Gujarat Rain Update: હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે ગુજરાતમાં આજે અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. હવામાન વિભાગે 5 એપ્રિલ સુધી કમોસમી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. ત્યારે આજ સવારથી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના અનેક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું તો કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે. જેને ખેડૂતની ચિંતા વધારી છે.

પોરબંદર અને દ્વારકા જિલ્લામાં વરસ્યો વરસાદ
રાજ્યના વાતાવરણમાં પલટો આવતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની સૌથી વધુ અસર થઇ રહી છે. ખાસ કરીને પોરબંદર, દ્વારકા સહિતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના દ્વારકા, ગીર સોમનાથ બાદ પોરબંદરમાં વાતાવરણમાં સવારથી મૌસમનો મિજાજ બગડ્યો છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી હળવો વરસાદ શરૂ થયો હતો. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં હજુ 3 દિવસ બરબાદીના વરસાદની આગાહી છે.
આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદની આગાહી છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી આજે કમોસમી વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આજે ગીર સોમનાથ સાથે ભાવનગરમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે.

દ્વારકામાં સતત બીજા દિવસે બરબાદીનો કમોસમી વરસાદ વરસ્યો. દ્વારકામાં સવારે ગાજવીજ સાથે નુકસાનીનો વરસાદ વરસતા શુક્રવારની સવાર ખેડૂતો માટે આફત બનીને આવી અને માવઠાનો વરસાદ બરબાદી બનીને વરસ્યો. માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. વરસાદના કારણે દ્વારકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી પણ ભરાયા છે. જો કે કમોસમી વરસાદથી તાપમાનમાં ઘટાડો થયો છે.

રાજકોટ શહેરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસ્યો વરસાદ

રાજકોટ શહેર સહિત ગ્રામ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે પણ આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. રાજકોટમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે એપ્રિલ માસ શરૂ થતાં તાપમાનનો પારો રાજકોટમાં 40ને પાર થઇ જતો હોય છે જો કે હવામાનની પર્ટન બદલાતા આ વર્ષે વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે તાપમાનમાં 2થી3 ડિગ્રીનો ઘટાડો થયો છે.

કચ્છમાં બરબાદીનો વરસાદ
કચ્છ અને સૌરાષ્ટ્રમાં બદલાયેલા હવામાનની સૌથી વધુ અસર થઇ રહી છે. એક બાજુ સૌરાષ્ટ્રમાં પોરબંદર દ્વારકાના વિસ્તારમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથેના વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે તો બીજી તરફ કચ્છમાં પણ 5 એપ્રિલ સુધી મધ્યમ વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગના અનુમાન વચ્ચે આજે કચ્છમાં પણ કમોસમી વરસાદની એન્ટ્રીએ ખેડૂતોની ચિંતા વધારી છે. આજે અબડાસા અને મુંદ્રામાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો, ઉપરાંત નલિયા, નરેડી, ખરાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા બગાયતી સહિતની ખેતી કરતા ખેડૂતોની ચિંતા વધી છે.

ગીર સોમનાથના વેરાવળમાં આફતનો વરસાદ

વેરાવળમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડતાં ભર ઉનાળે ચોમાસા જેવું દ્વશ્ય સર્જાયું હતું. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતાં કેસર કેરીને પારાવાર નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. હાલ કાચી કેરી આંબા પર રૂમેઝુમે આવી હોય છે આ સમયે ભારે પવનના કારણે કાચી કેરી ખરી જતાં નુકસાન વેઠવાનો વારો આવે છે. કેરી સિવાય શિયાળું તૈયાર થયેલા પાકને પણ નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

Comments
Post a Comment