Gujarat Rain: રાજ્યમાં આગામી 24 કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધી 18 લોકોના મોત થયા છે. NDRFની 12 અને SDRFની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 139 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

બીજી ગઇકાલે બોટાદમાં મેઘતાંડવ જોવા મળ્યું હતું. બરવાળા,રાણપુર, ગઢડામાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. સાંજના 6 વાગ્યા સુધીમાં બોટાદ શહેરમાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. બોટાદ શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા. જ્યોતિગ્રામ સર્કલ પાસે તો ઘૂંટણસમા પાણી ભરાતા વાહનવ્યહાર બંધ કરવો પડ્યો હતો. સચિન વિલા સોસાયટીમાં પાણી ભરાતા ટ્રેક્ટરથી રહીશોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા હતા.

ભાવનગર રોડ પરની સોસાયટીઓમાં તો કમરસમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન થયું હતું. બોટાદના સુખભાદર ડેમના 4 દરવાજા ખોલી પાણી છોડાયું હતું. બોટાદ જિલ્લાના બરવાળામાં સાંજના 6 વાગ્યા સુધીમાં 7 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને લઈ બરવાળા શહેરના ખોડિયાર મંદિર પાછળ કમરસમા પાણી ભરાયા હતા. બોટાદના સાગાવદર ગામ પાસે સોમવારે ઇકો કાર તણાઈ હતી. કારમાં 9 લોકો સવાર હતા. જેમાંના 3 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદનું અનુમાન છે. કેટલાક વિસ્તારમાં સામાન્ય તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઇ શકે છે. ભારે વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. દીવ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે.

કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ?

પોરબંદર

જૂનાગઢ

અમરેલી

ભાવનગર

ગીર સોમનાથ

અરવલ્લી

મહીસાગર

દાહોદ

નવસારી

ડાંગ

વલસાડ

દીવ

દમણ

દાદરાનગર હવેલી

કયા જિલ્લામાં યલો એલર્ટ ?

રાજકોટ

બોટાદ

સુરેન્દ્રનગર

અમદાવાદ

ગાંધીનગર

સાબરકાંઠા

ખેડા

આણંદ

વડોદરા

પંચમહાલ

છોટા ઉદેપુર

ભરૂચ

નર્મદા

સુરત

તાપી

Comments
Post a Comment