Gujarat Politics News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાએ કેસરિયા કરી લીધા છે, આજે બપોરે ગાંધીનગરમાં કમલમ ખાતે રાજુ કરપડાને ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવેએ ખેસ પહેરાવી પાર્ટીમાં વિધિવત સામેલ કર્યા હતા. ભાજપના પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેઓ કેસરિયા કર્યા હતા. આ સાથે જ આપ પર જોરદાર નિશાન તાક્યુ હતુ. મહત્વનું છે કે, રાજુ કરપડાને ભાજપ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોટી જવાબદારી સોંપી શકે છે.

રાજુ કરપડાએ ભાજપમાં જાડાતની સાથે જ પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ, ભાજપ કહેશે તો ચૂંટણી લડીશ, વફાદાર સૈનિકની ભૂમિકા ભજવીશ, લડવું કે ન લડવું તે પાર્ટી નક્કી કરશે. રાજુ કરપડા AAP ના યુવા લડાયક નેતા હતા, આમ આદમી પાર્ટીમાં કિસાન સેલના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને ચોટીલા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. રાજુ કરપડા ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં એક લડાયક યુવા નેતા તરીકે જાણીતા છે.

રાજુ કરપડાએ થોડાક સમય પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધુ હતુ. પાંચ વર્ષથી આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડા સક્રિય હતા. રાજુ કરપડા 2021-22માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી AAPના ઉમેદવાર હતા. રાજુ કરપડા આમ આદમી પાર્ટીની કિસાન વિંગના પ્રમુખ હતા.આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી પણ હતા. રાજીનામા બાદ એવી પણ ચર્ચા હતી કે, તેઓ ગોપાલ ઇટલિયાથી નારાજ હતા અને આ નારાજગીના પગલે તેમણે સોશિયલ મીડિયા પર રાજીનામાની પોસ્ટ મૂકી હતી. તેમની પોસ્ટ બાદ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ પણ શરૂ થઈ હતી. રાજીનામાનું કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું ન હતુ.

Comments
Post a Comment