Gujarat Govt Jobs: ‘લોકો હવે 'સાહેબ' કહેશે, પણ વહેમમાં ન રહેતા’, 4,473 નવા કર્મચારીઓને નાયબ મુખ્યમંત્રીની લાલ બત્તી

gujarat govt jobs: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યના 4,473 યુવાનોને સરકારી નોકરીના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ખુશીના અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવનિયુક્ત કર્મચારીઓને ભવિષ્ય માટે મહત્વની શિખામણ આપી હતી. તેમણે યુવાનોને ટકોર કરતા કહ્યું હતું કે, હવે સમાજ તમને 'સાહેબ' કહીને બોલાવશે, પરંતુ ક્યારેય સત્તાના વહેમમાં આવીને જમીન પરથી પગ ઉંચા ન કરતા. જો 'સાહેબ' હોવાનો અહંકાર આવી જશે તો પતન નિશ્ચિત છે. તેમણે અરજદારો સાથે સારો વ્યવહાર કરવા અને માતા-પિતાને ક્યારેય ન ભૂલવાની ભાવુક અપીલ કરી હતી.

"સાહેબના વહેમમાં આવ્યા તો પતન નક્કી છે"

નાયબ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં યુવાનોને વાસ્તવિકતાનું ભાન કરાવતા કહ્યું હતું કે, સરકારી ખુરશી મળતાની સાથે જ તમારી આસપાસના લોકો તમને માન-સન્માન આપશે અને 'સાહેબ-સાહેબ' કહીને બોલાવશે. પરંતુ આ સંબોધનને તમારા મગજ પર હાવી થવા દેતા નહીં. તેમણે ચેતવણીના સૂરમાં કહ્યું કે, "જો તમે 'સાહેબ' હોવાના વહેમમાં રાચવા લાગશો, તો તમારું પતન નક્કી છે. જે સંઘર્ષ અને રાત-દિવસની મહેનત કરીને તમે આ મુકામ સુધી પહોંચ્યા છો, તે ભૂતકાળને હંમેશા યાદ રાખજો અને જમીન સાથે જોડાયેલા (Down to earth) રહેજો."

અરજદારો સાથે સત્તાનો પાવર ન બતાવવા સલાહ

સરકારી કચેરીઓમાં આવતા સામાન્ય નાગરિકો સાથેના વર્તન વિશે શિખામણ આપતા તેમણે કહ્યું કે, તમારી પાસે આવતા નાનામાં નાના અરજદાર સામે ક્યારેય સત્તાનો પાવર બતાવશો નહીં. ગરીબ અને સામાન્ય લોકોને સમજીને તથા તેમને પ્રેમથી સમજાવીને કામ કરજો. જો તમે વડીલો અને અરજદારો સાથે વિવેક અને માનપૂર્વક વાત કરશો, તો તમારી તાકાત ઘટશે નહીં પણ વધશે. માત્ર વાહવાહી લૂંટવા માટે નહીં, પરંતુ સામાજિક જવાબદારી સમજીને લોકોના નાના-મોટા કામો કરતા રહેજો.

"સોશિયલ મીડિયા અને ભલામણોથી દૂર રહેજો"

હર્ષ સંઘવીએ પોતાના વ્યક્તિગત અનુભવના આધારે યુવાનોને કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ચાલતી નકામી વાતો પર ધ્યાન આપવાને બદલે તમારા કામ પર ફોકસ કરજો. વહીવટી તંત્રમાં કામ કરતી વખતે કોઈ જનપ્રતિનિધિ (નેતા) કે અન્ય કોઈ વ્યક્તિ ભલે ગમે તે કહે અથવા ભલામણ કરે, તમારે હંમેશા સાચું અને હિંમતભેર કામ કરવાનું છે. સમાજમાં હકારાત્મક સુધાર લાવવા માટે તમારી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવજો.

4,473 યુવાનોના સપના સાકાર

ઉલ્લેખનીય છે કે, આજે ગાંધીનગરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવાયેલી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા 4,473 ઉમેદવારોને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર આ યુવાનો હવે પોતાની સેવા આપશે. અંતમાં મંત્રીએ તમામ યુવાનોને માતા-પિતાને ક્યારેય ન ભૂલવાની શીખ આપી હતી.

Comments
Post a Comment