Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ ચૂકી છે. સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદની પ્રથમ રાઉન્ડમાં જ નદી નાળા છલકાયા છે, અને મોટાભાગના ડેમોમાં જળસ્તર સતત વધી રહ્યું છે. આવામાં હવામાન વિભાગે 24 થી 27 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો ચાલો જાણીએ આજે ક્યાં ક્યાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગનું ગુજરાત માટે લેટેસ્ટ અપડેટ સામે આવ્યુ છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજુ પણ વરસાદી માહોલ જામશે, અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની પુરેપુરી શક્યતાઓ છે. રાજ્યમાં 27 જૂન સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આજે રાજ્યના આઠ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જેમાં ખાસ કરીને દાહોદ, વડોદરા, નવસારીમાં ભારે વરસાદની આગાહીની આગાહી છે, જ્યારે સુરત, છોટાઉદેપુર, ગીર સોમનાથ, ભાવનગર, દેવભૂમિ દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 27 જૂનના અમદાવાદમાં ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદના કારણે દરિયા કિનારે એલર્ટ અપાયુ છે અને માછીમારોને 29 જૂન સુધી દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. આઈએમડીએ માછીમારો માટે ચેતવણી જાહેર કરી છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં આગામી 5 દિવસ સુધી દરિયામાં ઊંચી લહેરો અને તોફાની પવનો ચાલી શકે છે. માછીમારોને ગુજરાત, કોંકણ, ઓડિશા, આંધ્ર, અંડમાન નિકોબાર અને તમિલનાડુ તટથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી આપતા જણાવ્યું છે કે, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

24 જૂને મંગળવારે, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારેની સાથે યલો એલર્ટ છે.

25 અને 26મી જૂને અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

27 જૂને 23 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

Comments
Post a Comment