Skip to main content

ગાંધીના ગુજરાતમાં દારૂના ગ્રાહકો ઉભા કરવા સગવડિયા નિયમો:આરોગ્ય કારણથી પરવાનગી મેળવવાના ફોર્મમાં આશ્ચર્યજનક વિગતો, સરકારી તર્ક-WHOના રિપોર્ટમાં મોટો ભેદ


https://ift.tt/CsKcjgF ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હંમેશાથી વિવાદમાં રહ્યો છે. તાજેતરનો જ કિસ્સો ગાંધીજીની જન્મભૂમિ એવા પોરબંદરમાં લિકર શોપ ખોલવાની પરવાનગી બાબતનો છે. ગુજરાતમાં કથિત કડક નિયમો વચ્ચે કોઈએ કાયદેસર દારૂ પીવો હોય તો પરમિટ લેવી પડે. ગુજરાતમાં રહેતા લોકો બીમારીનું કારણ ધરીને પરમિટ મેળવી શકાય. પણ આ છૂટછાટમાં કેવી કેવી પોલમપોલ ચાલે છે તેનો પર્દાફાશ દિવ્ય ભાસ્કરની તપાસમાં થયો છો. 1960માં ગુજરાત અસ્તિત્વમાં આવ્યું ત્યારે બોમ્બે સ્ટેટના કેટલાક કાયદા અપનાવ્યા હતા. જેમાંનો એક કાયદો પ્રોહિબિશનને લગતો હતો. દિવ્ય ભાસ્કરે એ સમયની પોલિસીથી લઈને અત્યારે લાગૂ પડતા કાયદાનો અભ્યાસ કર્યો, હાલમાં કોઈ ગુજરાતીને દારૂ પીવાની પરમિટ લેવી હોય તો પ્રક્રિયા શું છે અને એમાં ક્યાં છીંડા પડી ગયા છે એ જાણવાનો પ્રયાસ કર્યો. ડોક્યુમેન્ટેશનથી માંડીને અરજદારની મેડિકલ પ્રોફાઇલ બનાવવાની પ્રોસેસને સ્કેન કરી. જાણિતા ડોક્ટરોને પૂછ્યું અને WHO જેવી વૈશ્વિક સંસ્થાઓના રિપોર્ટ્સનો અભ્યાસ કર્યો. તો ચોંકાવનારી હકીકત સામે આવી. સરકાર દારૂની સત્તાવાર પરમિટ કેવી રીતે આપે છે? અગાઉ ગુજરાતની નશાબંધી અને આબકારી કચેરીમાં કોઈપણ પરવાનો મેળવવા માટેની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓફલાઈન હતી. અરજદારોને ફોર્મ ભરવા, બેંકમાં ચલણ દ્વારા ફી ચૂકવવા અને ડોક્યુમેન્ટ માટે પણ ધક્કા ખાવા પડતા હતા. આ પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર પણ ધમધોકાર ચાલતો હોવાની ફરિયાદો આવતી હતી. એટલે થોડા સમય પહેલાં જ લિકર પરમિટની પ્રક્રિયા ઓનલાઇન કરી નાખવામાં આવી છે. હવે, https://ift.tt/rs7SqYz નામની વેબસાઇટ મારફત પરથી અરજી કરીને દારૂની પરમિટ મેળવી શકાય છે. જેમાં લોગ-ઇન આઇડી જનરેટ કરવી પડશે. ત્યાર બાદ વેબસાઇટ પર આપેલી વિગતો ભરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. પછી ઇ-પરમિટની પ્રિન્ટ કાઢીને તમામ ડોક્યુમેન્ટનું રૂબરુમાં વેરિફિકેશન કરાવવાનું હોય છે. એટલું જ નહીં, અરજદારે મેડિકલ બોર્ડ સામે હાજરી આપવાની હોય છે, ત્યાંથી તેઓ એક સર્ટિફિકેટ મળે છે. આમ, કુલ પાંચેક સ્ટેપમાં પરમિટનું કામ પૂરું થઈ જાય છે. જો કે પહેલી નજર એકદમ સીધી અને સરળ લાગતી આ પ્રોસેસમાં અમને કેટલાક ચોંકાવનારા તથ્ય મળ્યા. ગુજરાત નશાબંધી અને આબકારી વિભાગે નક્કી કરેલી સત્તાવાર SOPમાં ચાર મુખ્ય બાબતો છે. કોઈપણ વ્યક્તિએ આરોગ્ય કારણોસર લિકર પરમિટ મેળવવી હોય તો ડૉક્ટરની ભલામણ જોઈએ. ગુજરાતમાં અનિંદ્રા, હાઇપર ટેન્શન, હૃદયરોગ તેમજ કિડનીના રોગમાં ડોક્ટરની ભલામણથી દારૂની પરમિટ મળતી હોય છે. ફોર્મ S-3ની આશ્ચર્યચકિત કરતી વિગતો આ પ્રક્રિયામાં સૌથી મહત્વનું ડોક્યુમેન્ટ એટલે ફોર્મ S-3. આ ફોર્મ ડૉક્ટર દ્વારા ભરવામાં આવે છે. એક પ્રકારના આ સર્ટિફિકેટમાં ડૉક્ટર જે તે વ્યક્તિની તપાસ કરીને વિગતો ભરે છે. આ સર્ટિફિકેટમાં લખેલી વિગતો જ હેલ્થ ઇશ્યુના કારણે મળતી લિકર પરમિટ પર પ્રશ્ન ઉભા કરે છે. ગુજરાતના વતની હોય અને દારૂની પરમિટ માટે ફોર્મ S-3 લીધું હોય એવા એક વ્યક્તિને અમે શોધ્યા. તેમના ફોર્મ S-3 સર્ટિફિકેટમાં કુલ 9 પ્રકારની માહિતી ડૉક્ટરે ભરેલી હતી. જેમ કે નામ, સરનામું, ઉંમર, ઊંચાઈ, વજન તેમજ બ્લડપ્રેશર જેવી વિગતો. આ વિગતો ડૉક્ટરે ભરવાની હોય છે. પરંતુ ફોર્મમાં નીચેના ભાગમાં 3 વાક્ય ખૂબ જ આશ્ચર્યજનક રીતે અગાઉથી જ છાપેલા જોવા મળે છે. આ વ્યક્તિની તપાસ કરવામાં આવી, જેના આધારે પ્રમાણિત કરવામાં આવે છે કે... 1. તેનું શારીરિક સ્વાસ્થ્ય સારું છે અને તેને કોઈપણ શારીરિક ખામી નથી 2. સ્થિર માનસિક સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું છે અને હિંસક વલણ ધરાવતું નથી 3. કોઈપણ એવા પદાર્થ પર નિર્ભર (વ્યસની) માલૂમ પડી નથી, જે કેફી અથવા માદક અસરો ધરાવતો હોય ડૉક્ટરનો દાવો- અમે ઇશ્યુ કરેલા સર્ટિફિકેટનું વેરિફિકેશન નથી થતું આ ઉપરાંત ડૉક્ટર ભલામણ કરતો એક સર્ટિફિકેટ આપે છે. જેમાં લખ્યું હોય છે કે જે તે વ્યક્તિને અમુક બીમારીના કારણે દારૂની જરૂરીયાત છે. પણ આવા સર્ટિફિકેટ આપનાર એક ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે સર્ટિફિકેટના વેરિફિકેશન માટે ઇશ્યુ કરનાર ડૉક્ટર કે હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવતો નથી. આમ, આવી લોલમલોલ ઘણા સવાલો ઉભા કરે છે. ડૉક્ટર પાસેથી સર્ટિફિકેટ મેળવી લીધા બાદ અરજદારે નશાબંધી ખાતામાં ઓનલાઈન અરજી કરવાની હોય છે. તેમાં ડૉક્ટરનું સર્ટિફિકેટ, સિવિલ સર્જનનું સર્ટિફિકેટ, આધાર કાર્ડ સહિતના તમામ ડોક્યુમેન્ટસને અરજીની સાથે ઓનલાઈન અપલોડ કરવાના હોય છે. તેમજ જરૂરી ફી પણ ઓનલાઈન ભરી દેવાની હોય છે. ત્યાર બાદ નશાબંધી ખાતામાંથી મેસેજ આવતા રહે છે. જો કોઈ ડોક્યુમેન્ટ્સ ખૂટતા હોય તો ઇ-મેલ કરીને દસ્તાવેજોને મંગાવવામાં આવે છે. ગુજરાતમાં 26 સ્થળે મેડિકલ બોર્ડ બેસે છે હેલ્થ પરમિટ માટે સરકારી મેડિકલ બોર્ડની તપાસ અનિવાર્ય છે. નશાબંધી વિભાગના ડેટા પ્રમાણે આવા મેડિકલ બોર્ડ ગુજરાતમાં 26 સ્થળે છે. એટલે અરજદારે પોતાના વિસ્તારની સિવિલ હોસ્પિટલના એરિયા મેડિકલ બોર્ડ સમક્ષ હાજર થવું પડે છે. જ્યાં ડૉક્ટરો અરજદારના આરોગ્યની તપાસ કરે છે. તેમજ રિપોર્ટ આપે કે અરજદારને ખરેખર કોઈ બીમારી એટલે કે અનિદ્રા, હૃદયની કે અન્ય કોઈ ગંભીર બીમારી છે કે જેથી તેમને દારુ પીવાથી ફાયદો થઈ શકે. બોર્ડના રિપોર્ટ બાદ જ અરજદારને દારુ પીવાની પરમિટ આપવામાં આવે છે. જો બોર્ડ ના પાડે કે, અરજદારને જરૂર નથી તો પછી દારુની પરમિટ અપાતી નથી. સામાન્ય રીતે એકાદ મહિનામાં અરજીને સ્વીકારી હોવાનો મેસેજ આપીને લાયસન્સ લઈ જવાનું કહેવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાંથી મળેલા સર્ટિફિકેટ અને 3 લાખની આવકનો દાખલો હોય તેવી મોટાભાગની અરજીના રિજેક્શનની સંખ્યા ઓછી હોય છે. પરમિટના નામે કેટલા રૂપિયા સરકારી તીજોરીમાં જાય છે? અરજદારે સૌ પ્રથમ તપાસ કરનારા ડૉક્ટરને 1000થી 2000ની ફી ચૂકવવી પડે છે. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલમાં જાય ત્યારે વિવિધ પ્રકારના બોડી ચેકઅપ માટે લગભગ 4થી 5 હજારનો ખર્ચ થાય છે. ત્યાર બાદ સિવિલ સર્જન સર્ટિફિકેટ આપે એટલે સિવિલને 25 હજાર રુપિયાની સત્તાવાર ફી ચૂકવવી પડે છે. જ્યારે જૂની પરમિટના રિન્યુ માટે 20 હજાર સુધીનો ચાર્જ ચુકવવો પડે છે. અરજી કરવામાં આવે ત્યારે નશાબંધી ખાતાને પણ 6 હજાર રૂપિયાની ફી ઓનલાઈન ભરવાની હોય છે. આમ, અરજદારને કુલ 45 હજાર રૂપિયાની આસપાસની સત્તાવાર ફી ચૂકવવાની થાય છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં સવાલ કર્યો કે 20 જાન્યુઆરી, 2026 સુધીમાં છેલ્લા બે વર્ષમાં વર્ષવાર રાજ્યમાં હેલ્થ લિકર પરમિટ ફીની કેટલી આવક થઈ? જેના જ જવાબમાં સરકારે માહિતી આપે કે 21 જાન્યુઆરી, 2024થી 20 જાન્યુઆરી 2025 સુધીમાં 7 કરોડ 88 લાખ 68 હજાર રૂપિયાની આવક થઈ છે. બીજા વર્ષે એટલે કે 21 જાન્યુઆરી, 2025થી 20 જાન્યુઆરી, 2026 દરમિયાન 8 કરોડ 63 લાખ 15 હજાર રૂપિયાની આવક થઈ છે. આ રકમ ગરીબ દર્દીઓની સારવાર માટે વાપરવામાં આવતી હોવાનો દાવો કરાતો હોય છે. પરમિટ મેળવી આપવામાં પણ એજન્ટો એક્ટિવ હોવાનો દાવો સૂત્રોના જણાવ્યા પ્રમાણે પરમિટની પ્રક્રિયા ઓનલાઇન થઈ ગયા બાદ પણ કેટલાક એજન્ટ રૂપિયા લઈને આવી દોડાદોડીનું કામ પતાવી આપે છે. જો કોઈ વ્યક્તિ એજન્ટને પકડીને કામ સોંપે તો 20 હજાર વધુ ચૂકવવા પડે છે. આ એજન્ટ જ અરજદાર પાસેથી ડોક્યુમેન્ટ્સ લઈને સિવિલમાં જમા કરાવી દે છે. જરૂર પડે તો અરજદારે એકાદ વખત સિવિલ હોસ્પિટલ સુધી ધક્કો ખાવો પડે છે. બાકીનું તમામ કામ એજન્ટ જ પતાવી આપે છે. નશાબંધી ખાતામાં પણ તે ઓનલાઈન અરજી સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દે છે. સામાન્ય રીતે કોઈપણ સરકારી પોર્ટલ પરથી કોઈ યોજનાની અરજી કરવાની હોય કે પરમિશન માટે ફોર્મ ભરવાનું હોય તો જે તે પોર્ટલ પર તમામ માહિતી મૂકાતી હોય છે. ખાસ કરીને અરજી કરવા માટે કયા-કયા દસ્તાવેજની જરૂર છે તેની માહિતી અપાતી હોય છે. પરંતુ નશાબંધી ખાતાના પોર્ટલ પર આવી સ્પષ્ટ વિગતો જોવા મળતી નથી. દારૂની પરમિટ મેળવનારે અંદરની હકીકત જણાવી ગુજરાતની વતની અને સ્વાસ્થ્યનું કારણ આપીને પરમિટ ધરાવતા એક વ્યક્તિએ પોતાની ઓળખ છૂપાવવાની શરતે જાણકારી આપતા કહ્યું, દારૂ પીવાથી તબીયત સુધરી જાય એવું નથી કહેતો. પરંતુ પરમિટથી સરકારી ધોરણે મળતો દારૂ ઓછું નુકસાન કરે છે. દારૂના સેવનથી શારીરિક સમસ્યા સાવ મટી જાય એવું નથી. કારણ કે હાર્ટ, કિડની અને લિવરને લગતા અનેક રોગ થાય છે. તેમણે કહ્યું, પરમિટ મળ્યા બાદ પણ ઘણા બધા નિયમોનું પાલન કરવું પડે છે. જેમ કે હેલ્થ પરમિટ હેઠળ જે સરનામું આપ્યું હોય ત્યાં જ દારૂ પીવાની છૂટ મળે છે. ગુજરાત કે ગુજરાત બહાર આવા દારૂને લઈ નથી જઈ શકતા. દારૂ પીને ડ્રાઇવિંગ ન કરી શકો, બીજી કોઈ વ્યક્તિને આ દારૂ આપી ન શકો. વધુમાં જણાવ્યું, એવું નથી કે હેલ્થ પરમિટ હેઠળ અરજી કરો એટલે પાસ થઈ જાય. એના માટે ઘણા નિયમો-શરતોનું પાલન કરવું પડે છે. હાલના સમયે લિકર પરમિટની સિસ્ટમ ઓનલાઈન થઈ ગઈ છે. ઘણા બધા લોકોને આ પ્રોસેસમાં ખબર નથી પડતી તો તેમને મદદ કરવા માટે માણસો પણ મળી રહે છે અને તેઓ નાની-મોટી “ફી” પણ લેતા હોય છે. ડ્રાય સ્ટેટ ગુજરાતમાં કઈ પરમિટમાં કેટલો દારૂ અને બિયર મળી શકે છે? સરકારી અને રાજકીય દાવા પ્રમાણે ગુજરાત ભલે ડ્રાય સ્ટેટ ગણાતું હોય પરંતુ લિકર પરમિટ મળ્યા બાદ 40થી 50 વર્ષ સુધીની વ્યક્તિ મહિને 3 યુનિટ એટલે કે 3 બોટલ મળી શકે છે. 50થી 65 વર્ષ સુધીના પરમિટધારકને મહિને 4 યુનિટ, જ્યારે 65થી વધુ વર્ષ કરતાં વ્યક્તિને 5 યુનિટ બોટલ દારૂ આપવામાં આવે છે. અમે લિકર પરમિટનો આધાર જે બીમારી પર છે તે બાબતે મેડિકલ સાયન્સ શું કહે છે એ જાણવાનો અમે પ્રયાસ કર્યો. અમદાવાદમાં આવેલી SGVP હોસ્પિટલના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ.કૃષ્ણ કિશોરે કહ્યું, મને દર્દીઓ આવીને પૂછે છે કે દારૂ પીવાથી તો લોહી પાતળુ થશે ને? તો હું જવાબ આપું છું કે આ ખોટી ધારણા છે. એક સવાલના જવાબમાં ડૉ.કૃષ્ણ કિશોરે કહ્યું, બ્લડપ્રેશર અને કોલસ્ટ્રોલ માટેની ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે. અનિંદ્રા માટે દવા આવે છે પણ સ્ટ્રેસ હોય તો મેડિટેશન કરો, યોગ કરો અને દવા વગર જ ઊંઘ આવે એવો પ્રયાસ કરવો જોઈએ. કોઈને બ્લડપ્રેશરની સમસ્યા હોય અને દારૂ પીવાનું ચાલુ રાખશે તો વજન વધશે અને ભવિષ્યમાં ડાયાબિટીસ પણ થઈ શકે છે. આમ, દારૂ પીવાથી સારું થશે એ માન્યતા ખોટી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપરિટેન્ડેન્ટ ડૉ.એમ.એમ.પ્રભાકરને પણ આ સવાલ કર્યો. કારણ કે લિકર પરમિટની પ્રક્રિયામાં સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટની પણ મહત્વની ભૂમિકા હોય છે. તેમણે કહ્યું, વૈજ્ઞાનિક રીતે જોઈએ તો એવો કોઈ રોગ નથી જેના માટે દારૂ પીવો પડે. છતાં પણ અમુક રોગ આવે છે જેમાં રાત્રે ઊંઘ ન આવે, છાતીનું દુખતું હોય. દારૂના કારણે નસો ફૂલી જાય છે, લોહીનું પરિભ્રમણ વધે છે. એટલે ફાયદો થતો હોય છે. ગુજરાત, બિહાર જેવા રાજ્યોમાં જ આવા પ્રતિબંધ છે, બાકી આખા ભારતમાં છૂટ છે. ડૉ.પ્રભાકરે આ પરમિટ પાછળનું એક “કડવું સત્ય” જણાવ્યું… અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં આવેલી સંજીવની હોસ્પિટલના કન્સલ્ટન્ટ ફિજીશિયન અને કાર્ડિયોલોજિસ્ટ ડૉ.દેવાંગ શાહનો પણ અમે મત જાણ્યો. તેમણે કહ્યું, જો વધારે દારૂ પીવામાં આવે તો લિવર અને બીજા અંગો પર આડઅસર થાય છે. જે લોકોને એન્જાયટી ડિસઓર્ડર છે એ લોકો નિયમિત પણે નહીં પણ એન્જાયટી અટેક આવે ત્યારે ઓછી માત્રામાં લે તો તેમના સ્વાસ્થ્ય માટે ફાયદો ગણાય. પરંતુ આવી મેડિકલ જરૂરીયાતના નામે લોકો ખોટી રીતે પરમિટ મેળવે છે. જે તેમના હેલ્થ માટે પણ નુકસાનકારક છે. દારૂ પીવાથી અનિંદ્રા, હાઇપર ટેન્શન, હૃદયરોગ તથા કિડનીની બીમારીમાંથી રાહત મળતી હોય એ બાબતે ડોક્ટરોનો પણ એકમત નથી. એટલે દારૂ બાબતે થયેલી મોટી સંસ્થાઓનું રિસર્ચ શું કહે છે એ તપાસ કરી. આ શોધખોળમાં અમને મેડિકલ જર્નલ પ્રકાશિત કરતી વિખ્યાત સંસ્થા લેન્સેટ તથા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશનનું એક સંશોધન મળ્યું. જાન્યુઆરી, 2023માં પ્રકાશિત થયેલી આ સ્ટડીનું ટાઇટલ છે… “ઓછા પ્રમાણમાં દારૂનું સેવન કરો તો પણ આરોગ્ય અને કેન્સરનું જોખમ” WHOની વેબસાઇટ પર ડિટેલમાં ઉપલબ્ધ આ જર્નલમાં સ્પષ્ટ લખ્યું છે કે દારૂના સેવનથી થતા જોખમો અને નુકસાનનું પદ્ધતિસરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું. WHOના તાજેતરના અંદાજ મુજબ, 2016માં વૈશ્વિક સ્તરે દારૂના સેવનથી 30 લાખ લોકોના મોત થયા હતા. વિશ્વભરમાં રોગ અને ઇજા કારણે થયેલા કુલ મૃત્યુમાં આ દર 5.1% હતું. દારૂનું સેવન ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓના વધતા જોખમ સાથે જોડાયેલું છે. દારૂનું વ્યસન લિવર અને માનસિક સ્વાસ્થ્ય સહિત અનેક બીમારીનું કારણ બની શકે છે. દારૂનો ઉપયોગ અકાળ મૃત્યુ માટેના મુખ્ય જોખમી પરિબળોમાંનો એક છે. 20-39 વર્ષની વયના લોકોના કુલ મૃત્યુના 13.5% મૃત્યુ દારૂને કારણે થાય છે. ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર મુજબ, દારૂ એક ઝેરી, સાયકોએક્ટિવ (મન પર અસર કરનાર) અને વ્યસની બનાવતો પદાર્થ છે અને તે 'ગ્રુપ 1' કાર્સિનોજન (કેન્સરકારક તત્વ) છે જે અન્નનળી, લિવર, કોલોરેક્ટલ અને સ્તન કેન્સર સહિત સાત પ્રકારના કેન્સર સાથે કારણભૂત છે. વૈશ્વિક સ્તરે દર વર્ષે કેન્સરના 7 લાખ 40 હજાર નવા કેસો દારૂના સેવન સાથે સંકળાયેલા હોય છે. યુરોપિયન યુનિયનમાં હળવાથી મધ્યમ દારૂનું સેવનથી (દરરોજ 20 MLથી ઓછો દારૂ, જે અઠવાડિયા દીઠ અંદાજે 1.5 લિટરથી ઓછી વાઇન, 3.5 લિટરથી ઓછો બિયર અથવા 450 MLથી ઓછી સ્પિરિટ) 2017માં કેન્સરના લગભગ 23,000 નવા કેસો જવાબદાર હતા. દારૂના હળવાથી મધ્યમ સેવન (દરરોજ 10 MLથી ઓછો દારૂ)ને કારણે થતા કેન્સરના ત્રીજા ભાગના (અંદાજે 8,500 કેસ) હતા. દારૂની પરમિટના નિયમો જ વિચિત્ર ગુજરાત સરકારના દારૂની પરમિટ આપવા માટેના ક્રાઈટેરિયા પણ ઘણા જ વિચિત્ર અને એકબીજા નિયમોનો છેદ ઉડાવે છે. જેમ કે, દારુ પીવાથી ઉંઘ આવી જાય કે અન્ય બીમારી દૂર થઈ જાય એવા કારણોથી પરમિટ આપવામાં આવે છે. પણ વાસ્તવિકતા એ છે કે દારુ પીવાથી આ પ્રકારની બીમારી દૂર થઈ જાય છે અથવા તો તેમાં રાહત મળી જાય છે એવી કોઈ શોધ મેડિકલ સાયન્સમાં થઈ નથી. એનાથી ઉલ્ટુ, દારુની બોટલો પર પણ દારુ પીવાથી તબીયતને નુકસાન થઈ શકે છે એવી ચેતવણી પણ લખેલી હોય છે. આટલું જ નહીં, અરજદારની વાર્ષિક આવક 6 લાખ સુધીની હોવી જોઈએ. કોઈ અરજદારને અનિંદ્રા કે આવી જ કોઈ અન્ય સમસ્યા છે પણ તેની આવક 6 લાખથી ઓછી હોય તો પરમિટ મળી શકતી નથી. ગુજરાતમાં જે પણ કાયદાઓ છે તે તમામ શહેરો-ગામડાઓમાં એક સરખા જ લાગુ થાય એ વ્યવહારુ બાબત છે. પણ દારુ પીવાની પરમિટ લેવાના કાયદામાં કેટલાય શહેરોમાં તફાવત જોવા મળે છે. જેમકે પરમિટ માટેની જે સત્તાવાર ફી ભરવાની થાય છે તે રકમ અલગ-અલગ શહેરોમાં એકસરખી નથી. અમદાવાદમાં 20 હજાર રૂપિયા ભરવા પડે છે તો અન્ય શહેરોમાં આ રકમ ઘણી ઓછી થઈ જાય છે. ફીની રકમમાં આટલો તફાવત કેમ રાખવામાં આવે છે? તેની પાછળનું લોજીક શું? અને કેવું છે? તેનો જવાબ સિનિયર અધિકારીઓ પાસે પણ નથી. સરકારનું મેડિકલ બોર્ડ અને ડૉક્ટરોના નિયમો જ એકબીજાનો છેડ ઉડાવી રહ્યા છે. જેમ કે, કોઈપણ ખાનગી ફિઝિશિયન એવી વ્યક્તિને મેડિકલનું સર્ટિફિકેટ આપે છે કે જેમને ઉંઘ ન આવતી હોય, વધુ બ્લડપ્રેશર રહેતું હોય, ખૂબ જ તણાવ હોય અથવા તો હૃદય સંબંધિત બીમારી હોય. આ સર્ટિફિકેટ મળ્યાના થોડા દિવસમાં જ અન્ય એક ડૉક્ટર આપે કે આ વ્યક્તિ ફિઝિકલી ફીટ છે, તેમની માનસિક સ્થિતિ પણ સારી છે, તેમજ તે હિંસા કરે એમ લાગતું નથી, ઉપરાંત તેને કોઈ પણ પ્રકારના ડ્રગ્સનું કે તે સંબંધિત કેફી દ્રવ્યોનું કોઈ જ વ્યસન નથી. આમ, એક તરફ મેડિકલ ક્ષેત્રની વૈશ્વિક સ્તરની સંસ્થાઓનું માનવું છે કે દારૂથી બીમારી દૂર ન થાય, ઉલટાનું એ શરીરને બીમારીનું ઘર બનાવે છે. છતાં ગુજરાતમાં હેલ્થ પરમિટના નામે દાયકાઓથી દારૂ પીવાની છૂટ અપાઈ રહી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...