Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી શરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે આશરે 2 કલાકે એક દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવી છે, જે ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટના બાદ સોસાયટીના સભ્યોએ વહેલી સવારે દીપડાના પગની છાપ (ફૂટમાર્ક) પણ જોઈ હોવાનો દાવો કર્યો છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં દીપડાના આંટાફેરાની આશંકા વધી ગઈ છે. આ અંગે તુરંત જ વન વિભાગ અને કાંકરિયા ઝૂના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહેલી સવારથી જ કાંકરિયા ઝૂના અધિકારીઓ અને સ્ટાફની ટીમ શરણદીપ સોસાયટી ખાતે પહોંચી ગઈ છે. હાલમાં અધિકારીઓ દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસીને તેમજ પ્રાથમિક તપાસમાં મળી આવેલા પગના નિશાનના આધારે દીપડાની હાજરી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો... Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર

તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત

તો બીજી તરફ અમરેલી જિલ્લાના ખાંભા નજીક આવેલી તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ વિસ્તારમાં એક સિંહનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, અંદાજે 15 વર્ષની ઉંમર ધરાવતા આ નર સિંહનું મોત વૃદ્ધાવસ્થાના કારણે કુદરતી રીતે થયું છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ દોડી ગઈ હતી અને સિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ (પી.એમ.) ની પ્રક્રિયા માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે.

સિહોર પંથકમાં સિંહનો આતંક, પશુપાલકે ઝાડ પર ચડી જીવ બચાવ્યો
બીજી તરફ, ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં વન્ય પ્રાણી સિંહના હુમલાની ઘટનાઓ સતત બેકાબૂ બની રહી છે. ગઈકાલે સિહોર તાલુકાના ટોડા ગામે સિંહે ફરી એકવાર આતંક મચાવીને એક પશુપાલકના પશુનું મારણ કર્યું હતું. સીમમાં પશુ ચરાવી રહેલા રતુભા રઘુભા ગોહિલ નામના પશુપાલકની ભેંસ પર સિંહે અચાનક હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સિંહને પોતાની તરફ ધસતો જોઈને ગભરાયેલા પશુપાલકે સમયસૂચકતા વાપરી નજીકના વૃક્ષ પર ચડી જઈને જેમ-તેમ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ વિસ્તારમાં સિંહના ત્રાસ અંગે ગામના સરપંચ દ્વારા વન વિભાગને અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવ્યા હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે જેને કારણે સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Comments
Post a Comment