Chandipura virus case Update: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા સતત વધી રહી છે. ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ બાળકનું મોત નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. બીજી તરફ જામનગરમાં પણ બે વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે, જોકે તેનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ હજુ બાકી છે. પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લામાં પણ નવા શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં છે.

ભાવનગરમાં ચાંદીપુરાથી પ્રથમ મોત

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામના 9 વર્ષીય બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે મોત થયું છે. બાળકને 8 જુલાઈના રોજ ભાવનગર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં 9 જુલાઈના રોજ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બાદમાં આવેલા લેબોરેટરી રિપોર્ટમાં બાળક ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કોકીલાબેન સોલંકીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.

જામનગરમાં બે વર્ષની બાળકીનું મોત

જામનગરમાં બે વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. બાળકીમાં ચાંદીપુરા વાયરસ જેવા શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. જોકે, તેના સેમ્પલનો રિપોર્ટ હજુ આવવાનો બાકી હોવાથી આરોગ્ય વિભાગ વધુ તપાસ કરી રહ્યો છે.

આ પણ વાંચો: Gujarat Rain Updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ

પંચમહાલમાં વધુ ત્રણ શંકાસ્પદ કેસ

પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધુ ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં શહેરાના હોંસેલાવ ગામના બે વર્ષના બાળક તેમજ મોરવા હડફના ખાબડા ગામ અને કાલોલની એક બાળકીમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 20 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાં પૈકી  પાંચ માસૂમોના મોત થયા છે. સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડ  પર છે.

સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ

સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના કુલ 7 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી 6 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં ત્રણ બાળકો સારવાર હેઠળ છે. જેમાં એક બાળક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અને બે બાળકો વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. એક બાળક સારવાર બાદ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી ત્રણ બાળ દર્દીઓના મોત નોંધાયા છે.

આરોગ્ય વિભાગની અપીલ

રાજ્યમાં વધતા ચાંદીપુરા વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે માતા-પિતાને બાળકોમાં તાવ, ઊલટી, ખેંચ આવવી, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાની અપીલ કરી છે. સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ, સેમ્પલિંગ અને જંતુનાશક દવાનો છંટકાવ સહિતની કામગીરી વધુ તેજ કરવામાં આવી છે.

Comments
Post a Comment