જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું: માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ, 19 લોકોનું રેસ્ક્યૂ, 22 ગામો સંપર્કવિહોણા

Junagadh Rain Updates: જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ભારે તાંડવ મચાવતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ અસરગ્રસ્ત બનેલા માંગરોળ તાલુકામાં માત્ર 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સાંજે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીના ચાર કલાકમાં જ 12 ઈંચથી વધુ વરસાદ વરસતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે.

ભારે વરસાદના કારણે માંગરોળ તાલુકાના 22 જેટલા ગામોનો સંપર્ક તૂટી ગયો છે. અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. સમઢિયાળા વિસ્તારમાં ધસમસતા પૂરના પાણીમાં 19 લોકો ફસાઈ ગયા હતા, જેમનું ફાયર બ્રિગેડ, SDRF અને NDRFની મદદથી સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. પાણીમાં એક રિક્ષા અને બે કાર પણ ફસાઈ ગઈ હતી.

જિલ્લાના ચાર તાલુકાઓમાં મળીને 62 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. માંગરોળમાં 22.24 ઈંચ, માળિયા હાટીનામાં 14.09 ઈંચ, કેશોદમાં 12.80 ઈંચ અને મેંદરડામાં 12.56 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉપરાંત વંથલીમાં 4 ઈંચ, માણાવદરમાં 3 ઈંચ તથા જૂનાગઢ શહેર, ગ્રામ્ય વિસ્તાર અને ભેસાણમાં આશરે 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. ગિરનાર પર્વત વિસ્તારમાં પણ 2 ઈંચ વરસાદ સાથે કુલ વરસાદનો આંક 7 ઈંચ સુધી પહોંચ્યો છે.

માંગરોળ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા છે. માનખેત્રા સહિતના ગામો તરફ જતાં માર્ગો પર પાણી ફરી વળતાં અવરજવર મુશ્કેલ બની છે. ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતા ખેતીની જમીનનું ધોવાણ થવાના અહેવાલો પણ સામે આવ્યા છે.

આ પણ વાંચો: Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે

હુસેનાબાદથી સેપાપા તરફ જતો માર્ગ ભારે વરસાદ અને ધોવાણને કારણે જોખમી બનતાં પ્રશાસને આ માર્ગ તાત્કાલિક અસરથી બંધ કરી દીધો છે અને લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપી છે. અનેક કોઝ-વે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ત્યાંથી પસાર ન થવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

માળિયા હાટીનામાં આવેલા ભાખરવડ ડેમમાં ભારે વરસાદને કારણે પાણીની જોરદાર આવક થતાં ડેમ ઓવરફ્લો થયો છે. ભાખરવડ, વડાળા, આબેચા, ગડુ અને સમઢિયાળા સહિતના ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

મેંદરડા વિસ્તારમાં સતત વરસાદને કારણે રાજેસર અને મધુવંતી નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બંને નદીઓ બે કાંઠે વહેતી થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. મેંદરડા-સાસણ રોડ પર પણ વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહારને અસર પહોંચી છે.

કેશોદમાં અનરાધાર વરસાદને કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઊભી થઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીઓમાં પાણીની આવક વધતાં પ્રશાસન સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે.

હવામાન વિભાગે આજે પણ જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. માત્ર ત્રણ દિવસમાં જ સિઝનનો આશરે 70 ટકા વરસાદ વરસી જતાં સમગ્ર જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. પ્રશાસને નદીકાંઠાના વિસ્તારો, કોઝ-વે અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તેમજ માછીમારોને દરિયો ન ખેડવા ખાસ અપીલ કરી છે.

Comments
Post a Comment