Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી ઇનએક્ટિવ થઇ ગયું છે. જેના કારણે રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 13 જુલાઇ બાદ ફરી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી એકવાર વરસાદી માહોલ જામે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આજથી રાજ્યના હવામાનમાં ફેરફાર શરૂ થશે અને આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 13થી 16 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.  13 અને 14 જુલાઈએ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રણ  છે, જો આ સિસ્ટમ એક્ટિવ થશે તો ગુજરાતમાં સારા વરસાદની શક્યતા નકારી ન શકાય. જો આ સિસ્ટમ સક્રિય થશે તો ગુજરાતના મોટાભાગને ફરી ચોમાસું આવરી લેશે.અંબાલાલ પટેલે જણાવ્યું કે,  17થી 19 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનવાની સંભાવના છે. જેના કારણે વરસાદની પ્રવૃત્તિમાં વધુ વધારો થઈ શકે છે.

આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા

અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત પંચમહાલ, મહીસાગર, વડોદરા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના

તેમણે જણાવ્યું કે 19થી 21 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ શકે છે, જ્યારે 22 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

જુલાઈના અંત સુધી વરસાદી માહોલ

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 26થી 30 જુલાઈ દરમિયાન પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે. ત્યાર બાદ ઓગસ્ટ માસમાં પણ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ

રથયાત્રાના દિવસે પણ વરસાદની શક્યતા

અમદાવાદ સહિત રાજ્યભરમાં 16 જુલાઈએ યોજાનારી રથયાત્રા દરમિયાન હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે રથયાત્રાના આયોજન દરમિયાન હવામાનને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવાની જરૂર રહેશે.

હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની ગતિ ધીમી પડી છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમી તથા બફારાનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ હાલ ચોમાસું થોડા સમય માટે નબળા તબક્કામાં છે, જેના કારણે આગામી બે-ત્રણ દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે.

જોકે, સપ્તાહના મધ્ય ભાગથી એટલે કે 15 અને 16 જુલાઈ આસપાસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ નોંધાઈ શકે છે, પરંતુ સમગ્ર રાજ્યમાં એકસાથે ભારે વરસાદની સ્થિતિ હજુ દેખાતી નથી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ચોમાસાની સિસ્ટમ પશ્ચિમ ભારતમાં નબળી પડી છે, જેના કારણે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. આગામી દિવસોમાં જો બંગાળની ખાડીમાં નવી લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બનશે અથવા ચોમાસાની ટ્રફ દક્ષિણ તરફ ખસશે, તો રાજ્યમાં વરસાદની ગતિવિધિ ફરી તેજ બની શકે છે.

ખેડૂતો માટે હાલનો સમય મહત્વનો છે. વરસાદની રાહ જોતા વિસ્તારોમાં વાવેતર કરનાર ખેડૂતોએ સ્થાનિક હવામાનની આગાહી પર નજર રાખવી અને જરૂરિયાત મુજબ કૃષિ વિભાગની સલાહ અનુસાર કામગીરી કરવી યોગ્ય રહેશે. શહેરોમાં પણ બફારો અને ઊંચા તાપમાન વચ્ચે લોકો માટે પૂરતું પાણી પીવું અને બપોરના સમયે લાંબા સમય સુધી તડકામાં રહેવાનું ટાળવું સલાહભર્યું છે.

એકંદરે જોઈએ તો ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ 15-16 જુલાઈથી ધીમે-ધીમે શરૂ થવાની સંભાવના છે. શરૂઆતમાં વરસાદ છૂટોછવાયો રહેશે અને ત્યારબાદ હવામાનની નવી સિસ્ટમ સક્રિય બનશે તો વરસાદનું પ્રમાણ વધી શકે છે. નોંધનિય છે કે, જુનના અંતિમ સપ્તાહથી સક્રિય મોનસૂનના કારણે અનેક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ અને ભારે વરસાદ વરસ્યો ખાસ કરીને નવસારી અને સુરત જિલ્લામાં બારેમેઘ ખાંગા  થયા તેવી સ્થિતિ સર્જાઇ જો કે આ સમય દરમિયાન કેટલાક જિલ્લા એવા છે.જેમકે પોરબંદર જામનગર સહિત ઉત્તર ગુજરાત કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદ નહિવત નોંધાતા હજુ વાવણીલાયક પણ વરસાદ નથી થયો ત્યારે આ વિસ્તારના ખેડૂતો માટે માઠા સમાચાર છે કે તેમને વાવણી લાયક વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે.

Comments
Post a Comment