ગુજરાતના ખેડૂતો અને સામાન્ય જનતા પર માવઠાનું સંકટ હજુ પણ મંડરાઈ રહ્યું છે. હવામાન વિભાગે તાત્કાલિક અસરથી (નાઉકાસ્ટ) આગામી 3 કલાક માટે રાજ્યના 16 જેટલા જિલ્લાઓ અને સંઘ પ્રદેશોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આજે રાતના 7 થી 10 વાગ્યા સુધીમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું પડી શકે છે. આટલું જ નહીં, આગામી 7 એપ્રિલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 8 એપ્રિલથી ફરી ગરમીનો પારો ઊંચકાશે.

આગામી 3 કલાક ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગે જારી કરેલા નાઉકાસ્ટ મુજબ, આજે રાત્રે 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીનો સમય ખૂબ જ મહત્વનો છે. આ 3 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી, તેમજ કચ્છમાં વાતાવરણ પલટાઈ શકે છે. આ સાથે જ મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબકી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક જેટલી તેજ રહેવાનું અનુમાન છે.

7 એપ્રિલે પણ આ જિલ્લાઓમાં રહેશે માવઠાની અસર

જો તમને લાગતું હોય કે આજે વરસાદ પડ્યા પછી રાહત મળી જશે, તો એવું નથી. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ બાદ એટલે કે 7 એપ્રિલે ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળશે. 7 એપ્રિલે કચ્છની સાથે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

8 એપ્રિલથી ફરી કાળઝાળ ગરમીનો પ્રકોપ

ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે આ કમોસમી વરસાદનો દોર લાંબો સમય ચાલવાનો નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 8 એપ્રિલ બાદ આ વાદળછાયા અને વરસાદી વાતાવરણની અસર પૂરી થશે અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો સીધો વધારો નોંધાશે. તાપમાન વધતાની સાથે જ રાજ્યમાં ગરમીનો પારો ફરીથી ઊંચકાશે અને લોકોને ઉનાળાની આકરી ગરમીનો સામનો કરવો પડશે.

Comments
Post a Comment