Surendranagar re-polling 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના ચુડા તાલુકાના જેપર ગામમાં એક મતદાન મથક પર EVM મશીનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી. આ સમસ્યાને ગંભીરતાથી લઈને રાજ્ય ચૂંટણી આયોગે મોટો નિર્ણય લીધો છે. જેપર ગામના આ ચોક્કસ મતદાન મથક પર હવે આજે એટલે કે 27 એપ્રિલ, 2026 ના રોજ સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી ફરીથી (પુનઃ) મતદાન યોજવામાં આવશે, જેથી લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.

વિગતો મુજબ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત અને ચુડા તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન 2-ચુડા-1 જિલ્લા પંચાયત અને 6-ચુડા-1 તાલુકા પંચાયત બેઠક હેઠળ આવતા જેપર ગામના મતદાન મથક નંબર 4/5 પર મુશ્કેલી ઊભી થઈ હતી. જેપર ગામની નવી પંચાયત પાસે આવેલી નવી પ્રાથમિક શાળાના રૂમ નંબર 1 માં રાખવામાં આવેલા EVM ના કંટ્રોલ યુનિટ (CU) અને બેલેટ યુનિટ (BU) માં અણધારી ટેકનિકલ ખામી સર્જાઈ હતી. મશીન અચાનક ખોટકાતા ત્યાં મતદાનની પ્રક્રિયા અટકાવી દેવાની ફરજ પડી હતી.

આ ઘટના બનતા જ સ્થાનિક ચૂંટણી અધિકારીએ તત્કાળ એક્શન લીધા હતા અને આ અંગે સીધી રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ રિપોર્ટ કરીને મથક પર પુનઃ મતદાન યોજવા માટેની માંગણી કરી હતી. પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ અને મતદારોના અધિકારને ધ્યાનમાં રાખીને ચૂંટણી આયોગે તરત જ આ માંગણી ગ્રાહ્ય રાખીને જેપર ગામના આ મતદાન મથક પર 27 એપ્રિલે પુનઃ મતદાન માટેની મંજૂરી આપી દીધી હતી.

હવે 27 એપ્રિલે નવી પ્રાથમિક શાળા, રૂમ નં. 1 ખાતે ફરીથી વોટિંગ થવાનું હોવાથી, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જેપર ગામના તમામ જાગૃત મતદારો અને જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે. તંત્રએ જણાવ્યું છે કે લોકો આ ફેરફારની ખાસ નોંધ લે અને સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીના નિર્ધારિત સમયગાળામાં મતદાન મથક પર પહોંચીને પોતાના કિંમતી મતાધિકારનો અચૂક ઉપયોગ કરે.

નોંધનીય છે કે, ગુજરાતમાં રવિવારે (26 એપ્રિલ, 2026) 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી એકદમ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરેલા અંતિમ આંકડા મુજબ, આ વખતે ગ્રામ્ય વિસ્તારો એટલે કે તાલુકા અને જિલ્લા પંચાયતોમાં શહેરી મતદારોની સરખામણીમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો છે. એકાદ બે નાની-મોટી ટેકનિકલ ખામીઓને બાદ કરતા સમગ્ર રાજ્યમાં ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. હવે સૌની નજર 28 એપ્રિલે યોજાનારી મતગણતરી પર ટકેલી છે.

Comments
Post a Comment