અરવલ્લી જિલ્લાના મોડાસામાં આંગણવાડીના બાળકો અને સગર્ભા મહિલાઓને વિતરણ માટેના પોષણયુક્ત આહારની કાળાબજારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોડાસાના માલપુર રોડ પર એક પીકઅપ વાનમાંથી બાળ ભોગ અને પોષણયુક્ત આહારનો જથ્થો ઝડપાતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ જથ્થો મહિસાગર જિલ્લાના ખાનપુર સ્થિત સરકારી ગોડાઉનમાંથી ચોરી કરીને લાવવામાં આવ્યો હોવાની આશંકા છે. ઘટનાના બે દિવસ બાદ મોડાસા ગ્રામ્ય પોલીસ મથકે ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પીકઅપ વાનના ચાલક, ગોડાઉનના માલિક અને ગોડાઉન મેનેજરનો સમાવેશ થાય છે.

આરોપ છે કે આંગણવાડી કેન્દ્રોમાં બાળકો તેમજ સગર્ભા મહિલાઓને વિતરણ માટેનો પોષણક્ષમ આહાર ગેરકાયદેસર રીતે વેચાણ માટે મોકલવામાં આવી રહ્યો હતો. મોડાસાથી ઝડપાયેલો આહારનો જથ્થો મહિસાગર જિલ્લાથી લાવવામાં આવ્યો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

આ પણ વાંચો: બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો

મહત્વની બાબત એ છે કે સમગ્ર મામલે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પક્ષના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. એક તરફ સપ્લાય એજન્સીના પેટા કોન્ટ્રાક્ટરે જથ્થો ખાનપુરનો હોવાનું જણાવ્યું છે, તો બીજી તરફ સંબંધિત અધિકારીઓ આ જથ્થો મહિસાગર જિલ્લાનો ન હોવાનું દાવો કરી રહ્યા છે.

આ ઘટનાએ આંગણવાડીના લાભાર્થી બાળકો અને સગર્ભા મહિલાઓ માટેના પોષણયુક્ત આહારના વિતરણ તંત્ર પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. હાલ પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કાળાબજારીના નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે.આ મામલામાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા વચ્ચે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

અગાઉ પણ પ્રાંતિજમાંથી ઝડપાયો હતો જથ્થો

અગાઉ પણ પ્રાંતિજ વિસ્તારમાંથી આ જ પ્રકારે આંગણવાડીના પોષણક્ષમ આહારની હેરાફેરીનો જથ્થો પકડાયો હતો, જેના કારણે આ પ્રકારની હેરાફેરીમાં એક મોટું નેટવર્ક કામ કરી રહ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. બાળકોના હકના આહારને બજારમાં વેચવાના આ કૌભાંડે સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા છે. હાલ પોલીસ આ જથ્થો કોણે મોકલ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો, તે દિશામાં તપાસ તેજ કરી છે.

Comments
Post a Comment