GCASમાં રજિસ્ટ્રેશન મુદત વધારવા માંગ પાટણ MLA ડો.કિરીટ પટેલની રજૂઆત:લાખો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેવાની ભીતિ, શિક્ષણ મંત્રીને પત્ર
https://ift.tt/nUyzdsF
રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં અંડર ગ્રેજ્યુએટ (UG) અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અમલમાં મુકાયેલા GCAS (Gujarat Common Admission Services) પોર્ટલની ખામીઓ અને વહીવટી જટિલતાઓને કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે. આ અંગે પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન ગનુભાઈ વાજાને રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે, રાજ્યની 37 યુનિવર્સિટીઓની અંદાજે 6 લાખ બેઠકો સામે અત્યાર સુધી માત્ર 1.41 લાખ વિદ્યાર્થીઓએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જે કુલ બેઠકોના આશરે 23%જેટલું છે. આ પરિસ્થિતિ પાછળ પોર્ટલની ખામીઓ અને શાળાઓ દ્વારા ધોરણ 12ની ઓરિજિનલ માર્કશીટ કે લિવિંગ સર્ટિફિકેટ આપવામાં થયેલો વિલંબ મુખ્ય કારણો છે.
ધારાસભ્યએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે કેટલીક સરકારી યુનિવર્સિટીઓ દ્વારા "સૈદ્ધાંતિક મંજૂરી"ના બહાને જૂની અને સ્થાપિત કોલેજોને પ્રવેશ પ્રક્રિયાથી દૂર રાખવામાં આવી રહી છે. આનો સીધો ફાયદો ખાનગી યુનિવર્સિટીઓને મળી રહ્યો છે.
રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે જો સરકાર કોમન પ્રવેશ પ્રક્રિયા અમલી બનાવતી હોય તો તમામ ખાનગી યુનિવર્સિટીઓને પણ ફરજિયાતપણે આ જ પોર્ટલ હેઠળ જોડવી જોઈએ. વધુમાં, જ્યાં પ્રવેશ લેનારની સંખ્યા બેઠકો કરતા 50%થી ઓછી હોય તેવી કોલેજોમાં મેરિટના આધારે સીધા પ્રવેશની મંજૂરી આપવાની પણ માંગણી કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓની આર્થિક અને વહીવટી તકલીફો ઘટે.
શિક્ષણ વિભાગની વર્તમાન નીતિ નેશનલ એજ્યુકેશન પોલીસી (NEP) 2020 ની જોગવાઈઓ સાથે વિરોધાભાસ ધરાવતી હોવાનું જણાવી પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે. જેમાં રજિસ્ટ્રેશનની મુદતમાં 15 થી 20 દિવસનો વધારો કરવો, સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોને અન્યાય કરતી નીતિ બંધ કરવી, યુનિવર્સિટીઓ માટે મજબૂત 'કોમન વહીવટી નીતિ' બનાવવી અને NEP-2020 સાથેના વિરોધાભાસ દૂર કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. લાખો વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે આ મુદ્દે ત્વરિત અને હકારાત્મક નિર્ણય લેવા સરકારને વિનંતી કરવામાં આવી છે.
Comments
Post a Comment