સાહેબ મિટિંગમાં છે:IAS અધિકારીનું ઓફિસની જ મહિલા કર્મચારી સાથે ઈલુ-ઈલુ!, કેબિનેટ મંત્રીએ બેસાડી રાખતા પૂર્વ મંત્રીનો બાટલો ફાટ્યો
https://ift.tt/18RyUMA દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... ગાંધીનગરમાં IAS અધિકારીનું ઓફિસની મહિલા કર્મચારી સાથે ઈલુ ઈલુ! ગાંધીનગરમાં ફરજ બજાવતા એક IAS અધિકારીને તેની ઓફિસમાં ફરજ બજવતી એક મહિલા અધિકારી સાથે ઈલુ ઈલુ કરી રહ્યા છે. સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ, આ અધિકારી પોતાના પરિવારથી ત્રસ્ત છે. પત્ની સાથે અણબનાવ છે. દંપતી વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી એક ઘરમાં રહેવા છત્તા બોલવાના પણ સંબંધો નથી. પરિવારથી દુઃખી એવા આ સનદી અધિકારી ઓફિસના કામમા પણ પુરતું ધ્યાન આપી શકતા નથી. ટેન્ડરો સહિતની અનેક મહત્વની ફાઈલોમાં લોચા મારી રહ્યા છે. થોડો સમય પહેલા ફાઈલ ઉપર તેઓએ એવુ લખ્યું કે, ટેન્ડરની પ્રાઈઝ ઓપન કરવાની જરુર નથી. તેમજ ચોક્કસ કંપનીને ટેન્ડર એલોટ પણ કરી દીધુ હતુ. આ સંદર્ભમાં એક સિનિયર IAS અધિકારીએ એવુ કહ્યું કે, આમાં તેમણે કૌભાંડ કર્યુ હોય એવુ લાગતું નથી પણ તે માનસિક રીતે સ્વસ્થ નથી. આ સ્થિતિમાં તેમની સાથે ઓફિસની એક મહિલા અધિકારી નજીક આવી ગઈ છે. બન્ને વચ્ચે ઈલુ-ઈલુ ચાલી રહ્યુ હોવાનો ગણગણાટ છે. મહિલા અધિકારી સાહેબની કેબિનમાં કોઈની મંજૂરી વિના ગમે ત્યારે આવજા કરે છે. તેમજ સાહેબની સાથે બહાર ફરવા પણ જઈ રહી છે. સાત દિવસમાં ફાઈલ નિકાલનો CSનો આદેશ છતા 3 મહિનાથી પેમેન્ટની ઢગલાબંધ ફાઈલો પેન્ડિંગ કેબિનેટ બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દાસે આ અગાઉ જ એવી ચેતવણી આપી હતી કે, કોઈપણ ફાઈલનો 7 દિવસમાં નિકાલ કરવાનો રહેશે. જે અધિકારી કે કર્મચારી પાસે 7 દિવસથી વધુ સમય સુધી ફાઈલ રહેશે તેનો જવાબ અને ખુલાસો આપવો પડશે. ગેરરીતિના કેસમાં જે તે અધિકારી સામે કડક પગલાં લેવાશે. મોટા સાહેબની આ ચેતવણીની અસર મોટાભાગના ટોચના અધિકારીઓ પર થઈ રહી છે.પરંતુ કેટલાક માથાભારે IAS અધિકારી તેમજ તેનાથી નીચેની કક્ષાના અધિકારીઓ સીએસની સૂચનાને ઘોળીને પી ગયા છે. ખાસ કરીને પેમેન્ટ ચૂકવવાની અનેક ફાઈલોનો બેથી ત્રણ મહીના પછી પણ નિકાલ કરાતો નથી. ભુતકાળમાં અનેક વખત સીએમ સમક્ષ તેમજ સીએમઓમાં ફરિયાદ આવી હતી કે, કામ સંપૂર્ણ કર્યા પછી પણ લાંબો સમય સુધી પેમેન્ટ નથી મળતું. પેમેન્ટ માટે બિલ મુકાયા બાદ મોટી 'પ્રસાદી'ની માગણી કરવામાં આવે છે. જેમાં ઘણી વખત માગણી અયોગ્ય હોય છે. જેથી કંપની કે એજન્સી આવી માગણીઓને સંતોષી શકતી નથી. જેથી આવી કંપની-એજન્સીઓની પેમેન્ટ માટેની ફાઈલોને ખોટી રીતે મુકી રાખવામાં આવે છે. ગ્રાન્ટ નથી એવા બહાના કાઢવામાં આવતા હોય છે.જો કોઈ ફરિયાદ કરે તો તેની ફાઈલોમાં ખોટા ખોટા કારણો મુકીને અધિકારીને ગેરમાર્ગે દોરવામાં આવે છે. હવે કંપની-એજન્સીઓ મુખ્ય સચિવ તરફ આશા રાખીને બેઠા છે કે, પેમેન્ટ માટેની ફાઈલોનો પણ સાત દિવસમાં નિકાલ થઈ જાય તો અમારું કલ્યાણ થઈ જાય. સિનિયર IASના પુત્રને ખાનગી કંપનીના માલિકે ઓટોમેટિક કાર ભેટમાં આપી! ગાંધીનગરમાં ફરજ બજાવી રહેલા એક સિનિયર IAS અધિકારીના પુત્રને એક કંપનીના માલિકે ખુશ થઈને થોડો સમય પહેલા ઓટોમેટિક કાર ભેટમાં આપી હતી. 15 લાખની આસપાસની કિંમતની આ કારનું આરટીઓમાં કંપનીના નામે જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેથી આરસી બુકમાં કંપનીના માલિકનુ નામ બોલી રહ્યુ છે. જ્યારે આ કાર સાહેબનો પુત્ર ફેરવી રહ્યો છે. સાહેબે એક ટેન્ડરમાં કંપનીને મદદ કરી હતી. તેમજ વહીવટ પણ કર્યો હતો. આમ છત્તા કંપનીના માલિકે મોટું મન રાખીને સાહેબ સાથેનો ઘરોબો વધારવા માટે સાહેબના પુત્રને લક્ઝુરીયસ કાર ભેટમાં ધરીને સાહેબના પરિવારને પણ ખુશ કરી દીધું હતું. ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ વિધાનસભામાં પણ ગોગલ્સ પહેરી રાખ્યા, પુત્રીને રમાડતા રહ્યા ક્રિકેટર રવીન્દ્ર જાડેજા ગત અઠવાડિયે પોતાની પુત્રી-પરિવાર સાથે ધર્મપત્ની અને રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાની વિધાનસભામાં ચાલી રહેલી કામગીરીને જોવા માટે આવ્યા હતા.તેઓ પોતાની પુત્રી અને પરિવાર સાથે ગૃહની કામગીરી જોવા માટે VIP ગેલેરીમાં બેઠા હતા. તેઓ આવ્યા ત્યારે પ્રશ્નોતરી ચાલી રહી હતી. પ્રાથમિક શિક્ષણના પ્રશ્નો પુછાતા હતા. જેના જવાબો આપવા માટે રીવાબા ઉભા થતા હતા. એ સમયે જાડેજાએ ખૂબજ રસથી મંત્રી ધર્મપત્નીને સાંભળ્યા હતા.જો કે, સૌને આશ્ચર્ય એ વાતનુ લાગ્યુ હતુ કે, ગૃહની અંદર તો એસી અને લાઈટો ચાલુ જ હોય છે. આમ છત્તા જાડેજાએ ગોગલ્સ પહેરીને જ રાખ્યા હતા. તેઓ પોતાની બાજુની જ ખુરશી પર બેઠેલી દીકરી સાથે પણ ગમ્મત કરી રહ્યા હતા તેમને રમાડતા હતા. તેઓએ સારો એવો સમય આ ગેલેરીમાં વિતાવ્યો હતો. તેઓ ગયા બાદ કેટલાક ધારસભ્યો ગોગલ્સ પહેરી રાખવાનુ રહસ્ય શું હોઈ શકે તેની ચર્ચા કરતા હતા. કોઈએ એવુ અનુમાન લગાવ્યુ કે, બાપુએ વિધાનસભામાં રીવાબાને પ્રથમવાર સાંભળ્યા છે. પત્ની આટલું બધુ સરસ બોલી શકતા હશે તેનો અંદાજ તેમને નહોતો. આથી તેમને સાંભળીને ક્રિકેટરની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. આ આંસુ કોઈ જોઈ ન જાય તે માટે તેઓએ ગોગલ્સ પહેરી રાખ્યા હતા. કેબિનેટ મંત્રીએ રાહ જોવડાવતા પૂર્વ મંત્રીનો બાટલો ફાટ્યો ભુપેન્દ્ર પટેલની સરકારમાં મોટાભાગના મંત્રીઓ નવા અને અનુભવ વગરના છે. આમાંથી ઘણા મંત્રીઓ તો ભાજપના હાલના અને ભુતકાળના પૂર્વ નેતાઓ-મંત્રીઓને પણ સારી રીતે ઓળખતા નથી. એટલુ જ નહી, તેઓ તેમને મળવા જાય ત્યારે પણ તેમને અપમાનિત કરતા હોય છે. થોડા દિવસો પહેલા એક પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય વર્તમાન કેબિનેટ મંત્રીને મળવા તેમની ઓફિસમાં ગયા હતા. જો કે, મંત્રી કોઈ અધિકારી સાથે ચર્ચા કરતા હોવાથી થોડીવાર બહાર બેસવા માટે કહ્યું હંતુ. પૂર્વ મંત્રીએ 20 મિનિટ સુધી રાહ જોઈ હતી. ત્યારબાદ તેમની ધીરજ ખૂટી હતી.આથી તેઓએ ઉભા થઈને મંત્રીનો દરવાજો ખોલી અંદર ઘૂસી ગયા હતા. એટલુ જ નહી, પોતાના કામની વાત પણ કરી હતી અને મંત્રી પાસે જવાબ માગ્યો હતો. મંત્રીએ પણ તેની સ્ટાઈલમાં જ કહ્યું કે, તમારુ કામ હજુ થયુ નથી. હું જોવડાવી લઈશ. થોડો સમય લાગશે. આવુ સાંભળીને પૂર્વ મંત્રી ફટોફટ બહાર આવી ગયા હતા. જતા જતા તેઓ સ્ટાફ સાંભળે એ રીતે મંત્રી સામે બેફામ ઉચ્ચારણો કર્યા હતા. આ જોઈને ત્યાંનો સ્ટાફ પણ દંગ રહી ગયો હતો. ત્યારબાદ સ્ટાફ દ્રારા મંત્રીનુ ધ્યાન દોરાયુ હતુ. પૂર્વ મંત્રી કયા કામથી આવ્યા હતા અને વર્તમાન મંત્રીએ તેનુ કામ શા માટે અટકાવી રાખ્યુ છે તે પ્રશ્ન પણ મોટો છે. ગતિશીલ ગુજરાતની IT સંસ્થામાં કામની ગતિ ધીમી પડી! રાજ્યની આઈટી સંસ્થા Gujarat Informatics Limitedમાં ગત કેટલાક સપ્તાહથી ગતિ ધીમી પડ્યાની અંદરખાને ચર્ચા છે. સંસ્થાના વડા અરવિંદ વિજયન પાસે નાણાં વિભાગની વધારાની જવાબદારી હોવાને કારણે સમયનું સંતુલન બગડ્યું હોવાનું કહેવાય છે. બજેટ સીઝનમાં તો તેમની પ્રાથમિકતા નાણા વિભાગ તરફ વળી જતા જીઆઈએલમાં નિર્ણયો લંબાયા હોવાની ટિપ્પણીઓ થઈ રહી છે. સેવાઓ માટે આવતા પ્રતિનિધિઓને “આવતી કાલ”નો જવાબ વધુ મળ્યો હોવાની પણ ચર્ચા છે. હવે સૂચન થઈ રહ્યું છે કે આઈટી જેવી મહત્વની સંસ્થાને સંપૂર્ણ સમય આપનાર નેતૃત્વ જરૂરી છે. વિઘાનસભા ગૃહમાં ગર્જના, બહાર મિત્રતા! વિધાનસભાની અંદર સત્તા-વિપક્ષ વચ્ચે તીખી ટકરાવ જોવા મળે, પરંતુ બહારનું દ્રશ્ય સહજ અને હળવું રહે છે. ચર્ચા દરમિયાન તણાવ, અને વિરામ દરમિયાન સ્મિત—આ દ્વિધા રાજકારણના જાણકારોને નવાઈ પમાડતી નથી. મીડિયા બ્રિફિંગ વખતે પણ રસપ્રદ પરિસ્થિતિ સર્જાઈ. વિપક્ષ નિયમિત રીતે કેમેરા સામે આવતો રહ્યો, જ્યારે સત્તાપક્ષ થોડો સંકોચાતો દેખાયો. અંતે આંતરિક સૂચના બાદ સત્તાપક્ષના નેતાઓએ પણ બજેટની જોગવાઈઓ અને સરકારની કામગીરી રજૂ કરવા મીડિયા રૂમનો રસ્તો પકડ્યો. થોડા સમય માટે તો “બાઈટ આપવા માટે રાહ જોતા નેતાઓ”નું દ્રશ્ય જોવા મળ્યું. નિવૃત્તિ પછી પણ ચર્ચામાં બે પૂર્વ અધિકારી રાજ્યના બે નિવૃત્ત IAS અધિકારીઓ અલગ કારણોસર ચર્ચામાં છે. પૂર્વ અધિક મુખ્ય સચિવ કમલ દયાણીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થવાથી તેમના સંપર્કોને પૈસાની માંગણીના સંદેશા મોકલાયા હોવાનું બહાર આવ્યું. સાયબર ગુનાની ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. બીજી બાજુ, જે.પી. ગુપ્તા નિવૃત્તિ બાદ ફરી કોઈ જવાબદારી મળે તેવી અપેક્ષા રાખી રહ્યા હોવાની ચર્ચા છે. નિવૃત્તિ સમયે મળેલા સંકેતો હજી સુધી હકીકતમાં બદલાયા નથી. તેમ છતાં તેઓ વિધાનસભા સત્ર દરમિયાન સક્રિય હાજરી આપતા જોવા મળતા હોવાથી “વાપસીની તૈયારી?” જેવી અટકળો ઊઠી રહી છે. મોડું જાગેલું IAS ઓફિસર્સ એસોસિયેશન રાજ્યનું IAS Officers Association Gujarat લાંબા વિરામ બાદ સક્રિય બન્યું છે. નવા મુખ્ય સચિવ મનોજ દાસના સન્માનમાં કાર્યક્રમની તૈયારી થઈ રહી છે. કેટલાક વર્તુળોમાં પ્રશ્ન ઉઠ્યો કે આવું આયોજન થોડું વહેલું કેમ ન થયું? તેમ છતાં નિવૃત્ત અધિકારીઓને પણ સાથે સન્માનિત કરવાની વિચારણા પગલે કાર્યક્રમને વિશેષ રંગ મળવાની શક્યતા છે. “ડિજિટલ” દાવા અને જમીની હકીકત ડિજિટલ પરિવર્તનના દાવાઓ વચ્ચે જૂના સચિવાલયમાં સ્થિત Directorate of Accounts and Treasury Gujarat અંગે અલગ જ ચર્ચા છે. ઉચ્ચતર પગાર અને અન્ય નાણાકીય પ્રક્રિયાઓ હજી પણ પરંપરાગત ફાઈલ પદ્ધતિથી ચાલે છે. નાની ત્રુટિએ ફાઈલ પરત, સ્થિતિ જાણવા વ્યક્તિગત હાજરી અને સમયમર્યાદાની અસ્પષ્ટતા, આ બધાથી કર્મચારીઓમાં અસંતોષ છે. વિલંબના કારણે અંતે બાકી ચૂકવણીનો ભાર પણ વધે છે. હવે સવાલ એ છે કે રાજ્ય જ્યારે ટેકનોલોજી આધારિત સેવાઓની વાત કરે છે ત્યારે આંતરિક નાણાકીય પ્રક્રિયાઓને પણ ઈ-ફાઈલિંગ, ઓનલાઈન ટ્રેકિંગ અને ઓટોમેટેડ સ્ક્રુટિની તરફ કેમ ન લઈ જવાય? ચર્ચાઓ ગરમ છે, અને નિર્ણયની રાહ પણ એટલી જ ઉત્સુકતાથી જોવાઈ રહી છે. રાષ્ટ્રીય નેતાના સ્વાગતમાં અમદાવાદના ધારાસભ્યો ભોંઠા પડ્યા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા. જેમાં ગાંધીનગર અને અમદાવાદ ખાતેના કાર્યક્રમો યોજાયા હતા. અમદાવાદ ખાતેના એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય નેતાના સ્વાગતમાં અમદાવાદના ધારાસભ્યોને કેટલાંક ભોંઠા પડવાની સ્થિતિ સામે આવી હતી. રાષ્ટ્રીય નેતાનું સ્વાગત કરવા માટે ભાજપના ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં પાંચથી સાત ધારાસભ્યો સ્વાગત કરવા માટે સ્ટેજ ઉપર ગયા અને સ્વાગત વિધિ કરી હતી. બીજા નેતાના સ્વાગત માટે અન્ય ધારાસભ્યોને બોલાવવામાં આવનાર હતા, પરંતુ અચાનક જ સ્વાગત વિધી ટૂંકાવી દીધી હતી. જેથી બીજા ધારાસભ્યોને સ્ટેજ પર જવાનો મોકો મળ્યો નહોતો, પરંતુ ભાજપના પ્રદેશમાં એક હોદ્દો ભોગવી ચૂકેલા નેતા રાષ્ટ્રીય નેતાનું સ્વાગત કરવાનું ચૂકયા નહોતા ધારાસભ્યોએ સ્વાગત કર્યા બાદ પ્રદેશના પૂર્વ હોદ્દેદારે એકલાએ રાષ્ટ્રીય નેતાનું સ્વાગત કરી ફોટો પડાવી લીધો હતો. જે બીજા ધારાસભ્યો પણ જોતા રહી ગયા હતા. અમદાવાદના ધારાસભ્યો કરતા પ્રદેશના પૂર્વ હોદ્દેદાર ફાવી ગયા હતા. ભાજપના ધારાસભ્ય ન ગમતા કાર્યકર્તા કે નેતાને બોલાવતા જ નથી ભાજપના એક ધારાસભ્ય હંમેશા વિવાદમાં જ રહ્યા છે. તાજેતરમાં જ ધારાસભ્યનો ખૂબ મોટો વિવાદ સામે આવ્યો હતો, ત્યારે ધારાસભ્યને જે ભાજપના કાર્યકર્તા કે નેતા ન ગમતા હોય એમને વધારે બોલાવતા નથી. ભાજપના ધારાસભ્યના મત વિસ્તારમાં આંતરિક વિખવાદના કારણે કેટલાક પ્રજાના કામો પણ અટકી જાય છે. એક સોસાયટીના ખાતમુહૂર્તનો કાર્યક્રમ ભાજપના ધારાસભ્ય દ્વારા કરવાનો હતો. જોકે સોસાયટીનું કામ હવે મંજૂર હોવા છતાં પણ ન કરવાની સૂચના ધારાસભ્ય આપી હોવા અંગેની ચર્ચા છે. જે સોસાયટીનું કામ મંજૂર થયું છે એમાં ભાજપના એક યુવા હોદ્દેદાર રહે છે જેની સાથે ધારાસભ્ય અને બનતું નથી જેના કારણે આ કામ અટવાયુ હોવા અંગેની ચર્ચા હાલ જાગી છે. ભાજપના આ ધારાસભ્ય હંમેશા વિવાદમાં રહ્યા છે, પરંતુ પ્રદેશના મોવડી મંડળ કે શહેર પ્રમુખ ધારાસભ્યને પાર્ટીની છબી ન ખરાબ થાય તેવા વિવાદો ન કરવા બે શબ્દ પણ કહી શકતા નથી. પૂર્વ હોદ્દેદારનો જબરો વટ, હોદ્દો જતો રહ્યો પણ લક્ઝુરિયસ ગાડી પરથી નેમ પ્લેટ ના હટાવી ભાજપના નેતાઓ સામાન્ય કાર્યકર હોવાની વાતો કરતા હોય છે. ભાજપમાં સામાન્ય કાર્યકર બનીને રહે છે, પરંતુ અમદાવાદના એક પૂર્વ હોદ્દેદાર પોતાના હોદ્દા દૂર થઈ ગયા છે, પરંતુ પોતાના હોદ્દાનું બોર્ડ ગાડીમાં લગાવીને હજી ફરી રહ્યા છે. લક્ઝુરિયસ ગાડી લઈને ફરતા ભાજપના પૂર્વ હોદ્દેદાર હજી પણ જે હોદ્દો ભોગવ્યો હતો તેના હોદ્દાવાળી નેમ પ્લેટ લગાવી અને ગાડી લઈને ફરી રહ્યા છે. આ બાબતે ભાજપના નેતાઓનું ધ્યાન હજી ગયું ન હોવાની ચર્ચા છે. ભૂતકાળમાં પણ પૂર્વ હોદ્દેદાર ખૂબ વિવાદમાં રહ્યા છે ત્યારે હજી પણ તેમના હોદ્દાનો મોહ છૂટતો નથી. મોટા સાહેબની આગળ પાછળ રહેવા યુવા મોરચાના પ્રમુખ પોતાના જ કાર્યક્રમમાં ગેરહાજર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા, ત્યારે ભાજપના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ ગળામાં ખેસ પહેર્યો હતો. પરંતુ અમદાવાદના એક યુવા નેતા ગળામાં ખેસ પહેર્યા વિના જ કાર્યક્રમમાં ફરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે ફોટો પણ ખેસ વિના પડાવી દીધો હતો. દિલ્હી ખાતે AI સમિટમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવતા અમદાવાદ શહેર ભાજપ યુવા મોરચા તાત્કાલિક કોંગ્રેસ વિરુદ્ધ રાહુલ ગાંધીના પૂતળા દહનનો કાર્યક્રમ ગોઠવી દીધો હતો. નવા નવા બનેલા યુવા મોરચાના નેતાઓએ વિરોધ કાર્યક્રમ એલિસબ્રિજ ખાતે આવેલા ટાઉનહોલ ખાતે રાખી દીધો હતો. પરંતુ પાછળથી ભાજપ કાર્યાલયની નજીક જ એટલે કે રૂપાલી સિનેમા પાસેના વિક્ટોરિયા ગાર્ડન પાસે જ વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરી દીધું હતું. એટલું જ નહીં યુવા મોરચાના પ્રમુખનો સૌથી પહેલો અમદાવાદમાં કાર્યક્રમ હતો, પરંતુ યુવા મોરચાના પ્રમુખ જ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. યુવા મોરચા મહામંત્રીઓએ કાર્યક્રમ કરવો પડ્યો. જોકે યુવા મોરચામાં હોદ્દો મેળવેલા નેતાઓની નોંધ લેવાય એની પહેલા તો મીડિયામાં ધારાસભ્યના પુત્ર જ છવાઈ ગયા હતા. યુવા પ્રમુખ કાર્યક્રમને મહત્વ આપવાની જગ્યાએ રાષ્ટ્રીય નેતાઓની સેવામાં લાગ્યા હતા. પ્રથમ વખત કાર્યક્રમ કરવા માટે આખા શહેરના યુવાઓના પ્રમુખ તરીકે હાજર રહેવાની જગ્યાએ મોટા સાહેબની આગળ પાછળ રહી સેવામાં વધુ રહેવું જોઈએ એવું માની અને કાર્યક્રમમાં આવ્યા નહીં. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કામ કરવા મામલે નેતાઓને ટકોર કરવી પડી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગુજરાતના નેતાઓ સાથે તેમણે બેઠક કરી હતી. ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં ગુજરાતના ભાજપના નેતાઓના સોશિયલ મીડિયા વિભાગની કામગીરી નબળી હોવા અંગેની પોલ ખુલી ગઈ હતી. ચર્ચા મુજબ દિલ્હી ખાતે AI કમિટમાં થયેલા વિરોધ મામલે કેટલા નેતાઓ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી તે અંગે રાષ્ટ્રીય અધ્યક્ષએ પૂછતા 70 ટકા લોકોએ પોસ્ટ ન કરી હોવાનું સામે આવ્યું હતું. ચર્ચા એવી પણ છે કે રાષ્ટ્રીય અધ્યક્ષે ભાજપના નેતાઓને ટકોર કરવી પડી હતી કે તમે પ્રભારી વાળા જિલ્લાઓમાં જઈને ન્યાયની વાત કરો છો, પરંતુ નેતાઓ પણ પોતાના વિસ્તારમાં પોતાના જ માણસો ગોઠવે છે જેથી આવું ન કરવા માટે પણ અધ્યક્ષે સૂચના આપી હતી. તમે જે હોદ્દા ઉપર છો એનાથી બે સ્ટેપ નીચે કામ કરશો તો સારું કામ થશે એવી પણ ટકોર કરી હતી. AMCની બજેટ સભા વચ્ચે ભાજપના કોર્પોરેટરની લક્ઝુરિયસ કાર ચર્ચામાં આવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બે દિવસથી બજેટ સભા દાણાપીઠમાં આવેલી મુખ્ય ઓફિસ ખાતે મળી હતી. બજેટ સભામાં કોર્પોરેટરો પોતાના વાહનો લઈને આવતા હતા જેમાં સૈજપુર બોઘા વોર્ડના ભાજપના કોર્પોરેટર અને પૂર્વ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈની લક્ઝુરિયસ ગાડી ખૂબ ચર્ચામાં હતી. રૂ. 1.40 કરોડની લક્ઝુરીયસ કાર પરિસરમાં પાર્ક કરેલી હતી જેની કોર્પોરેશનના કર્મચારીઓ અધિકારીઓ અને કેટલાક નેતાઓ પણ ચર્ચા કરી રહ્યા હતા. ભાજપના કોર્પોરેટરની મોંઘી ગાડીમાં ભાજપના કેટલાક મહિલા કોર્પોરેટરોએ પણ બેસવાનો લાભ લઈ લીધો હતો.
Comments
Post a Comment