Gujarat Weather update: હવામાન વિભાગે માર્ચથી કાળઝાળ ગરમીના સંકેત આપ્યાં છે. ગુજરાત સહિતના રાજ્યોમાં માર્ચની શરૂઆતથી ભીષણ ગરમી પડી રહી છે. દીવમાં માર્ચની શરુઆતથી જ રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. દીવમાં માર્ચ મહિનામાં ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગઈકાલે દીવમાં નોંધાયું હતું 41.3 ડિગ્રી તાપમાન. અગનભઠ્ઠીમાં શેકાવા માટે તૈયાર થઈ જજો. હવામાન વિભાગે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આજે ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે.

રાજકોટ-સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, ગીર સોમનાથ, કચ્છમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દીવ, બનાસકાંઠા, પાટણમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

વડોદરા, સુરતમાં આજે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં આજે ઓરેન્જ એલર્ટ છે. જ્યારે ભરૂચ, અમદાવાદ, જામનગર, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે.

આ વર્ષે ગરમી સામાન્ય કરતાં વધુ રહેશે

હવામાનશાસ્ત્રીઓ કહે છે કે, આ વર્ષે ગરમી સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાની શક્યતા છે. માર્ચ મહિનો સરેરાશ કરતાં વધુ ગરમ રહેવાની ધારણા છે, જ્યારે એપ્રિલ અને મે મહિનામાં હવામાનમાં વધઘટ જોવા મળી શકે છે. એપ્રિલ અને મે મહિનામાં વંટોળ તોફાનની અપેક્ષા છે, ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે અને કેટલાક સ્થળોએ કરા પડવાની પણ શક્યતા છે.

અમદાવાદમાં 41.2 ડિગ્રી તાપમાન

મંગળવારે 42 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં 41.2 ડિગ્રી તો ગાંધીનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાન વધુ નોંધાયું હતું. જેના કારણે લોકોને અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થયો છે. આગામી ત્રણ દિવસ ગરમીના પ્રકોપ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા લોકોને આંશિક રાહત મળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતા સાત ડિગ્રી જેટલુ ઊંચુ નોંધાતા મહાનગરપાલિકાની ટીમે શહેરીજનોને તકેદારી રાખવાની સૂચના આપી દીધી છે.

13 માર્ચે દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ,15 માર્ચ સુધી રાજ્યમાં આકાશમાંથી અગનજ્વાળા વરસતી હોય તેવી ગરમી પડશે. આ વિસ્તારોમાં બપોરના સમયે લૂ વાગવાના કિસ્સા વધી શકે છે, તેથી લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની અને સતત પાણી કે છાશ પીતા રહેવાની સલાહ આપવામાં આવી છે.

Comments
Post a Comment