Gujarat monsoon forecast 2026: ગુજરાતમાં એક તરફ આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ પ્રી-મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે ચોમાસા પર અલનીનોની અસર જોવા મળશે, જેના કારણે વરસાદ ઓછો પડવાની શક્યતા છે. જોકે, 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી જશે અને 16 જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. આ દરમિયાન પડોશી રાજ્યોમાં વાતાવરણ પલટાયું છે અને મધ્યપ્રદેશમાં ભયંકર વાવાઝોડાના કારણે 4 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા છે.

આકરી ગરમી અને હાલનું તાપમાન

રાજ્યમાં હાલ ઉનાળાની આકરી ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી વધુ એટલે કે 42.7°C નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી વધુ હતું. જ્યારે સૌથી ઓછું તાપમાન દ્વારકામાં 33.6°C રહ્યું હતું. છેલ્લા 24 કલાકમાં ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન એકદમ સૂકું રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ જ મોટા ફેરફારની શક્યતા નથી.

અન્ય રાજ્યોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો કહેર

ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પ્રી-મોન્સૂનની જોરદાર અસર દેખાઈ રહી છે. મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં વાવાઝોડા અને વરસાદના કારણે સર્જાયેલા અકસ્માતોમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી 3 તો એક જ પરિવારના હતા. યુપીના હાથરસમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જ્યારે લખનઉમાં ધોળા દિવસે અંધારું છવાઈ ગયું હતું. રાજસ્થાનના અલવર, કોટપુતલી-બહરોડ અને શ્રીગંગાનગરમાં પણ કરા સાથે વરસાદ પડ્યો છે.

આ પણ વાંચોઃ ચોમાસા વચ્ચે અલ નિનોનો મોટો ખતરો: દેશના 197 જિલ્લાઓ પર દુષ્કાળનું સંકટ, સરકાર એલર્ટ!

અલનીનોની અસર અને ચોમાસાની પ્રગતિ

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ, આ વર્ષે અલનીનોની અસરને લીધે ચોમાસામાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે. હાલ ઉત્તર હરિયાણામાં 3.1 કિમીથી 4.5 કિમીની ઊંચાઈ વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેની સીધી અસરથી ગુજરાતનું હવામાન પણ બદલાશે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી 15થી 20 નોટ્સની ઝડપે પવનો ફૂંકાશે, જે વધીને 25 નોટ્સ સુધી પણ જઈ શકે છે. મહારાષ્ટ્રમાં પહોંચેલું ચોમાસું હવે કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 15 જૂન છે, એટલે આગામી દિવસોમાં તે સમયસર પહોંચી જાય તેવી પૂરી શક્યતા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આગામી 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી!

ગુજરાતમાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી:

13 જૂન: ઉત્તર ગુજરાત (બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ), દક્ષિણ ગુજરાત (છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી) અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગરમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બાકીના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે.

14 અને 15 જૂન: આ બે દિવસ માત્ર દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ-દાદરા નગર હવેલી પંથકમાં જ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ નહીં પડે.

16થી 19 જૂન: આ દિવસોમાં વરસાદનો વ્યાપ સહેજ વધશે. ઉત્તર ગુજરાતના દાહોદ, મહીસાગર; દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનાં ઝાપટાં પડવાની પૂરી સંભાવના છે.

Comments
Post a Comment