અમદાવાદ: રાજ્યમાં ફરી એક વખત અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં કાલે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ બની હતી તે કચ્છથી પરથી પસાર થઇને હવે અરબ સમુદ્ર પર છે. જેની અસર ગુજરાત પર થશે.

હવામાન વિભાગે રાજયમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી શક્યતા છે.આ નવા રાઉન્ડમાં અતિભારે વરસાદ વરસશે. સૌરાષ્ટ્રમાં હવે વરસાદનું જોર ઘટશે. જો કે હજુ પણ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા,અરવલ્લી, મહિસાગર, ગાંધીનગર, મહેસાણામાં આગામી દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે.

કાલે આ જિલ્લામાં વરસશે મેઘરાજા

આવતીકાલે શનિવારે 12 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લીની સાથે મહીસાગર, સુરત, તાપી અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના તમામ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી લેવામાં આવ્યું છે. પાંચ દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત સૌથી વધુ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 4 ઇંચ જેટલો અને ધરમપૂર તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ, વલસાડના કપરાડા તેમજ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે, તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.

ગુજરાતમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ

રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 78.99 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81 ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67 ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં 71.97 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Comments
Post a Comment