જૂનાગઢના ખામધ્રોળ અને જોષીપુરા વિસ્તારમાં અશાંતધારો લાગુ:મિલકતની લે વેચ માટે કલેકટરની મંજૂરી લેવી પડશે,જુઓ અશાંતધારો લાગુ થયો તે સોસાયટીઓનું લિસ્ટ
https://ift.tt/sfL4DkH જૂનાગઢ શહેરમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી સ્થાનિકોની રજૂઆતો અને માંગણીઓનો આખરે સરકારે સ્વીકાર કર્યો છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડીને જૂનાગઢ તાલુકાના ખામધ્રોળ અને જોષીપુરા વિસ્તારની કેટલીક સોસાયટીઓને 'અશાંત ધારો' એટલે કે The Gujarat Prohibition of Transfer of Immovable Property and Provision for Protection of Tenants from Eviction from Premises in Disturbed Areas Act, 1991 હેઠળ આવરી લેવામાં આવી છે.જૂનાગઢના વિસ્તારોને 18 ફેબ્રુઆરી 2026થી 17 ફેબ્રુઆરી 2031 સુધી (5 વર્ષ માટે) અશાંત વિસ્તાર જાહેર કરાયા છે. લોકોની લાંબા સમયની રજૂઆતનો સુખદ અંત અગાઉ જૂનાગઢના આ અલગ-અલગ વિસ્તારના રહીશો દ્વારા એકજૂથ થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સ્થાનિકોની રજૂઆત હતી કે વસ્તીના જનસાંખ્યિક ફેરફારો અને મિલકતોની બિનઅધિકૃત તબદીલીને કારણે સામાજિક તાણાવાણા પર અસર પડી રહી છે. લોકોએ અગાઉ અનેકવાર ઉચ્ચસ્તરે રજૂઆતો કરી 'અશાંત ધારો' લાગુ કરવાની માંગ કરી હતી, જેનો હવે અમલ થતા રહીશોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. મિલકત ખરીદ વેચાણ સમયે કલેકટરની પૂર્વ મંજૂરી લેવી પડશે આ કાયદો અમલમાં આવતાની સાથે જ હવે આ વિસ્તારોમાં સ્થાવર મિલકત, ઘર, દુકાન કે જમીનની તબદીલી એટલે કે વેચાણ કે ભાડે આપવાની પ્રક્રિયા સીધી રીતે થઈ શકશે નહીં. મિલકત વેચનાર અને ખરીદનાર બંનેએ ફરજિયાતપણે 'સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM), જૂનાગઢ'ની પૂર્વ મંજૂરી લેવી પડશે. જો મંજૂરી વિના કોઈ દસ્તાવેજ કરવામાં આવશે તો તે કાયદેસર રીતે માન્ય ગણાશે નહીં. સરકારના જાહેરનામા મુજબ આ કાયદાની કલમ 4, 5 અને ૫-એ હેઠળની તમામ સત્તાઓ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને સોંપવામાં આવી છે. તંત્ર હવે મિલકતની તબદીલી વખતે એ બાબતની ખાતરી કરશે કે આ વેચાણ કોઈ દબાણ કે ભય હેઠળ નથી થઈ રહ્યું અને તેનાથી વિસ્તારની શાંતિમાં કોઈ ખલેલ પહોંચશે નહીં. આ નિર્ણયથી જૂનાગઢના આ વિસ્તારોમાં મિલકતોના આડેધડ વેચાણ પર અંકુશ આવશે અને સ્થાનિક રહેવાસીઓની સુરક્ષા તેમજ સામાજિક એકતા જળવાઈ રહેશે તેવી આશા રાખવામાં આવી રહી છે. અશાંત વિસ્તાર ધારો શું છે? અશાંત વિસ્તારો કે જ્યાં કોમી તોફાનો કે રમખાણો થવાના કિસ્સા બનતાં હોય તેવાં વિસ્તારોમાં શાંતિ રહે તથાં કોઇ એક ચોક્કસ સમુદાયના લોકોની વસ્તી ખૂબ વધી જાય અને જનસંખ્યાવિષયક સંતુલન ખોરવાય ત્યાં વસનારાં લોકોની મિલકતની તમામ પ્રકારની તબદીલી નિયંત્રિત કરતો કાયદો. અહીં મિલકતની તબદીલી કરતાં પૂર્વે કલેક્ટરની પૂર્વમંજૂરી જરુરી છે.
Comments
Post a Comment