થાનગઢના અભેપરમાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયું:નાયબ કલેક્ટરની ટીમે દરોડા પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો
https://ift.tt/62nwkSK ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના અભેપર ગામમાં ગેરકાયદેસર કોલસા ખનન પર નાયબ કલેક્ટરની ટીમે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં રૂ. 17.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને કોલસાની ખાણમાંથી 9 મજૂરોને બચાવવામાં આવ્યા હતા. થાનગઢ અને મુળી તાલુકામાં ગેરકાયદેસર કોલસા ખનનને નાબૂદ કરવાના ભાગરૂપે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ એક વોટ્સએપ નંબર જાહેર કર્યો હતો. આ નંબર પર નાગરિકો તરફથી અભેપર ગામમાં ગેરકાયદેસર કોલસાની ખાણ ચાલુ હોવા અને રાત્રે મોટા પ્રમાણમાં વિસ્ફોટક ધડાકા થતા હોવાની ફરિયાદ મળી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઈને, 18 ડિસેમ્બર, 2025 ના રોજ મોડી રાત્રે 12:45 કલાકે નાયબ કલેક્ટર ચોટીલા અને તેમની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના અભેપર ગામના ખાનગી માલિકી સર્વે નંબર 11 ની જમીન પર આકસ્મિક દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, ગેરકાયદેસર કોલસા ખનન કરતા નીચે મુજબના વાહનો અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો: બે ટ્રેક્ટર, એક મિની ટ્રેક્ટર, એક કમ્પ્રેશન મશીન, એક ચરખી, ચાર બકેટ અને 19 નંગ સુપર પાવર નાઈટિ વિસ્ફોટક. કુલ રૂ. 17,30,000/- નો મુદ્દામાલ જપ્ત કરીને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલ પૈકીનું મિની ટ્રેક્ટર કોલસાના કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ સાથે, કોલસાની ખાણમાં ફસાયેલા 9 મજૂરોનું પણ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ખોદકામ કરનારા ઇસમોમાં જમીનના કબજેદાર ગોરધનભાઈ છનાભાઈ ઝેઝરીયા (રહે. અભેપર, તા. થાનગઢ) અને કોન્ટ્રાક્ટર જયેશભાઈ સવશીભાઈ મકવાણા (રહે. દેવપરા (આ), તા. થાનગઢ) નો સમાવેશ થાય છે. આ તમામ ઇસમો તેમજ વાહન માલિકો સામે The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage Rules, 2017) મુજબ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત, તેમની સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં અભેપર ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી વિરુદ્ધ પણ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Comments
Post a Comment