દીકરીઓને મળશે 1.10 લાખની સહાય:શિક્ષણ અને સશક્તિકરણ માટે વાર્ષિક 2 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારો ઓનલાઇન અરજી કરી શકશે
https://ift.tt/5gCaJBh ભાવનગર જિલ્લામાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકારની ‘વહાલી દીકરી’ યોજના અંતર્ગત ફોર્મ ભરવાની વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી દીકરીઓને કુલ 1.10 લાખની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. કોણ કરી શકશે અરજી? આ યોજનાનો લાભ લેવા માટે દીકરીના માતા-પિતાની સંયુક્ત વાર્ષિક આવક 2,00,000 થી ઓછી હોવી અનિવાર્ય છે. મહત્વની શરત એ છે કે, દીકરીના જન્મના 1 વર્ષની અંદર જ આ માટે અરજી કરવાની રહેશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં દીકરીઓનો જન્મદર વધારવો અને તેમને શિક્ષણમાં મદદરૂપ થવાનો છે. સહાયના ત્રણ તબક્કા લાભાર્થી દીકરીને કુલ 1,10,000 ની સહાય ત્રણ હપ્તામાં મળવાપાત્ર છે: પ્રથમ હપ્તો: ધોરણ 1 માં પ્રવેશ વખતે 4,000 ની સહાય. બીજો હપ્તો: ધોરણ 9 માં પ્રવેશ વખતે 6,000 ની સહાય. ત્રીજો હપ્તો: દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે 1,00,000 ની સહાય. (શરત: દીકરીના બાળલગ્ન થયેલા ન હોવા જોઈએ). અરજી કરવાની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો અરજદારો ગ્રામ પંચાયત ખાતે VCE મારફત, મામલતદાર કચેરીએ અથવા પોતે ઓનલાઈન પોર્ટલ https://ift.tt/rBzQceY પર ફોર્મ ભરી શકે છે. અરજી માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર અને આધારકાર્ડ, માતા-પિતાનું લગ્ન પ્રમાણપત્ર, આધારકાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો, સ્વ-ઘોષણાપત્ર અને બેંક પાસબુકની નકલ જેવા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. વધારે માહિતી માટે ભાવનગર સ્થિત ‘જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી’ (બહુમાળી ભવન) નો સંપર્ક કરી શકાશે.
Comments
Post a Comment