Gujarat Rain Forecast: સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટાના સંકેત છે. આગામી 4 દિવસ રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને આ સાથે છૂટછવાયા હળવા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે ભરશિયાળે કચ્છ, ઉત્તર ગુજરાતમાં આજે ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કચ્છ, બનાસકાંઠા, પાટણ સહિત ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની વધુ શક્યતા છે. બાકીના વિસ્તારમાં પણ 26 જાન્યુઆરી સુધી વાતાવરણ વાદળછાયું રહેશે. માવઠાની આગાહીથી ઘઉં, એરંડા, જીરૂ, વરિયાળી સહિતના શિયાળું પાકને નુકસાન થઇ શકે છે. માવઠાની આગાહીથી શિયાળું પાક લેતા ધરતીપુત્રો ચિંતામાં મૂકાયા છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદે દસ્ક્ત દીધી છે. મહેસાણાના વિસનગરના વાતાવરણમાં પલટો આવ્યો છે. અહીં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો છૂટછવાયો વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. નારાયણ સરોવર, નવાનગર, પાનધ્રો, તહેરા, ઘડુલી સહિતના વિસ્તારમાં છુટછવાયો હળવો વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં ઠંડીની શું રહેશે સ્થિતિ
ઠંડીની વાત કરવામાં આવે તો આગામી 24 કલાક બાદ બે દિવસ માટે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 2થી 3 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. ત્યાર બાદ ફરી લઘુતમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. આજે અમદાવાદમાં 16.8, અમરેલીમાં 14.6, વડોદરામાં 19, ભાવનગરમાં 17.2, ભુજમાં 15.4, દાહોદમાં 14.3, દમણમાં 18.2, ડાંગમાં 15.7, ડીસામાં 15.3, દીવમાં 16, દ્વારકા 17.8, ગાંધીનગર 16, કંડલા 16.5, નલિયા 10.4, ઓખામાં 19, પોરબંદરમાં 16, રાજકોટમાં 14.8, સુરતમાં 17.8 અને વેરાવળમાં 18 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

દિલ્લીમાં વરસાદનું એલર્ટ

વસંત પંચમી નિમિત્તે, શુક્રવાર, 23 જાન્યુઆરીએ દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ પડ્યો. સવારે 6:00 વાગ્યાની આસપાસ કાળા વાદળો છવાઈ ગયા અને ઝરમર વરસાદ શરૂ થયો. લગભગ 15 મિનિટ સુધી વરસાદ ચાલુ રહ્યો. એવું માનવામાં આવે છે કે આનાથી હવામાન સાફ થશે અને પ્રદૂષણથી થોડી રાહત મળશે. જો કે
ઠંડી થોડી વધી શકે છે.

હવામાન વિભાગે વસંત પંચમી પર હવામાનમાં ફેરફારની આગાહી કરી હતી. શુક્રવાર, 23 જાન્યુઆરી માટે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે, શુક્રવાર, 23 જાન્યુઆરી બપોર સુધી આકાશ વાદળછાયું રહેશે અને વચ્ચે-વચ્ચે હળવો વરસાદ પણ પડી શકે છે.

Comments
Post a Comment