
https://ift.tt/MuBoPny
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા પશુધન નિરીક્ષક, વર્ગ-3ની કુલ 112 જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરાઈ છે. આ સમાચાર ખાસ કરીને ડિપ્લોમા પાસ કરી નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે આશાનું કિરણ લઈને આવ્યા છે. કચ્છ પશુપાલન ક્ષેત્રે રાજ્યમાં મોખરે છે. જિલ્લામાં અંદાજિત 21 લાખથી વધુ પશુધનની નોંધણી થયેલી છે. વિશાળ સંખ્યા સામે વહીવટી માળખું જોઈએ તેટલું સક્ષમ નથી. આંકડાકીય માહિતી મુજબ, કચ્છ જિ. પં. હસ્તક પશુધન નિરીક્ષકની કુલ 29 જગ્યાઓ મંજૂર થયેલી છે, જેમાંથી અત્યારે માત્ર 19 જગ્યાઓ પર જ નિમણૂક થયેલી છે. બાકીની 10 જગ્યાઓ લાંબા સમયથી ખાલી હોવાને કારણે પશુઓના રસીકરણ, સારવાર અને સરકારી યોજનાઓના અમલીકરણમાં સ્ટાફને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 21 લાખ પશુઓ સામે 29 જગ્યાઓ પણ ઓછી હોવાનું મનાઈ રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીમાં જિલ્લાવાર ખાલી જગ્યાઓનું લિસ્ટ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો આગામી 7 મે સુધી ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી શકશે. જો પૂરતા પ્રમાણમાં પાત્રતા ધરાવતા ઉમેદવારો મળી રહેશે, તો કચ્છની ખાલી પડેલી તમામ 10 બેઠકો ભરાઈ જશે. ભાસ્કર ઇનસાઇડ - શા માટે આ ભરતી મહત્વની છે? ગામડાઓમાં સચોટ દેખરેખ : પશુધન નિરીક્ષકો પાયાના સ્તરે પશુઓના રોગચાળાને અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. દૂધ ઉત્પાદનમાં વધારો : સમયસર માર્ગદર્શન અને સારવારથી પશુઓની ઉત્પાદકતા વધે છે, જે સીધો આર્થિક ફાયદો ખેડૂતોને કરાવે છે. ડિજિટલ ડેટા અપડેશન : ભારત સરકારના ‘ઈ-ગોપાલા’ અને પશુ ટેગિંગ જેવા મિશનમાં આ નિરીક્ષકોની કામગીરી નિર્ણાયક સાબિત થાય છે. ભાસ્કર નોલેજ - ભરતીની માહિતી સંસ્થા : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ પોસ્ટ : પશુધન નિરિક્ષક જગ્યા : 112 વય મર્યાદા : 18થી 33 વર્ષ એપ્લિકેશન મોડ : ઓનલાઈન ક્યાં અરજી કરવી : https://ift.tt/wDl2zeI અરજી કરવાની છેલ્લી તા. : 7-5-2026
Comments
Post a Comment