CVM યુનિવર્સિટીની 7 ટીમો 'ROBOFEST'માં વિજેતા:GCET અને MBITના વિદ્યાર્થીઓએ રોબોટિક્સમાં ₹13 લાખ જીત્યા
https://ift.tt/KOQToDz ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા આયોજિત રાજ્યસ્તરની પ્રતિષ્ઠિત સ્પર્ધા 'ROBOFEST–GUJARAT 5.0' ના લેવલ-II (આઈડિયેશન સ્ટેજ) માં CVM યુનિવર્સિટીની કુલ 7 ટીમો વિજેતા બની છે. આ વિજેતા ટીમોને કુલ ₹13 લાખની પ્રોત્સાહક ઇનામી રાશિ એનાયત કરવામાં આવશે. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતની જાણીતી STEM સંસ્થાઓએ ભાગ લીધો હતો. જેમાં CVM યુનિવર્સિટી સંચાલિત જી. એચ. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (GCET) ની 5 ટીમો અને મધુબેન અને ભાનુભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MBIT)ની 2 ટીમોએ પોતાના સંશોધનો દ્વારા નિર્ણાયકોને પ્રભાવિત કર્યા હતા. વિદ્યાર્થીઓએ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક રોબોટિક્સ ક્ષેત્રે પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. તેમાં માઈનફિલ્ડ નેવિગેશન માટે ડ્રોન ટેકનોલોજી આધારિત એરિયલ રોબોટિક્સ, પાણીની અંદર કાર્ય કરી શકે તેવા ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ (AUV), જટિલ રસ્તાઓ જાતે શોધી શકતા મેઝ સોલ્વર અને જમીન પર ચાલતા આધુનિક ગ્રાઉન્ડ વ્હીકલ રોબોટિક સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. યુનિવર્સિટીની આ સિદ્ધિ ઉપરાંત, GCET, ADIT અને MBIT ના ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓએ શાળા કક્ષાના (જુનિયર લેવલ) વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેના પરિણામે અનેક સ્કૂલની ટીમો પણ આ સ્પર્ધામાં વિજેતા બની હતી. CVM યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ઇન્દ્રજીત પટેલે જણાવ્યું હતું કે, "આ સિદ્ધિ CVM યુનિવર્સિટીની 'હેન્ડ્સ-ઓન લર્નિંગ' અને નવીનતા આધારિત શૈક્ષણિક સંસ્કૃતિનું પરિણામ છે. અમારા વિદ્યાર્થીઓએ ટેકનોલોજીના માધ્યમથી સામાજિક પ્રશ્નોના ઉકેલ લાવવાની ક્ષમતા દર્શાવી છે." આ સફળતા બદલ CVM યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ભીખુભાઈ પટેલ, ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ, માનદ મંત્રી એસ. જી. પટેલ, સહમંત્રી મેહુલભાઈ પટેલ, સહમંત્રી વિશાલભાઈ પટેલ તેમજ પ્રોવોસ્ટ ઇન્દ્રજિત પટેલ અને રજિસ્ટ્રાર સંદીપ વાલિયાએ વિદ્યાર્થીઓ અને તેમના મેન્ટર્સને અભિનંદન પાઠવ્યા હતા.
Comments
Post a Comment