રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી હતી. વિધાનસભા ગૃહમાં ઊર્જામંત્રીએ રાજ્યના ખેડૂતોને એક શિફ્ટમાં વીજળી આપવાની જાહેરાત કરી હતી. ઉર્જામંત્રીએ જાહેરાત કરતા કહ્યું હતું કે ખેડૂતોને બે શિફ્ટમાં અપાતી વીજળી એક શિફ્ટમાં આપવા માટે ઊર્જા વિભાગ તૈયારી કરી રહ્યું છે. રાત્રે અપાતી વીજળીના બદલે હવે દિવસે ખેડૂતોને એક શિફ્ટમાં આઠ કલાક સળંગ વીજળી આપવાનું સરકારનું આયોજન છે. સવારે સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ખેડૂતોને સળંગ વીજળી આપવાનું સરકારનું આયોજન છે.

ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે વર્ષ 2026-27ના અંદાજપત્રીય અનુદાનોની માંગણીઓ પરની ચર્ચામા વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ભૂમિગત (Underground) કેબલ નેટવર્ક યોજના હેઠળ ધાર્મિક, પર્યટક સ્થળો અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં વીજ સુરક્ષા વધારવા માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવા વર્ષ 2025-26 માં રૂ. 74.60 કરોડનો ખર્ચ કરાયો છે અને 2026-27 માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.

ખેડૂતોને દિવસે વીજળી આપવાની યોજના એટલે 'કિસાન સૂર્યોદય યોજના' માટે આગામી વર્ષ 2026-27 માં 500.00 રૂપિયા કરોડની નાણાંકીય જોગવાઇ કરવામાં આવી છે. રાજ્ય સરકારના ભવિષ્યલક્ષી અભિગમ અંતર્ગત જેમ જેમ સૂર્ય ઊર્જાની ઉપલબ્ધતા વધતી જાય તેમ બે શિફ્ટના બદલે સવારે 7.00 થી સાંજે 5.00 દરમ્યાન એક જ શિફ્ટમાં ખેડૂતોને આઠ કલાક સંપૂર્ણપણે દિવસે વીજળી આપવાનું આયોજન છે. સાયક્લોન રેસીલીએન્ટ નેટવર્ક અંતર્ગત દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા સમયે અવિરત પુરવઠા માટે ઓવરહેડ લાઈનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવા વર્ષ 2026-27માં 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.

યાત્રાધામ વિકાસ માટે રાજ્યના યાત્રાધામોમાં સતત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો જળવાઈ રહે અને વીજ સુરક્ષાનું સ્તર વધે તથા સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન મળે તે હેતુસર યાત્રાધામોને ગ્રીન એન્ડ સેફ ઝોનમાં વિકસિત કરવા માટે વર્ષ 2026-27માં નવી બાબત તરીકે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ડીસ્ટ્રીબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રકચર શિફટીંગ યોજના (DISS) અંતર્ગત રસ્તાઓના વિસ્તૃતિકરણ વખતે અડચણરૂપ બનતા વીજ માળખાને ખસેડવા / બદલવા માટે 2026-27 માં 125 કરોડ રૂપિયાની જોગવાઈ છે. વર્ષ 2025-26 માં 580.86 કિ.મી. HT લાઈન અને 323.14 કિ.મી. LT લાઈનનું શિફ્ટિંગ કરાયું છે.

ગુજરાત વાયર ફ્રી સીટી મિશન અંતર્ગત રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ લાઈન જેવી કે 66 KV, 11 KV તથા LT લાઈનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવા, શહેરી વિસ્તારોમાં વીજ પુરવઠાની વિશ્વસનીયતા અને ગુણવત્તામાં સુધારો કરવા તેમજ જાહેર સલામતી અને શહેરોની સુંદરતામાં વધારો કરવા તથા રાજ્યને કોમનવેલ્થ અને ઓલમ્પિક રેડી બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જે અંતર્ગત તબક્કાવાર તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ‘‘વાયર ફ્રી સીટી’’ માં રૂપાંતરિત કરવામાં આવશે. રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઈનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવા આ મિશન હેઠળ 500 કરોડ રૂપિયાની માતબર જોગવાઈ નવી બાબત તરીકે કરવામાં આવી છે

રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરહદી વિસ્તારમાં હયાત ઓવરહેડ લાઈનના માળખાને સ્થાને 11 કેવી XLPE (ક્રોસ લીંક્ડ પોલી ઈથીલીન) કેબલ નેટવર્કના ઉપયોગથી PGVCLમાં 58 બોર્ડર આઉટ પોસ્ટ (BOP)ને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપવા માટે નાણાકીય વર્ષ 2026-27 માટે રાજ્યના સર્વાંગી વિકાસ માટે વિકસિત ગુજરાત ફંડ હેઠળ 100 કરોડ રૂપિયાની નવી બાબત તરીકે જોગવાઈ કરાઇ છે. આ અંતર્ગત ભુજ અને અંજાર સર્કલ હેઠળના ખાવડા, દયાપર અને બાલાસર સબ-ડિવિઝનમાં 322.78 CKM (સર્કિટ કિલો મીટર) નું વીજ નેટવર્ક સ્થાપિત કરવાનું આયોજન છે. જેનાથી વરસાદ અને ચક્રવાત જેવા પ્રતિકૂળ વાતાવરણની પરિસ્થિતિમાં પણ સરહદી વિસ્તારમાં અવિરતપણે વીજ પુરવઠો આપી શકાશે.

Comments
Post a Comment