રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે તૂટી પડ્યો વરસાદ, જનજીવન પ્રભાવિત, દાહોદમાં હોર્ડિગ્સ પડતાં એકનું મૃત્યુ

Gujarat Weather Update:હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગત બપોર બાદથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ, ભારે પવન  સાથે વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ લગભગ 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી હતી. ખરાબ હવામાનના કારણે અમદાવાદ આવતી 10થી વધુ ફ્લાઇટને સુરત અને રાજકોટ તરફ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.

દાહોદમાં મીની વાવાઝોડું, એકનું મોત

દાહોદ જિલ્લામાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગરબાડા ચોકડી ખાતે સ્માર્ટ સિટીમાં  લગાવવામાં આવેલ સાઇનબોર્ડ ધરાશાયી થતાં બે લોકો ઘાયલ થયા હતા અને એક માં 70 વર્ષીય શક્કરિયા ભાઈ નીનાને ગંભીર ઇજા પહોંચતા તેમનું મૃત્યુ થયું હતું.  ઘાયલો બાળકોને  સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા.  વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ ઉપરાંત ભીલવાડા વિસ્તારમાં બાઈક ચાલક પર પતરું પડતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે ગલાલીયાવાડ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતાં એક બાળકી ઘાયલ થઈ હતી.

વડોદરા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ

વડોદરાના શિનોર તાલુકા સહિત સાધલી, અવાખલ, ટીંબરવા, ઉતરાજ, તેરસા અને તરવા જેવા ગામોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. શિનોરના મુખ્ય બજારમાં વરસાદી પાણી નદીની જેમ વહેતા જોવા મળ્યા હતા.

બોડેલી અને આસપાસના ઢોકલીયા, ચાચક, આલિખેરવા અને મોડાસર વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ અને તોફાની પવનને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જોકે તલ અને મગ જેવા પાકને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ડભોઈ, પાદરા અને સાવલીમાં પણ ભારે પવન સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને વાહન વ્યવહારને અસર પહોંચી હતી.

આણંદમાં ધૂળની ડમરીઓ બાદ વરસાદ વરસ્યો

આણંદ અને વલ્લભ વિદ્યાનગરમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. ત્યારબાદ ધીમીધારે વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જોકે કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થવાની ઘટનાઓ પણ સામે આવી હતી.

મહીસાગરમાં વૃક્ષો ધરાશાયી

મહીસાગર જિલ્લામાં તોફાની પવનના કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. હાલોલ-શામળાજી હાઈવે પર વૃક્ષ પડતાં એક ટુ-વ્હીલર તેની નીચે દબાઈ ગયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ બાઈક ચાલકને ઈજાઓ પહોંચી હતી.

ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતા. અનેક વિસ્તારોમાં રસ્તાઓ ભીના બન્યા હતા અને પવનના કારણે અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ હતી.

અરવલ્લીમાં હાઈવે પર ટ્રાફિકજામ

ધનસુરા-મોડાસા હાઈવે પર ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતાં થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો. ધનસુરા પોલીસે ભારે જહેમત બાદ વૃક્ષ હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો.

ખેડા જિલ્લામાં વરસાદથી રાહત

ખેડા જિલ્લાના મહેમદાવાદ, મહુધા અને કઠલાલ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી હતી, પરંતુ બાજરી, જુવાર અને શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા પણ ખેડૂતોમાં ચિંતાનો વિષય બની છે.

રાજ્યભરમાં ઠંડક પ્રસરી

પ્રિમોન્સૂન વરસાદને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. જોકે તોફાની પવન, વીજળી અને ભારે વરસાદના કારણે વીજ પુરવઠો, વાહન વ્યવહાર ખોરવાયો હતો આ સાથે  ખેતીને નુકસાન પહોંચ્યાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. હવામાન વિભાગે આગામી 5 જૂન સુધી કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

Comments
Post a Comment