Harsh Sanghavi review meeting: ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે આ કપરી પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે. વહીવટી તંત્રને સંપૂર્ણપણે સજ્જ અને એલર્ટ રાખવાના હેતુથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેથી એક હાઈ-લેવલ રિવ્યૂ મીટિંગ યોજવામાં આવી હતી.

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ મહત્વની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ ગ્રાઉન્ડ ઝીરોની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ, અમરેલી, ડાંગ, તાપી, જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ બેઠકમાં તમામ જિલ્લાના કલેક્ટર, એસપી, ડીડીઓ અને મ્યુનિસિપલ કમિશનરો પાસેથી વરસાદ અને આપત્તિ વ્યવસ્થાપનની ઝીણવટભરી વિગતો મેળવવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ તમામ જિલ્લા વહીવટી તંત્રોને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે કંટ્રોલ રૂમ 24x7 એક્ટિવ રહેવા જોઈએ. નીચાણવાળા અને પૂરની શક્યતા ધરાવતા વિસ્તારોમાં જરૂરિયાત મુજબ તાત્કાલિક NDRF અને SDRF ની ટીમો તૈનાત કરવા કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, જોખમી વિસ્તારોમાંથી નાગરિકોને સમયસર સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવા અને ત્યાં ભોજન, પીવાનું પાણી તેમજ મેડિકલ સુવિધાઓ અચૂક પૂરી પાડવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

ભારે વરસાદમાં લોકોને ઓછી હાલાકી ભોગવવી પડે અને જાહેર સુરક્ષા જળવાઈ રહે તે માટે રોડ-રસ્તા, વીજ પુરવઠો અને સંદેશાવ્યવહારની સ્થિતિ પર સતત નજર રાખવા પણ તંત્રને તાકીદ કરાઈ છે. આ તકે નાયબ મુખ્યમંત્રીએ નાગરિકોને ખાતરી આપતા જણાવ્યું હતું કે, "રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. આપત્તિના આ સમયે નાગરિકોની સુરક્ષા અને સુવિધા એ જ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે." તમામ જિલ્લાઓ અને વિભાગો એકબીજા સાથે સંકલન સાધીને ત્વરિત પગલાં (Swift Response) ભરે તેવી તમામ વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર

Comments
Post a Comment