Tathya Patel bail: અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં એક બહુ મોટો વળાંક આવ્યો છે. જુલાઈ 2023માં પોતાની પૂરપાટ દોડતી જેગુઆર કાર નીચે 9 નિર્દોષ લોકોના જીવ લેનાર આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. લગભગ 2 વર્ષ અને 10 મહિના (પોણા ત્રણ વર્ષ) જેલમાં રહ્યા પછી સુપ્રીમ કોર્ટે તથ્યના નિયમિત જામીન મંજૂર કર્યા છે. તથ્યના વકીલે આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી છે, જેથી હવે આટલા લાંબા સમય બાદ તે જેલમાંથી બહાર આવશે.

ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી અને સુપ્રીમનો આદેશ

હાલમાં આ કેસની કાનૂની કાર્યવાહી ટ્રાયલ કોર્ટમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટે કેસની ગંભીરતા જોઈને ટ્રાયલ કોર્ટને મે મહિના સુધીમાં 25 જેટલા સાક્ષીઓની તપાસ પૂરી કરવા કડક સૂચના આપી હતી. આ અગાઉ 18 નવેમ્બર 2025ના રોજ તથ્ય સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હતો. આ તમામ કાનૂની પ્રક્રિયાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય કેસમાં ઘણો સૂચક માનવામાં આવી રહ્યો છે.

જામીન અરજીમાં શું રજૂઆત થઈ?

તથ્યના વકીલ આઈ.એચ. સૈયદ અને ઝીલ શાહે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે કુલ 191 સાક્ષીઓમાંથી 29 જેટલા આંખે દેખ્યા સાક્ષીઓની તપાસ પૂરી થઈ ગઈ છે, જ્યારે બાકીના સાક્ષીઓની પૂછપરછ હજુ બાકી છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે તથ્ય પર IPCની કલમ 304 (સાપરાધ મનુષ્યવધ) લાગુ છે, પરંતુ હજુ સુધી તે દોષિત સાબિત થયો નથી અને તેણે લગભગ 2 વર્ષ અને 10 મહિના જેલમાં વિતાવ્યા છે. મૃતકોના પરિવારોને વળતર આપવાના મુદ્દે કોર્ટે સ્પષ્ટતા કરી કે હાલમાં ટ્રાયલ ચાલુ હોવાથી, અત્યારે વળતર અંગેનો કોઈ પણ નિર્ણય કેસની કાર્યવાહી પર અસર કરી શકે છે.

શું હતી 19 જુલાઈ 2023ની તે કાળમુખી રાત?

આ ઘટનાની વાત કરીએ તો, 19 જુલાઈ 2023ની મધરાતે (20 જુલાઈની શરૂઆતમાં) તથ્ય પટેલે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત જોવા ઊભેલા લોકોના ટોળા પર પોતાની જેગુઆર કાર ચડાવી દીધી હતી. આ હચમચાવી દેનારા અકસ્માતમાં 9 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા અને અન્ય 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાએ માત્ર ગુજરાત જ નહીં, આખા દેશમાં અરેરાટી ફેલાવી દીધી હતી. ત્યારબાદ તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે કડક કલમો હેઠળ ગુનો નોંધીને તેને સાબરમતી જેલમાં મોકલી દેવાયો હતો.

આ પણ વાંચોઃ ઈસ્કોન બ્રિજકાંડમાં નવો ખુલાસો, તથ્ય પટેલની કાર સ્પીડમાં હતી અને બ્રેક મારી જ ન હતી

માત્ર 7 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ

પોલીસે આ કેસમાં ખૂબ જ ઝડપ દાખવીને ઘટનાના માત્ર 7 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. તથ્ય સામે IPCની કલમ 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ હતી. જેમાંથી કલમ 304 હેઠળ 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. 2023માં રજૂ કરાયેલી ચાર્જશીટમાં 14 દસ્તાવેજી પુરાવા, 9 મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને 15 FSL રિપોર્ટ સામેલ કરાયા હતા. આ ઉપરાંત 25 લોકોના પંચનામા અને 8 લોકોના CrPC 164 હેઠળ નિવેદન લેવાયા હતા, જેમાં 5 તો અકસ્માત સમયે તથ્યની ગાડીમાં હાજર તેના જ મિત્રો હતા.

લાયસન્સ આજીવન રદ

આટલો ગંભીર અકસ્માત સર્જ્યા બાદ ટ્રાફિક પોલીસની ભલામણથી અમદાવાદના સાબરમતી RTO દ્વારા તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમી ધોરણે (આજીવન) રદ કરી દેવામાં આવ્યું છે. આ પગલાના કારણે તે હવે ભારતમાં કાયદેસર રીતે ક્યારેય કોઈ વાહન ચલાવી શકશે નહીં.

Comments
Post a Comment