બાવળામાં સિરપ બનાવતી કંપની સીલ:"બાળકોને કફ તરત મટે એટલે સિરપમાં ડાયેથિલિન ગ્લાયકોલ વધારે ભેળવાતું હોય છે"
https://ift.tt/tV3iNAF કોલ્ડ્રિફ કફ સિરપના કારણે મધ્યપ્રદેશમાં 32 દિવસમાં 16 બાળકોના મોત થયા. આ બધા બાળકો 1 થી 5 વર્ષની ઉંમરના હતા. આ દવા શ્રી સન ફાર્માસ્યુટિકલ્સ કપંની દ્વારા નિર્મિત હતી જે તમિલનાડુના કાંચીપુરમમાં બનતી હતી. આટલા બાળકોના મોત થતા સરકાર હરકતમાં આવી. અને તે સિરપના સેમ્પલ લઈને ટેસ્ટીંગ કરવામાં આવ્યું જેમાં ડાયેથિલિન ગ્લાયકોલ (DEG)નું પ્રમાણ 46.28% મળી આવ્યું જે તેની માત્રા કરતા અનેક ઘણું વધારે છે. કફ સિરપમાં આ પ્રમાણ માત્ર 0.1% જ હોવું જોઈએ. રિપોર્ટ બાદ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ આ કંપની સામે કાર્યવાહી કરવા માટે કહ્યું અને તાત્કાલિક આ કંપનીને સસ્પેન્ડ કરી દેવાઈ અને માર્કેટમાંથી તમામ દવા પરત ખેંચી લેવાઈ. આનો રેલો ગુજરાત સુધી પણ પહોંચ્યો જેની પર ભાસ્કરે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વેચાતી તમામ કફ સિરપનું ટેસ્ટીંગ હાથ ધરાયું જેમાં ગુજરાતની બે કંપનીઓની સિરપમાં ડાયેથિલિન ગ્લાયકોલ (DEG)નું પ્રમાણ 0.1% કરતા વધુ જણાઈ આવ્યું જેથી તેમની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના બાવળામાં રેસ્પિફ્રેશ ટીઆર સિરપ બનાવતી કંપની Rednex Pharmaceuticals Pvt. Ltd. ને સિલ કરી દેવાઈ છે. ભાસ્કરની ટીમ બાવળામાં આ કંપનીએ પહોંચી તો ત્યાં તાળા લાગેલા હતા બહાર એક સિક્યુરીટી ગાર્ડ હતો અંદર જવાની કોઈને મંજૂરી નહોતી. રાજ્ય સરકારે તમામ દવા ઉત્પાદકો, નિરીક્ષકો, મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારીઓ અને મેડિકલ કોલેજોના ડીનને એક એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં તેમને ક્લોરફેનિરામાઇન મેલેટ (Chlorpheniramine Maleate) અને ફેનાઈલફ્રિન HCl (Phenylephrine HCl) જેવા કેમિકલનો ઉપયોગ કરતી વખતે ખાસ સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે. સીરપમાં ડાયેથિલિન ગ્લાયકોલ, ઇથિલિન ગ્લાયકોલ અને અન્ય પ્રિઝર્વેટિવ્સ જેવા રસાયણો અને પ્રિઝર્વેટિવ્સ હોય છે. જો સલામત માત્રાથી વધુ માત્રામાં લેવામાં આવે તો તે બાળકોની કિડની, લીવર અને ચેતાતંત્રને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ભાસ્કરની ટીમે FGSCDAના પ્રેસિડેન્ટ જસવંત પટેલને મળીને તેમની પાસેથી કેટલીક જાણકારી મેળવી. જસવંત પટેલે વાત કરતા જણાવ્યું કે, રાજસ્થાન અને MP માં જે બાળકોના કફ સિરપના કારણે મોત થયા છે તે એક દુ:ખદ ઘટના છે. કંપનીએ દવા બનાવવા માટે જે ફોર્મુલાની પરમિશન લીધી હોય અને તે ફોર્મુલા મુજબ જ દવા બનાવી હોય તો કંઈ જ તકલીફ ન આવી શકે. નાના બાળકોને આવી કૉલ્ડરિફ કફ સિરપ ન આપવી જોઈએ જેનાથી બાળકોની કીડની ઉપર અસર થાય. એક પ્રકારે એડલ્ટ લોકોને લાગે તેટલા ડોઝની દવા નાના બાળકોને ન આપી શકાય. કફ સિરપમાં ડાયેથિલિન ગ્લાયકોલ (DEG)નું પ્રમાણ 0.1% જ હોવું જોઈએ. એની જગ્યાએ તમિલનાડુની આ કફ સિરપ બનાવતી કંપની કૉલ્ડરિફની કફ સિરપમાં 46.28% છે એટલે કે જરુરીયાત કરતા 486 ગણું વધારે છે. જે એડલ્ટ માટે પણ હાનિકારક છે. આ પ્રકારની કફ સિરપ ઘરમાં પડી હોય અને માતા પિતા તેમના બાળકોને આપી દે એટલે તેમને તરત જ ઉંઘ આવી જાય કારણ કે, તે મગજ શાંત કરે છે પરંતુ તે સિરપ પસાર થાય છે બાળકની કીડનીમાંથી એટલે કીડની ફેઈલ થઈ જાય છે. રાજસ્થાન અને MPમાં જે બાળકો મૃત્યુ પામ્યા તેમના PM કરવામાં આવે તો તેમાં સાબિત પણ થશે કે કીડની ફેઈલ થવાના કારણે બાળકનું મોત થયું છે. અમે જસવંત પટેલને પૂછ્યું કે, કોઈપણ દવા બને તો તેના સંપૂર્ણ ટેસ્ટીંગ બાદ જ તે દવા માર્કેટમાં આવતી હોય છે. તો પછી શું આ કૉલ્ડરિફ કફ સિરપનું ટેસ્ટીંગ નઈ થયું હોય? તેના જવાબમાં તેમણે જણાવ્યું કે, અંદાજે 75 હજાર કરતા પણ વધારે અલગ અલગ દવાઓ માર્કેટમાં છે. જેમાં 600 થી 700 જેટલી કંપની આ પ્રકારની કફ સિરપ બનાવે છે. અને જ્યારે સિઝન બદલાય ત્યારે આ કફ સિરપ સૌથી વધારે વપરાતી હોય છે. પરંતુ તે એડલ્ટ લોકો માટે હોય છે બાળકો માટે નહીં. આ કૉલ્ડરિફ કફ સિરપમાં (DEG)નું પ્રમાણ જ એટલું બધું વધારે છે કે જાણે કોઈ લઠ્ઠાકાંડ થયો હોય. આના કરતા પણ ઘણી સારી મોટી સ્ટાર્ડન્ડ કંપનીઓ છે પરંતુ તેમાં (DEG)નું પ્રમાણ ફોર્મુલા મુજબનું હોય છે. આમાં તો ફોર્મુલા કરતા પણ વધારે પ્રમાણમાં (DEG) છે. આ કફ સિરપને લઈને જે ડ્રગ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તેણે ત્રણ વખત આ કંપનીને રીઝેક્ટ કરેલી છે છંતા ચોથાએ કોણે આપી દીધી? 2022માં આફ્રીકામાં પણ આ રીતના બનાવ બન્યો હતો. કફ સિરપના કારણે 65 કરતા પણ વધુ બાળકો મૃત્યુ પામ્યા હતા. નશાના કારણે 15-20 રુપિયાની બોટલ 100થી લઈને 150 રુપિયા સુધીમાં વેચાય છે. આ પ્રકારના લોકો માટે કડક કાયદા બનવા જોઈએ. પરંતુ આપણા દેશમાં આના માટેના કાયદા એવા છે કે, સમય રહેતા આ પ્રકારનું કૃત્ય કરનાર લોકો છુટી જાય છે. જો તાત્કાલિક સુનાવણી થાય અને જે તે સમયે જ સજા મળી જાય તો અન્ય કોઈ આવું કરવાનું કૃત્ય ન કરે. અમે સવાલ કર્યો કે આ પ્રકારના બનાવમાં કોની ભૂલ માનવી જોઈએ. તો જસવંત પટેલે કહ્યું કે, આમાં ડોક્ટરની કોઈ જ ભૂલ ન કહેવાય કારણ કે, ડોક્ટરનું કામ છે પ્રિસ્ક્રીપ્શન લખવાનું જે તે ડોક્ટર વર્ષોથી પ્રેક્ટીસ કરતો હોય તો તેણે રિઝલ્ટ જોયા જ હોય તેને ખ્યાલ જ હોય કે કંઈ દવા આપવી. પરંતુ કફ સિરપ જે કંપની બનાવે તે બોટલ પર કંપની ફોર્મુલા અલગ લખે અને અંદર હોય કંઈક અલગ તો તેમાં ડોક્ટર શું કરી શકે? એટલે આ પ્રકારના બનાવમાં જે તે કંપની જ જવાબદાર કહેવાય. કંપનીમાં પણ તે કંપનીના માલિક કે ડાયરેક્ટર જવાબદાર ના હોય તેની અંદરનો ટેક્નિકલી સ્ટાફ હોય તેમની પણ અટકાયત કરીને પૂછપરછ કરવી જોઈએ. 2022માં આફ્રીકામાં જ્યારે બનાવ બન્યો ત્યારે જ કડક રીતના અમલવારી કરવામાં આવી હોત તો આ બનાવ ના બન્યો હોત. કૉલ્ડરિફ કફ સિરપ રાજસ્થાન, MP અને તમિલનાડુમાં વેચાઈ છે. ગુજરાતમાં વેચાઈ નથી એટલે ગુજરાતમાં વાંધો નથી. પરંતુ ગુજરાત સરકારે તાત્કાલિક અસરકાર પગલા લઈને પરીપત્ર બહાર પાડીને આ પ્રકારની સિરપ જ્યાં પણ હોય તે પરત લઈ લેવા આદેશ કર્યો છે જે અભિનંદનને પાત્ર છે. પરંતુ આ પ્રકારની દવા ભવિષ્યમાં અન્ય કોઈ કંપની ન બનાવે તેને લગતા કાયદા વધુને વધુ કડક થવા જોઈએ જેથી કરીને અકાળે કોઈનું મૃત્યુ ન થાય. સરકારના અસરકારક નિર્ણયની દવા બનાવતી કંપનીઓની ક્વોલિટીમાં જરુરથી ફેરફાર આવશે. આ જરુરી પણ છે કારણ કે, દવા કોઈ શોખથી નથી ખાતું બિમાર પડે તો જ દવા ખાય છે. પરંતુ થાય છે એવું કે માનો અત્યારે આ કૉલ્ડરિફ કફ સિરપ કંપનીને બેન કરી દેવામાં આવે અને બંધ પણ થઈ જાય પરંતુ ભવિષ્યમાં તેના માલિકો બહાર આવીને કંપનીનું નામ બદલીને નવી કંપની શરુ કરી દે છે. જેથી કરીને કડકમાં કડક કાયદો બનવો જોઈએ જેથી કરીને આવા લોકો ફરી માર્કેટમાં ન આવે. જેમ રેડ કોર્નર નોટીસમાં કોઈપણ આરોપી કોઈપણ એરપોર્ટ પર જાય તો પકડાય છે તેવી રીતના આમાં પણ એવો કાયદો બનવો જોઈએ કે, આ પ્રકારની દવા બનાવતી કંપની ફરી માર્કેટમાં આવે જ નહીં. FGSCDA એટલે શું? FGSCDA એટલે THE FEDERATION OF GUJARAT STATE CHEMISTS DRUGGISTS ASSOCIATONS આ એસોશિએશન દવા બનાવતી કંપનીઓનું એક એસોશિએશન છે. જે સરકારી લેવલે કંઈપણ તકલીફ હોય, દવાનો, માર્જિનનો કે એક્સપાયરી ડેટ જેવો કંઈ પણ ઈશ્યુ હોય તો તે આ કંપની સરકાર સાથે વાટાઘાટો કરીને તેનું સમાધાન લાવે છે. કોઈ નશા કારક દવા કે ઉંઘની દવા વેચતુ હોય તો અમે તેમને જઈને સમજાવીએ છીએ કે, માની લો કે તમારો જ છોકરો આ દવા ખાય તો શું હાલત થાય.? એટલે આ FGSCDA એસોશિએશન ખાસ એ ધ્યાન રાખે છે કે, કેમિસ્ટ સારી અને સાચી દવા સરકારી નોમ્સ મુજબ બનાવે અને વેચે. કફ સિરપ મામલે અમે અમદાવાદના પીડિયાટ્રિશિયન ડોક્ટર ઉર્વશી રાણા સાથે વાતચીત કરી અને કેટલાક જરુરી સવાલ પુછ્યા. સવાલ: ડાયેથિલિન ગ્લાયકોલ (DEG) એટલે શું? જવાબ: ડાયેથિલિન ગ્લાયકોલ દવામાં એક સોલવન્ટ અથવા એન્ટી ફ્રીઝ તરીકે ઉપયોગમાં લેવાય છે જે એક રંગહીન, ગંધહીન, સહેજ ચીકણું પ્રવાહી છે જેનો સ્વાદ મીઠો હોય છે. કોઈપણ મેડિસિનમાં સોલ્યુસનને સ્ટેબલ અથવા સોલ્યુસન તરીકે તેને એડ કરવામાં આવે છે. તે પાણી, આલ્કોહોલ, ઇથર, એસીટોન અને ઇથિલિન ગ્લાયકોલમાં ભળી જાય છે. DEG નો ઉપયોગ વાઇન અને બીયરને મધુર બનાવવા અને મૌખિક અને સ્થાનિક ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોને સ્નિગ્ધ બનાવવા માટે પણ કરવામાં આવે છે. દવામાં ડાયેથિલિન ગ્લાયકોલ (DEG)નું પ્રમાણ 0.1% થી પણ ઓછું હોવું જોઈએ. હાલમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશની જે ઘટના સામે આવી છે તેની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, DEGનું પ્રમાણ ઘણું વધારે મળી આવ્યું છે. સિરપમાં DEGનું પ્રમાણ 0.1% કરતા વધારે હોય તો તે બાળકની કીડની પર અસર કરે છે. જેમાં કીડની ફેઈલ થઈ શકે છે. આ સિવાય પાચનશક્તિ ઉપર પણ અસર પડે છે. કંઈ વધારે સાઈડ ઈફેક્ટ થઈ જાય તો તેમાં બાળકનું મોત પણ થઈ શકે છે. સવાલ: મોટા લોકો માટેની સિરપમાં ડાયેથિલિન ગ્લાયકોલ (DEG)નું પ્રમાણ હોય છે કે નહીં? જવાબ: ડાયેથિલિન ગ્લાયકોલ (DEG) સિરપમાં હોય જ છે. પરંતુ તેનું પ્રમાણ જરુરીયાત કરતા વધારે હોય તો તે બાળક અને મોટા લોકો બન્નેને નુકસાન કરી શકે છે. કોઈપણ સિરપમાં ડાયેથિલિન ગ્લાયકોલ (DEG) નું હોવું કોઈ નુકસાન કારક નથી પરંતુ કેટલું છે તે જોવું જરુરી છે. સવાલ: બાળકોના માતા પિતાને શું સલાહ આપશો? જવાબ: બાળકને કોઈ સામાન્ય તાવ આવ્યો હોય તો તેની દવા ઘરે આપી શકાય છે. પરંતુ જો બાળક વધારે બીમાર હોય તો એકવાર બાળકોના સ્પેશ્યાલિસ્ટ અથવા પીડિયાટ્રિશિયનને બતાવવી દેવું જોઈએ. જેથી કરીને ડોક્ટર બરાબર ચકાસણી કરીને જે દવાની જરુર હશે તે જ દવા આપશે. આનાથી બાળક પર ઓવર ટ્રીટમેન્ટ કે અંડર ટ્રીટમેન્ટ જેવું કંઈ જ નહીં થાય. સવાલ: કફ સિરપ કેટલા વર્ષના બાળકોએ લેવી જોઈએ? જવાબ: કફ સિરપ અલગ અલગ પ્રકારની હોય છે. કેટલીક કફ સિરપ કફને દબાવે છે. કેટલીક સિરપ કફ નિકાળવામાં મદદરુપ થાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે, ડોક્ટર બાળકને એક્ઝામિન કરીને નક્કી કરે છે કે, કયા બાળકે કંઈ કફ સિરપ આપવી જોઈએ. એમાં પણ ડોક્ટર ઉંમર પ્રમાણે સિરપ નક્કી કરતા હોય છે. જેમ કે, કેટલીક મેડીસિન 6 મહિનાથી ઓછી ઉંમરના બાળકોને નથી આપતા. કેટલીક મેડીસિન 4-5 વર્ષની ઉંમર કરતા નીચેના બાળકોને નથી આપતા. ડોક્ટર હંમેશા બાળકની ઉંમર અને ક્લિનિકલ પ્રેઝન્ટેશન કરીને નક્કી કરે છે કે, કફ સિરપ કઈ આપવી જોઈએ અને કઈ ન આપવી જોઈએ. સવાલ: ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર બાળકને કફ સિરપ આપવી જોઈએ કે નહીં? જવાબ: નાના બાળકોને નેઝલ ડ્રોપ જેવી વસ્તુ આપવામાં કોઈ તકલીફ નથી. પરંતુ કફ સિરપ એવી વસ્તુ છે કે, લેવા વાળા કે આપવા વાળાને ખબર નથી હોતી કે આની સાઈડ ઈફેક્ટ શું થવાની છે. ડોક્ટરને પુછ્યા વગર બાળકને કોઈપણ કફ સિરપ ન આપવી જોઈએ. સવાલ: બાળકો માટે ઘરેલું ઉપાય કરવા જોઈએ કે ડોક્ટર પાસે જવું જોઈએ? જવાબ: ઘરેલું ઉપાય કેટલીક સીમા સુધી આપી શકાય છે. જેમ કે, અમારી પાસે કોઈ મોટી ઉંમરનો બાળક આવે અને મેડિસિન આપ્યા બાદ જરુર જણાય તો અમે તેમને ઘરે કોગળા (gargle) કરવાનું કહેતા હોઈએ છીએ. એટલે બન્ને વસ્તુ મેડિસિન અને ઘરેલું ઉપાય બન્ને મળીને જે સારું પરીણામ આપી શકે તે કરવા જોઈએ. ઘરેલું ઉપાય ડોક્ટરને પુછી પણ કરી શકાય છે. જેમ કે ડોક્ટરને તમે પુછો કે ઘરે હળદળ વાળું દુધ આપી શકાય કે નહીં? ડોક્ટરને જે યોગ્ય લાગશે તે પ્રમાણે જવાબ આપશે. સવાલ: માતા પિતાને બાળકોને લઈને શું સલાહ છે? જવાબ: હવે તો શિયાળો શરુ થશે દિવાળી પણ છે. તો ફટાકડા, પ્રદૂષણ, ડસ્ટના કારણે ખાસી થવી, ગળું ખરાબ થવું જેવા કેસો વધી જતા હોય છે. એટલે હાલમાં બાળકોને આ બધી વસ્તુથી દૂર રાખવા જોઈએ. કંઈ તકલીફ થાય તો સૌથી પહેલા નજીકના ડોક્ટરને બતાવી દેવું જોઈએ.
Comments
Post a Comment