Gujarat rain updates: ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. અમરેલી, ભાવનગર, વડોદરા, નર્મદા અને વલસાડ સહિતના જિલ્લાઓમાં સારો વરસાદ વરસતાં લોકો અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે. વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી જવાના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો છે, તો બીજી તરફ આગોતરું વાવેતર કરનારા ખેડૂતો માટે પણ આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે.

અમરેલીમાં મેઘરાજા મહેરબાન

અમરેલી જિલ્લામાં મેઘરાજા સતત 5માં દિવસે પણ મહેરબાન રહ્યા છે. સાવરકુંડલા શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને વીજપડી, ખડસલી, નવાગામ અને છાપરી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વીજપડી ગામે તો એટલો વરસાદ ખાબક્યો કે રોડ-રસ્તાઓ પર પાણી જ પાણી ફરી વળ્યા હતા. સતત 5મા દિવસે વરસાદ ચાલુ રહેતાં સાવરકુંડલા પંથકના ખેડૂતો ખુબ જ ખુશખુશાલ છે. જે ખેડૂતોએ આગોતરું વાવેતર કરી લીધું છે, તેમને આ વરસાદથી મોટો ફાયદો થવાની પૂરી શક્યતા છે.

ભાવનગરમાં વરસાદની એન્ટ્રી

ભાવનગરમાં પણ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદની એન્ટ્રી થઈ હતી. શહેરના વિવિધ વિસ્તારો જેવા કે કાળિયાબીડ, કાળાનળા, પાનવડી અને સરદારનગર વિસ્તારમાં વરસાદ શરૂ થતાં લોકોને રાહત મળી હતી. ભાવેણાવાસીઓ ઘણા સમયથી આતુરતાપૂર્વક વરસાદની રાહ જોઈ રહ્યા હતા. શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસતાં અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોને મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોમાં આનંદ છવાઈ ગયો છે.

વડોદરાના શિનોરમાં વરસાદી માહોલ

હવામાન વિભાગની આગાહી મુજબ વડોદરા જિલ્લાના શિનોર પંથકના ગામડાઓમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શરૂઆત થઈ ગઈ છે. શિનોરના સાધલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જોરદાર વરસાદ ખાબક્યો છે. દિવસભરની આકરી ગરમી અને બફારાથી શિનોર પંથકના લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા, તેમને આ વરસાદથી મોટી રાહત મળી છે. વરસાદની શરૂઆત થતાં જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Weather Alert: કાલે દેશના 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી, IMD નું મોટું એલર્ટ

નર્મદાના સાગબારામાં વરસ્યા કરા

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં અને તેના આસપાસના ગ્રામીણ પંથકમાં પણ હવામાનમાં બદલાવ આવ્યો છે. અહીં ક્યાંક ઝરમર વરસાદ પડ્યો છે, તો સાગબારાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કરા પણ પડ્યા હોવાના અહેવાલ છે. ચોપડવાવ, ધનશેરા અને સેલમ્બા સહિતના ગામોમાં છૂટોછવાયો ઝરમર વરસાદ પડ્યો છે. વરસાદની આ શરૂઆતથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

વલસાડના કપરાડામાં ખુશનુમા વાતાવરણ

રાજ્યના 'ચેરાપુંજી' તરીકે ઓળખાતા વલસાડના કપરાડા તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. કપરાડા અને સીલધા પંથકના ગામો તેમજ સુથારપાડા અને તેની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. પહાડી વિસ્તારમાં વરસાદ થવાથી વાતાવરણ એકદમ ખુશનુમા અને ઠંડુ બની ગયું છે. સારા વરસાદના પગલે અહીંના ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે.

આ પણ વાંચોઃ કાળાડિબાંગ વાદળો વચ્ચે આ વિસ્તારોમાં શરૂ થયો વરસાદ, પ્રિ-મોનસૂન કામગીરીની તંત્રની ખુલી પોલ

Comments
Post a Comment