Jamnagar girl heart attack: જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં રહેતી અને રાજકોટ પોતાના મામાના ઘરે ગયેલી 14 વર્ષની આનંદી મોદીનું હાર્ટ અટેકથી કરુણ મોત નીપજ્યું છે. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે પરિવાર સાથે ભેગી થયેલી આ લાડકવાયી દીકરી રિસોર્ટમાં અન્ય બાળકો સાથે રમતાં-રમતાં અચાનક જમીન પર ઢળી પડી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ ડોક્ટરો તેને બચાવી શક્યા નહોતા. માત્ર 14 વર્ષની ઉંમરે હાર્ટ અટેકથી થયેલા આ મોતે આખા પરિવારને આઘાતમાં ગરકાવ કરી દીધો છે, અને વાલીઓમાં પણ બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધારી દીધી છે.

પરિવારના મિલનનો પ્રસંગ માતમમાં ફેરવાયો

મળતી માહિતી મુજબ, જામનગરના મોટુ ફળી વિસ્તારમાં રહેતા રાજેશભાઈ મોદીની 14 વર્ષની દીકરી આનંદી પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે રાજકોટ પોતાના મામાના ઘરે ગઈ હતી. આનંદીના મામા ગોપાલ કટારિયાએ જણાવ્યું કે, આ પવિત્ર માસ હોવાથી બહેનો અને પરિવારના અન્ય સભ્યો રાજકોટમાં ભેગા થયા હતા.

પરિવારે પહેલા રાજકોટના સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ભોજન કરાવ્યું હતું અને ત્યારબાદ સાંજે બધા આનંદ રિસોર્ટમાં જમવા ગયા હતા. જમ્યા પછી વડીલો વાતો કરી રહ્યા હતા અને આનંદી બીજા બાળકો સાથે હસી-ખુશીથી રમી રહી હતી. કોને ખબર હતી કે આ ખુશીની પળો ગણતરીની મિનિટોમાં જ માતમમાં ફેરવાઈ જશે! રમતા-રમતા અચાનક આનંદીને સિવિયર હાર્ટ અટેક આવ્યો અને તે ત્યાં જમીન પર ઢળી પડી.

આ પણ વાંચોઃ હાર્ટ અટેક આવતા પહેલા શરીર આપે છે આ 8 સંકેત

સારવાર મળે તે પહેલાં જ જીવ ગયો

દીકરી અચાનક ઢળી પડતા પરિવારજનોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને તેઓ તરત જ આનંદીને નજીકની સિનર્જી હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ કમનસીબે, ડોક્ટરો સારવાર શરૂ કરે તે પહેલાં જ આ માસૂમ દીકરીએ દુનિયાને અલવિદા કહી દીધું હતું. ડોક્ટરોએ પ્રાથમિક તપાસમાં મોતનું કારણ હાર્ટ અટેક જ જણાવ્યું હતું.

આનંદીના મામાએ ભીની આંખે મીડિયાને જણાવ્યું કે, આનંદીને અગાઉ કોઈ જ બીમારી નહોતી અને તે હંમેશા હસતી-ખેલતી રહેતી હતી. હાર્ટ અટેકને કારણે અચાનક આવેલી આ આફતથી મોદી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

આનંદીના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ભારે હૈયે જોડાયા હતા. છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના બાળકો અને યુવાનોમાં હાર્ટ અટેકના બનાવો સતત વધી રહ્યા છે, જે સમાજ અને વાલીઓ માટે હવે એક મોટો ચિંતાનો વિષય બની ગયો છે.

આ પણ વાંચોઃ સાંજે 7 વાગ્યા પછીની આ ભૂલ વધારી શકે છે હાર્ટ એટેકનું જોખમ!

Comments
Post a Comment