ગાંધીનગર: બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાતમાં ભરઉનાળે બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે.હવામાન વિભાગે કમોસમી વરસાદના આ રાઉન્ડમાં રાજયભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. 29 માર્ચથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં કમોસમી વરસાદ શરુ થશે.

પવનના સુસવાટા સાથે વરસાદની આગાહી

29 અને 30 માર્ચ એમ બે દિવસ પવનના સુસવાટા સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં માવઠું વરસી શકે છે. 29 માર્ચે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર અને દાહોદ જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે.

આ બે દિવસ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. જેથી 29 અને 30 માર્ચ એમ બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે. અનેક જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવી શકે છે. 29 અને 30 માર્ચ બે દિવસ પવનની ગતિ પણ વધી શકે છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વાતાવરણમાં પલટાના સંકેત

2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્યુલેશનના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વાતાવરણમાં પલટાના સંકેત છે. ભારત પર આ જે સિસ્ટમ બનેલી છે, જે ગુજરાત પણ આવતા વાદળછાયા વાતવરણ વચ્ચે છૂટછવાયો વરસાદ વરસશે. જો કે આ સિસ્ટમની અસર 2થી 3 દિવસ બાદ વધુ જોવા મળશે. 28 માર્ચ બાદ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સમય દરમિયાન પવનની ગતિ પણ સામાન્ય કરતાં થોડી વધુ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 29, 30 અને 31 માર્ચ સુધી ગુજરાત સહિત રાજસ્થાન મહારાષ્ટ્રમાં વરસાદની પડશે.

4 એપ્રિલ સુધી વરસાદનું અનુમાન

રાજ્યમાં ગત સપ્તાહથી વાતાવરણમાં પલટો આવ્યો છે. એક બાદ એક સિસ્ટમ એક્ટિવ થતાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વાતાવરણમાં પલટાના સંકેત આપ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં લગભગ 4 એપ્રિલ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયા હળવા વરસાદનું અનુમાન છે.

Comments
Post a Comment