગુજરાતીઓમાં લખેલી અરજી ઉપર કઈ રીતે ધ્યાન આપશે ગામડાના ગરીબ ગુજરાતીઓની ગુજરાતીઓમાં લખેલી અરજી ઉપર પણ કઈ રીતે ધ્યાન આપશે અને આવા અધિકારીઓ જ્યારે ફાઈલમાં નોંધ મુકશે તો પોતાની રંક ગુજરાતીમાં શું લખશે અને અંગ્રેજીમાં નોંધ મૂકશે તો એટલી જ કાચી અંગ્રેજીમાં પણ શું લખશે એ પણ ચિંતાનો વિષય છે. એક સમય એવો હતો કે, સચિવાલયના કોઈ અધિકારી ફાઈલમાં અંગ્રેજી ભાષામાં નોંધ મૂકે તો એના ઈજાફા રોકવાની સજા થતી હતી. હવે એવી કોઈ સજા કરવામાં આવતી હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી 14થી 18 વર્ષના 25 ટકા બાળકો માતૃભાષા વાંચી શકતા નથી હાલ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને ગુજરાતી ફરજિયાત ભણાવવામાં આવે તે માટે The Gujarat Compulsory Teaching and Learning of Gujarati Language Bill, 2023 અમલમાં છે. આ અમલવારીને હજી બે વર્ષ થયા છે છતાં પણ ઘણી સીબીએસસી અને ઇન્ટરનેશનલ બોર્ડની શાળાઓમાં હજી પણ ગુજરાતી વિષયને ભણાવવામાં આવતો નથી. ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં બે લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા હતા. તાજેતરમાં આવેલા સર્વે મુજબ 14થી 18 વર્ષના 25 ટકા બાળકો માતૃભાષા વાંચી શકતા નથી. અધૂરામાં પૂરું ગત વર્ષે 10 ગુજરાતી માધ્યમની શાળાઓને તાળા વાગી ગયા અને સરકારે ઘણી મોટી સંખ્યામાં નવી અંગ્રેજી માધ્યમની શાળાઓને મંજૂરી આપી હતી. ગુજરાતની કોલેજોમાં ગુજરાતી વિષયના અધ્યાપકો અને શાળાઓમાં ગુજરાતી વિષયના શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી રહી અને લાખો વિદ્યાર્થીઓ ગુજરાતીના શિક્ષણથી વંચિત રહ્યાં છે. શોપ્સ એન્ડ એસ્ટાબ્લીઝ એક્ટમાં ફરજિયાત માતૃભાષાને સામેલ કરવી જોઈએ માતૃભાષાથી બાળકો કેળવાય તેના માટે ભારતના અનેક રાજ્યોમાં ગ્રંથાલય ધારો પસાર કરેલો છે અને તેના મુજબ રાજ્યમાં જેટલા ગામ હોય તેટલા ગામમાં લાઈબ્રેરી ફરજિયાત હોવી જોઈએ. ગુજરાતમાં પણ ગુજરાતી ભાષાના વિકાસ માટે આવા પ્રકારનો ધારો અસ્તિત્વમાં લાવી ગુજરાતના દરેક ગામે ગામ પુસ્તકાલય બનાવવાની તાકીદે જરૂર છે. થોડાક સમય પહેલાં રાજ્ય સરકારે ગુજરાતમાં જાહેર સ્થળોના બોર્ડ, યુનિવર્સિટી, સંસ્થાઓ, દુકાનોના બોર્ડ ગુજરાતીમાં જ લખાય એ મુજબનો એક આદેશ પસાર કર્યો હતો, પરંતુ આ આદેશને કોઈએ ગંભીરતાથી લીધો નથી. તે બાબતે ગંભીરતાથી લઈને અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ શોપ્સ એન્ડ એસ્ટાબ્લીઝ એક્ટમાં ફરજિયાત માતૃભાષાને સામેલ કરવી જોઈએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સરકાર પાસે માંગણી રૂપિયા 15 કરોડનું બજેટ ધરાવતી ગુજરાતી સાહિત્ય અકાદમીને સરકારના સકંજામાંથી સ્વાયત કરવામાં આવે. દરેક શાળામાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવી તે એક્ટ નો અમલ થાય તેના માટે કડક પગલાં લેવા શોપ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટમાં સુધારો કરી ગુજરાતી ભાષામાં ધંધાકીય બોર્ડ ફરજિયાત કરવામાં આવે. અન્ય રાજ્યોની જેમ ગ્રંથાલય ધારો પસાર કરી ગુજરાતના દરેક ગામમાં લાઈબ્રેરી ઊભી કરવામાં આવે. તાજેતરમાં થયેલ ભરતી માટેના પરિપત્રમાં ગુજરાતી ભાષાને માત્ર 25% વેઇટેજ આપેલું છે તે રદ કરવામાં આવે.
Comments
Post a Comment