ખેડા જિલ્લાના કપડવંજમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં આજે ભીષણ બ્લાસ્ટ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 7 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે.  બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આશરે 10 કિલોમીટર સુધી ધરા ધ્રુજી ઉઠી હતી, જ્યારે ફેક્ટરીના પતરા દૂર-દૂર સુધી ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી  છે.

કપડવંજના ડમ્પિંગ સાઇટ નજીક આવેલી ફટાકડા ફેક્ટરીમાં અચાનક થયેલા ભીષણ વિસ્ફોટે સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. બ્લાસ્ટના જોરદાર અવાજથી આસપાસના ગામોના લોકો પણ ભયભીત થઈ ગયા હતા. ઘટનાસ્થળે ફેક્ટરીના પતરા અને કાટમાળ દૂર સુધી ફંગોળાઈ જતાં વિસ્ફોટની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે.

આ પણ વાંચો: જેતપરમાં ખેડૂત આંદોલનનો દસમો દિવસ: ઉપવાસી નેહુલ અમૃતિયાની તબિયત લથડી, ઉપવાસી ખેડૂતોમાં રોષ

ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય રાજેશ ઝાલા, કલેક્ટર, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ધારાસભ્યના જણાવ્યા અનુસાર દુર્ઘટના સમયે ફેક્ટરીમાં આશરે 17 લોકો હાજર હતા અને પ્રાથમિક માહિતી મુજબ 7 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી હતી.

બીજી તરફ પ્રાંત અધિકારીએ પ્રાથમિક અહેવાલમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાવ્યું છે. જેમાંથી બે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમદાવાદ અને એકને નડિયાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે, જ્યારે મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમ પણ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી રહી છે.

આ ઘટનાએ ફેક્ટરી કાયદેસર હતી કે ગેરકાયદેસર તે મુદ્દે પણ અનેક સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક લોકો લાંબા સમયથી અહીં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરી ધમધમતી હોવાના આક્ષેપો કરી રહ્યા છે. મહત્વનું છે કે માત્ર ત્રણ દિવસ પહેલા જ ખેડા SOGએ વસો વિસ્તારમાં ગેરકાયદેસર ફટાકડા બનાવતી ફેક્ટરી અને ત્રણ ગોડાઉનનો પર્દાફાશ કર્યો હતો.

વર્ષ 2025માં બનાસકાંઠાના ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા હતા. ત્યારે કપડવંજની આ ઘટના બાદ ફરી એકવાર ફટાકડા ઉદ્યોગમાં સુરક્ષા અને નિયમોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. બ્લાસ્ટનું ચોક્કસ કારણ અને ફેક્ટરીની કાયદેસરની સ્થિતિ અંગેનો ખુલાસો તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.

Comments
Post a Comment