PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ, 2026 ના રોજ ફરી એકવાર ગુજરાતના મહેમાન બનવા જઈ રહ્યા છે. તેમની આ મુલાકાત ગુજરાત માટે વિકાસની એક નવી વણઝાર લઈને આવશે. બનાસકાંઠાના વાવ-થરાદ ખાતે યોજાનારા એક ભવ્ય કાર્યક્રમમાં પીએમ મોદી કુલ ₹19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને રેલવે વિભાગના ₹10,921 કરોડના પ્રોજેક્ટ્સ તેમજ ગુજરાત સરકારના વિવિધ વિભાગોના ₹8,886 કરોડના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ જ કાર્યક્રમમાં વડાપ્રધાન રાજ્યના 34 જિલ્લાઓના 38,949 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તેમના નવા ઘરમાં ગૃહપ્રવેશ પણ કરાવશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી હર્ષ સંઘવી સહિતના વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓ પણ હાજર રહેશે.

કેન્દ્ર સરકારના ₹10,921 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ

આ મુલાકાત દરમિયાન ભારત સરકારના અલગ-અલગ મંત્રાલયોના કામોને વેગ મળશે.

ઊર્જા ક્ષેત્ર: કચ્છના ખાવડા ખાતે બની રહેલા વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી (RE) પાર્કમાં ₹3645 કરોડના ખર્ચે તૈયાર થયેલા 3 પ્રોજેક્ટ્સ દેશને અર્પણ કરાશે. આનાથી હજારો મેગાવોટ ગ્રીન એનર્જી સીધી નેશનલ ગ્રીડ સાથે જોડાશે.

હાઇવે અને રસ્તાઓ: માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ઇડર-બડોલી બાયપાસ ફોર-લેન રોડ (₹705 કરોડ) અને ધોળાવીરા-સાંતલપુર સેક્શનનું (₹575 કરોડ) ખાતમુહૂર્ત થશે. સાથે જ અમદાવાદ-ધોલેરા હાઇવેના 4 અલગ-અલગ પેકેજના (અંદાજે ₹5005 કરોડ) કામોનું લોકાર્પણ થશે.

રેલવે કનેક્ટિવિટી: રેલવેના ₹891 કરોડના પ્રોજેક્ટ્સ શરૂ થશે. જેમાં હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઇન અને રાજકોટ-કાનાલુસ ડબલિંગ કામોનો સમાવેશ થાય છે. ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા ટ્રેનને લીલી ઝંડી પણ આપવામાં આવશે.

શહેરી વિકાસને મળશે વેગ: ગુજરાત સરકારના ₹8,886 કરોડના કામો

રાજ્ય સરકારના વિવિધ વિભાગોના કામો પૈકી સૌથી મોટો હિસ્સો શહેરી વિકાસ વિભાગનો છે. શહેરી વિકાસ માટે ₹5,295.5 કરોડના પ્રોજેક્ટ્સ ફાળવાયા છે, જેમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.

અમદાવાદ: ખારીકટ કેનાલનો વિકાસ, BRTS અને AMTS બસ સેવાનું આધુનિકીકરણ, સુભાષબ્રિજની જગ્યાએ નવો ફોર-લેન બ્રિજ બનાવવો, EWS આવાસ અને નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમજ ઓડિટોરિયમનું કામ શરૂ થશે.

ગાંધીનગર: EWS આવાસ નિર્માણ, અડાલજ TSPS સુધીની નવી ગટર લાઇન, પેથાપુર ખાતે 15 MLD નો સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને રાંધેજામાં 4 તળાવોને એકબીજા સાથે જોડવાના અને સ્ટોર્મ વોટર લાઇનના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે.

આ સિવાય પાણી પુરવઠા, માર્ગ-મકાન, GIDC, આરોગ્ય, પ્રવાસન અને આદિજાતિ વિકાસ વિભાગના કામો પણ આ યાદીમાં સામેલ છે.

38,949 પરિવારોના ઘરનું સપનું થશે સાકાર

વિકાસના આ મોટા પ્રોજેક્ટ્સની સાથે સાથે સામાન્ય અને ગરીબ માણસોના હિતને પણ ધ્યાનમાં રખાયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત ગુજરાતના 34 જિલ્લાઓમાં તૈયાર થયેલા 38,949 આવાસોમાં નાગરિકોને વર્ચ્યુઅલી ગૃહપ્રવેશ કરાવશે, જેથી ગ્રામીણ વિસ્તારોના હજારો પરિવારોના પોતાના ઘરનું સપનું હકીકતમાં ફેરવાશે.

Comments
Post a Comment