Rain Alert: એપ્રિલ મહિનાની શરુઆત સાથે જ રાજ્યના હવામાન વિભાગ દ્વારા હવામાનને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. 2 એપ્રિલથી 4 એપ્રિલ વચ્ચે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

આજે પણ ગુજરાતના અનેક જિલ્લાના છુટાછવાયા સ્થળો પર કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ આજે વરસાદનું અનુમાન છે.

કાલે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા

2 એપ્રિલ ગુરુવારે કચ્છની સાથે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ કમોસમી વરસાદની આગાહી કરી છે.

3 એપ્રિલે કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. કચ્છની સાથે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાના છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 38થી 39 ડિગ્રી સુધી તાપમાન રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે. કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વરસાદ અને વાદળછાયું વાતાવરણ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થશે. હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યુ છે કે, આગામી 2 થી 3 એપ્રિલે ગુજરાતમાં કેટલાક સ્થળોએ માવઠુ થશે. ભર ઉનાળે એપ્રિલમાં વાતાવરણ બદલાશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિયા થતાં આંધી-વંટોળ સાથે કમોસમી વરસાદ ખાબકશે.

પવનની દિશા બદલાતા હિટવેવની શક્યતાઓ નહિવત

નાઉકાસ્ટ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજે ઉકળાટની અસર વર્તાશે. પવનની દિશા બદલાતા હિટવેવની શક્યતાઓ નહિવત છે.

Comments
Post a Comment