Gujarat local body elections: ચૂંટણી પ્રચારમાં BJPના MLAના પત્ની ભૂલ્યા ભાન, રાજકીય વિવાદ થવાની શક્યતા

Gujarat local body elections: અમરેલી જિલ્લાના ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી.કાકડીયાના પત્ની કોકીલાબેન કાકડીયાનો વીડિયો સામે આવ્યો છે. જિલ્લા પંચાયતના ફોર્મ ભરતા સમયે કોકીલાબેન કાકડીયાએ આપેલા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ભાજપ સરકાર અંગે વિવાદિત નિવેદન આપતા જોવા મળ્યા હતા. વીડિયોમાં તેમણે 'વિધર્મી' તત્વોના નાશ સંદર્ભે વાત કરી હતી. જેને લઈ રાજકીય વિવાદ થવાની શક્યતા છે.

કોકીલાબેને પોતાના નિવેદનમાં સરકારને લઈને કડક શબ્દો વાપર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. તો બીજી તરફ વિરોધ પક્ષોએ શાસક પક્ષને આડે હાથ લેવાની તક ઝડપી લીધી છે.

વીડિયોમાં કોકીલાબેન કાકડિયા કહી રહ્યા છે કે ભાજપ સરકારે વિધર્મીઓના નાશ માટે ઝૂંબેશ શરૂ કરી છે. સાથે મળી વિધર્મીઓને નાશ કરીએ. કોકીલા કાકડિયાના નિવેદનથી મોટો વિવાદ સર્જાઈ શકે છે. જોકે આ અંગે સવાલ કરાતા કોકીલા કાકડિયાએ કહ્યું કે મે કોઈને મારી નાખવાનું નથી કીધું. બીજી તરફ કોકીલાબેનના નિવેદન પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. પ્રતાપ દૂધાતે કહ્યું કે ભાજપ મતદારોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે.

ભાજપના MLA મહેન્દ્ર પાડલિયાનું વિવાદાસ્પદ નિવેદન

રાજકોટના જેતપુરમાં ભાજપના MLA મહેન્દ્ર પાડલિયાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતા, અમે ઉમેદવાર આપ્યા છે. તમારું ખરાબ ન દેખાય એટલે અમે ઉમેદવાર આપ્યા છે. જેતપુર જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.

મહેન્દ્ર પાડલિયાના નિવેદન પર કોંગ્રેસે પલટવાર કર્યો છે. લલિત વસોયાએ કહ્યું હતું કે મહેન્દ્ર પાડલિયા માનસિક અસ્થિર છે. મહેન્દ્ર પાડલિયા સામે ભાજપે પગલા લેવા જોઈએ. ચૂંટણી સમયે પાડલિયાએ માનસિકતા ગુમાવી દીધી છે. ભાજપે કોંગ્રેસને નહીં આપને ઉમેદવાર આપ્યા છે. પાડલિયાથી ભાજપના કાર્યકરો નારાજ છે. મતદારોનું ધ્યાન ભટકાવવા પાડલિયા વાહીયાત નિવેદન કરે છે.

સુરતમાં AAPના ઉમેદવારોનો વિરોધ

સુરતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો લોકોએ વિરોધ કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના વોર્ડ નંબર-1 અમરોલી વિસ્તારમાં મિટિંગ માટે AAPના ઉમેદવારો પહોંચ્યા હતા. આ સમયે સોસાયટીના સ્થાનિકોએ વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. AAPના ઉમેદવાર કલ્પેશ બારોટ સહિત ચારેય ઉમેદવારોનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. જય શ્રી રામના નારા સાથે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. હોબાળો થતા આપના ઉમેદવારોએ ત્યાંથી ચાલતી પકડી હતી.

સુરતમાં ભાજપમાં ઉકળતો ચરુ

સુરતમાં ભાજપમાં પણ ટિકિટ ન મળતા આક્રોશ જોવા મળી રહ્યો છે. અડાજણમાં કોળી પટેલને ટિકિટ ન અપાતા આક્રોશ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા લોકોએ પૂર્ણેશ મોદીનો પણ ઘેરાવ કર્યો હતો. વોર્ડ નં.10માં ભાજપના ઉમેદવારની પસંદગીને લઈ જોરદાર નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક ઉમેદવારને બાકાત રખાતા સ્થાનિકોમાં જોરદાર આક્રોશ છે. અડાજણ ગામ, પાલ, ભાઠા ગામના લોકોએ રેલી યોજી વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો બેનર સાથે ભાજપના કાર્યાલય પર પહોંચ્યા હતા. વોર્ડ નં.10ના કાર્યાલય સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Comments
Post a Comment