સાહેબ મિટિંગમાં છે:સચિવાલયમાં નંબર પ્લેટ વગરની કારમાં મંત્રીના સિનસપાટા, ભાજપ નેતાએ મહિલા કાર્યકર્તાને મેસેજ કરતા મામલો સંગઠન સુધી પહોંચ્યો
https://ift.tt/hezNsFA
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... નંબર પ્લેટ વગર મંત્રીની નવી કારમાં એન્ટ્રી! સ્વર્ણિમ સંકુલમાં નિયમો માત્ર સામાન્ય લોકો માટે?
ગાંધીનગરના સત્તાના કોરિડોરમાં એક યુવા અને ટેક્નોક્રેટ મંત્રીની નવી કાર ચર્ચાનું કેન્દ્ર બની છે. કહેવાય છે કે મંત્રીએ તાજેતરમાં નવી કાર ખરીદી છે અને નંબર પ્લેટ વગર જ કાર સ્વર્ણિમ સંકુલ સુધી પહોંચી ગઈ. સામાન્ય નાગરિક માટે નવી કાર શોરૂમમાંથી બહાર નીકળે તે પહેલાં નંબર પ્લેટ અથવા ટેમ્પરરી રજિસ્ટ્રેશન ફરજિયાત હોય છે, પરંતુ સત્તાના પ્રભાવથી નિયમો પણ ઢીલા પડી જાય છે કે શું એવી ચર્ચા શરૂ થઈ છે. સોશિયલ મીડિયામાં સક્રિય રહેતા આ યુવા મંત્રી માટે કાયદા અલગ છે કે કેમ તે અંગે સચિવાલયના વર્તુળોમાં ચર્ચા જામી છે. સ્વર્ણિમ સંકુલમાં સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં નંબર પ્લેટ વિનાની કાર કેવી રીતે અંદર પહોંચી તે પણ સવાલો ઊભા કરી રહ્યું છે. ભાજપ નેતાએ મહિલા કાર્યકર્તાને ઉપરાઉપરી મેસેજ કરતા મામલો સંગઠન સુધી પહોંચ્યો
ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી હોવાની વાતો નેતાઓ જાહેરમાં કરતા હોય છે પરંતુ ભાજપના જ કેટલાક હોદ્દેદાર અને નેતાઓ શિસ્તતા નેવે મૂકી દેતા હોય છે. એવો જ એક કિસ્સો અમદાવાદનો ચર્ચામાં છે. શહેરના એક વોર્ડના સંગઠનના નેતાએ તેમના જ વોર્ડની મહિલા કાર્યકર્તા સાથે ખૂબ ઘનિષ્ઠ મિત્રતા કરવાનો પ્રયાસ કર્યો હતો. નેતાએ મહિલા કાર્યકર્તાને મેસેજ કરીને મળવા માટેની વાત કરી હતી. બે થી ત્રણ વખત મેસેજ કરીને વાતચીત કરી હતી જેના પગલે નેતાનો ઇરાદો તેઓ સમજી ગયા હતાં અને આ બાબતે તેમણે શહેર સંગઠન સુધી ફરિયાદ કરી દીધી હતી અને પોલીસ ફરિયાદ કરવાની વાત સુધી પહોંચી ગઈ હતી. જોકે આ બાબતે શહેર સંગઠનને જાણ થતા એક મહામંત્રી તાત્કાલિક દોડી ગયા હતા અને મહિલા કાર્યકર્તાને સમજાવી લીધા હતા. જો ફરિયાદ કરશે તો પાર્ટી અને તેમની બંનેની બદનામી થઈ શકે તેમ કહીને નેતાને બચાવી લીધા હતા. પાર્ટીમાં કેટલાક નેતાઓની આવી ઓળખ છે જેના પગલે હવે મહિલા કાર્યકર્તાઓ પણ તેમનાથી દૂર રહે એવી ચર્ચા ચાલી રહી છે. બુલેટ ટ્રેનની બ્રેક બન્યા વૈષ્ણવ? પ્રોજેક્ટમાં વિલંબથી દિલ્હીમાં વધ્યો અસંતોષ!
કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સતત થઈ રહેલા વિલંબને લઈને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અંગે દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. પ્રોજેક્ટની ગતિ અપેક્ષા કરતાં ધીમી રહેતાં ઉચ્ચ સ્તરે અસંતોષ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ અંગે સમીક્ષા કર્યા બાદ આ ચર્ચાઓને વધુ વેગ મળ્યો છે. જોકે સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સત્તાના કોરિડોરમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે પ્રોજેક્ટની ધીમી ગતિ માટે જવાબદારી કોના માથે નક્કી થશે. જમીન બચાવવા માટે પૂર્વ મંત્રીએ સચિવાલયના ઘણા ધક્કા ખાધા પણ સફળ ના થયા!
પૂર્વ મંત્રી અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ તથા હાલના ધારાસભ્ય રમણલાલ વોરા પોતે ખેડૂત નહી હોવા છતા ભળતા નામ સાથે ખેતીની જમીન ખરીદી હતી. આ રીતે તેઓ પોતે તેમના પુત્રો અને પત્નીને ખેડૂત બનાવી દીધા હતા. જો કે, તેની પુરાવાઓ સાથે ફરિયાદ થઈ હતી. જેથી રમણલાલને ખ્યાલ આવી ગયો હતો કે, હવે તેનુ ખેડૂતપદ જવાનુ છે તેમજ જે જમીન લીધી છે તે પણ શ્રીસરકાર થઈ જશે. આથી તેઓએ પોતાની વગનો ઉપયોગ શરુ કર્યો હતો. સૌ પ્રથમ તો મામલદાર અને તલાટીઓને દબડાવ્યા હતા. ત્ચારબાદ સચિવાલના આંટાફેરા શરુ કર્યા હતા. જેમાં તેઓ જૂદા જૂદા મંત્રીઓને તેમજ ટોચના અધિકારીઓને મળીને એવું ઠસાવવાનો પ્રયત્ન કરતા હતા તે તેમની સામે રાજકીય કિન્નાખોરીથી આ થઈ રહ્યુ છે માટે તમને આ કિસ્સામાં મદદ કરો. પરંતુ ગઈકાલે સરકાર સત્તાવાર રીતે નિર્ણય કર્યો હતો કે રમણલાલ વોરા ખેડૂત નથી માટે તેમણે ખરીદેલી જમીનને શ્રીસરકાર કરવામાં આવી રહી છે. હવે સચિવાલયમાં પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે, ખોટી રીતે ખેડૂત બનનારા ભાજપના આ પૂર્વ મંત્રી અને હાલના ધારસભ્ય સામે કોઈ પોલીસ કેસ થશે ખરા. ઔડા-કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર હવે ચરમસીમાએ, પ્લાન પાસ માટે કરોડોનું ઉઘરાણું!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડામાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી છે. તાજેતરમાં જ ભાજપના એક અગ્રણી અને બિલ્ડરને તેનો કડવો અનુભવ થતા ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચાડાઈ છે. જેને પગલે હવે આગામી સમયમાં ઉચ્ચ અધિકારીની બદલી થવાની શક્યતા છે. કલોલના ભાજપ સાથે સંકળાયેલા એક બિલ્ડરે પોતાની રહેણાંકની સ્કીમ માટે પ્લાન મુક્યા હતા. જેને મંજૂરી મળતી નહોતી. આથી તેમણે ઉચ્ચ અધિકારીનો સંપર્ક કર્યો હતો. તો તેમને વધુ ઝટકો લાગ્યો હતો. ઉચ્ચ અધિકારીએ ચોખ્ખુ કહી દીધુ કે, એક ટાવરની મંજૂરીના 25 લાખ આપવા પડશે. ચાર ટાવરના એક કરોડ એવુ સાંભળીને આ બિલ્ડર ચોંકી ઉઠ્યો હતો. આ વહીવટ કર્યા ઉપરાંત અન્ય અધિકારીઓનો વહીવટ જૂદો ચૂકવવાનો હતો. આથી તેમણે વળતો ખેલ શરુ કર્યો હતો. ભાજપના એક મોટા નેતાના PA પાસે તેમણે ઔડામાં ફોન કરાવીને ભલામણ કરાવી હતી જેથી તેમને એક રુપિયો આપ્યા વગર કામ પતિ ગયુ હતુ. જો કે, બધા લોકો ભાજપના આ બિલ્ડર જેવા નસીબદાર નથી. સૌથી મોટા આશ્ચર્યની વાત એ છે કે, હદ વટાવી ગયેલા ભ્રષ્ટાચારની જાણકારી અમદાવાદ અને ગાંધીનગરના મોટાભાગના નેતાઓ-મંત્રીઓને ખબર હોવા છત્તા તેઓ કશુ કરી શકતા નથી અથવા કરવા માગતા નથી. મંત્રી પહોંચ્યા, સેક્રેટરી ગાયબ! ROBOFEST Gujarat 6.0માં ભારતીની ગેરહાજરીએ જગાવી ચર્ચા
સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા આયોજિત ROBOFEST Gujarat 6.0ના ઉદ્ઘાટનમાં મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા, પરંતુ વિભાગના સેક્રેટરી પી. ભારતીની ગેરહાજરી સૌના ધ્યાનનું કેન્દ્ર બની. વિભાગના સૌથી મોટા કાર્યક્રમોમાંના એકમાં સેક્રેટરી ન હોવાને લઈને સચિવાલયના વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ છે. તેમની જગ્યાએ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાએ સમગ્ર જવાબદારી સંભાળી હતી. છેલ્લા કેટલાક સમયથી ટેન્ડર પ્રક્રિયા અને વહીવટી નિર્ણયો અંગે આ વિભાગ સતત ચર્ચામાં રહ્યો છે. આવા સમયે સેક્રેટરીની ગેરહાજરી માત્ર સંયોગ હતી કે તેની પાછળ અન્ય કોઈ કારણ છે તે અંગે અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. IAS- IPSએ CMની ઓફીસમાં જઈને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી
ગત અઠવાડીયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો જન્મ દિવસ હતો. જોગાનુજોગ બુધવારે જ કેબિનેટની બેઠક પણ હતી. મુખ્ય સચિવ એમ.કે. દાસને CMના જન્મદિવસની ખબર હતી. આથી તેમણે કેબિનેટ પૂર્ણ થયા પછી CM પાસે જઈને ધીમેથી કહ્યુ કે, સાહેબ જો આપ મંજૂરી આપો તો તમામ અધિકારીઓ આપની ઓફFસમાં એક સાથે આવીને શુભેચ્છા પાઠવે, જેથી આપનો સમય પણ ના બગડે. સીએમએ હા પાડી હતી. આથી કેબિનેટની બેઠક બાદ મુખ્ય સચિવ,એડિશનલ ચીફ સેક્રેટરીઓ,પ્રિન્સિપલ સેક્રેટીરીઓ તેમજ સચિવો એકસાથે જ સીએમના કાર્યાલયમાં ગયા હતા. જો કે, તેમના સાથે ડીજીપી સહFતના એક ડઝન જેટલા આઈપીએસ અધિકારીઓ પણ આવ્યા હતા.તમામ અધિકારીઓએ સીએમની ઓફીસમાં જ લાઈન લગાવી હતી. સીએમને જન્મદિવસની શુભેચ્છા પાઠવીને એક પછી એક અધિકારી બહાર નિકળી રહ્યા હતા. જો કે, સીએમએ કેટલાક અધિકારીઓ સાથે હળવાશભર્યા મૂડમાં થોડી વાતચીત કરી હતી. બીજી બાજુ કેટલાક મંત્રીઓએ પણ સીએમને શુભેચ્છા પાઠવી હતી. તેના ફોટા મેળવવા માટે કેટલાક મંત્રીઓએ સીએમઓમાં તેમજ માહીતી ખાતામાં ફોન કર્યા હતા પણ તેમને મોડી રાત સુધી સીએમ સાથેના ફોટા મળી શક્યા નહોતા. CSએ IAS અધિકારીઓને પૂછ્યું- વાઈબ્રન્ટ સમિટમાં નવું શું કરી શકાય?
આગામી જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ સમિટ યોજાવાની છે. જેની તૈયારીના ભાગરુપે મુખ્ય સચિવ અને ઉધોગ સચિવ સહિતના કેટલાક અધિકારીઓ દિલ્હી ગયા હતા. જ્યાં વિદેશ સચિવ સાથે લાંબી મીટીંગો કરી હતી. વિદેશ સચિવે ખાતરી આપી છે કે, વિદેશના ડેલિગેશન કે ત્યાંની સરકાર સાથે તમારુ યોગ્ય સંકલન કરાવવામાં તમામ મદદ કરાશે. ગુજરાત પાછા ફર્યા બાદ મુખ્ય સચિવ મનોજકુમાર દાસે મહાત્મા મંદિરમાં ગાંધીનગરમાં ફરજ બજાવતા તમામ આઈએએસ અધિકારીઓ સાથે મહત્વની મીટીંગ રાખી હતી. જેમાં મુખ્ય સચિવે તમામ અધિકારીઓને કહ્યુ કે, તમે લોકો છેલ્લા ઘણા સમયથી સમિટનો ભાગ બની ગયા છો. તમારી પાસે અનુભવનો ખજાનો છે. તો આવતી વાઈબ્રન્ટ સમિટમા નવુ શું કરી શકાય, તમારા કોઈ આઈડીયા કે ઓબર્ઝર્વેશન હોય તો જણાવો. જૂના ફર્નિચર અને જૂના વાહનોના નિકાલને લઈ અધિકારીઓને ક્લાસ લેવાયો
બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ વખતે મુખ્ય સચિવ દાસે અધિકારીઓનો ક્લાસ લીધો હતો. જો કે, આ વખતનો વિષય એજ્યુકેશન,બાળકોના કુપોષણ કે આરોગ્ય નહોતો. પરંતુ કચરાનો,જૂના ફર્નિચર,જૂના વાહનોના નિકાલ અને સફાઈ કામગીરી કઈ રીતે ઝડપથી અને સારી રીતે કરી શકાય તેવો હતો. સીએસએ કહ્યુ કે,અર્બન વેસ્ટ મેનેજમેન્ટ મજબૂત હોવુ જોઈએ.કચરાની ગાડી સમયસર આવે છે કે નહી તેનુ બરોબર અને સચોટ મોનિટરીંગ થવુ જોઈએ. ઉપરાંત ગુજરાતની અનેક ઓફિસોમાં જૂના વાહનો સબડી રહ્યા છે. જૂનુ ફર્નિચર પડ્યુ છે. જેનો કોઈ ઉપયોગ થતો નથી. જૂનુ ફર્નિચર અને જૂના વાહનો સરકારની જગ્યા રોકે છે. તેને કારણે ઓફિસો ચોખ્ખી દેખાતી નથી. આથી આવા જૂના અને નકામા ફર્નિચરને તેમજ જૂના અને બંધ પડેલા તમામ વાહનોને ત્યાંથી ઉઠાવી લેવાના રહેશે. કોઈ બહારથી આવેલી વ્યક્તિ ઓફિસમાં આવે તો તે ત્યાંની સારી ઈમેજ લઈને જવી જોઈએ.જૂના ફર્નિચર-વાહનોના નિકાલ માટેના સરક્યુલરો અવારનવાર થાય છે પરંતુ આ સરક્યુલરો સર્કલમાં જ ફર્યે રાખે છે તેનો અમલ થતો નથી. તો અધિકારીઓએ રસ લઈને હવે સાચા અર્થમાં તમામ ઓફિસોને જૂના ફર્નિચર-જૂના વાહનોથી મુક્ત કરીને જગ્યાનો યોગ્ય ઉપયોગ કરવાનો રહેશે. જે વાહનોમાં કોર્ટનો આદેશ બાકી હોય તે સિવાયના તમામ વાહનોનો નિકાલ કરવાનો રહેશે. રથયાત્રાનું પ્રસ્થાન થયા બાદ IPS અધિકારીએ ટ્રકોને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું!
ભગવાન જગન્નાથની ઐતિહાસિક 149મી રથયાત્રાની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી કરાવી હતી. ત્રણેય રથ મંદિર પ્રાંગણની બહાર આવ્યા બાદ ગજરાજ આગળ નીકળી ગયા અને રથયાત્રાની શરૂઆત થઈ ગઈ હતી. રથયાત્રાની શરૂઆત બાદ બે આઈપીએસ અધિકારીઓ દ્વારા ટ્રકોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ કરાવ્યા બાદ રથ જ્યારે બહાર નીકળી જાય ત્યારે ગજરાજ આગળ નીકળી ગયા પછી ટ્રકો નીકળતી હોય છે. જોકે બે આઈપીએસ અધિકારીઓ ટ્રકને લીલી ઝંડી આપવાના હતા જેને લઈને ટ્રકો 10 મિનિટ સુધી લાઈનમાં ઉભી રહી ગઈ હતી. આઇપીએસના આવ્યા બાદ ઝંડી આપીને ટ્રકોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. એક વખત રથયાત્રા પ્રસ્થાન થયા બાદ ઝંડી આપીને ટ્રકોનું પણ પ્રસ્થાન કરાવતા ચર્ચાનો વિષય બન્યો હતો. રથયાત્રા બાદ પોલીસની સફાઈ કામગીરી સોશિયલ મીડિયામાં છવાઈ
દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે અમદાવાદને બિરુદ મળ્યું છે જેના પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના સફાઈ કામદારોની મહેનત હોય છે. જેમાં હજારોની સંખ્યામાં સફાઈ કામદારો શહેર સ્વચ્છ રાખે છે. પરંતુ આ વર્ષે રથયાત્રામાં પોલીસની સફાઈની રીલે દર વર્ષે રથયાત્રા બાદ સફાઈ કરતા મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદારોને પાછળ પાડી દીધા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. રથયાત્રા બાદ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સફાઈ કરવામાં આવી હતી. જેનો વીડિયો બનાવીને શહેર પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે સોશિયલ મીડિયામાં મૂકી દેવામાં આવ્યો હતો. જે રીલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોસ્ટ કરી હતી. દરરોજ સફાઈ કરતા મ્યુનિસિપલ કોર્પોરેશનના કામદારોની જગ્યાએ પોલીસ કર્મચારીઓની સફાઈની એક રીલની ખૂબ પ્રશંસા જોવા મળી હતી જે પરથી ચર્ચા છે કે પોલીસને સોશિયલ મીડિયામાં વધુ હોશિયાર છે છે અને કોર્પોરેશન રોડ ઉપર કામગીરીમાં છે.
Comments
Post a Comment