Gujarat Election 2026 Results: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજે કરાશે જાહેર, 25, 637 ઉમેદવારોના રાજકીય ભાવીનો થશે ફેંસલો

<p>Gujarat Local Body Election 2026 Results: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટેના મતદાન બાદ હવે તમામની નજર આજના ચૂંટણી પરિણામ પર છે. રાજ્યની કુલ 15 મહાનગરપાલિકાઓમાં 49.02 ટકા, સામાન્ય નગરપાલિકાઓમાં 59.50 ટકા, પેટા નગરપાલિકાઓમાં 55.38 ટકા, તો 34 જિલ્લા પંચાયતોમાં 61.69 ટકા, જ્યારે 260 તાલુકા પંચાયતોમાં 62.38 ટકા મતદાન નોંધાયુ હતું. આ ચૂંટણીમાં રાજ્યના ત્રણ મુખ્ય મહાનગરો અમદાવાદ, વડોદરા અને સુરતમાં મતદારોએ ગત 2021ની ચૂંટણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સુરતમાં તો મતદાનની ટકાવારીમાં 5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદમાં પણ મતદારોએ ગરમીને મ્હાત આપીને 44.69 ટકા મતદાન કર્યું છે. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=fPwZMTNivbPZOPUc" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>બીજી તરફ, નવનિર્મિત વાપી મહાનગરપાલિકામાં તો લોકશાહીનો જુવાળ જોવા મળ્યો હોય તેમ સૌથી વધુ 65.68 ટકા બમ્પર મતદાન નોંધાયું છે. 393 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના કુલ 7 હજાર 253 વોર્ડની 9 હજાર 263 બેઠકો માટે કૂલ 25 હજાર 637 ઉમેદવારો વચ્ચે 26 એપ્રિલના રોજ જંગ ખેલાયો હતો. સવારના સાત વાગ્યે શરુ થયેલું મતદાન સાંજના છ વાગ્યે પૂર્ણ થયું ત્યા સુધીના 11 કલાકના દરમિયાન અસહ્ય ગરમી અને પોલીસ જવાનોની ખડેપગે સેવા તથા ચૂંટણી સ્ટાફની કામગીરીને અંતે કેટલાક છૂટાછવાયો બનાવો, EVM ખોટવાયા સહિતની કેટલીક ફરિયાદો વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયુ હતુ. રાજ્ય ચૂંટણી પંચ સહિત તમામ રાજકીય પક્ષોએ મતદારોનો આભાર માન્યો હતો. </p> <p>મતદાન સંપન્ન થયા બાદ મતદાન અધિકારીઓએ ઉમેદવારો કે તેમના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં EVM સીલ કરીને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફાળવાયેલા સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડીને તેને પણ સીલ મારી દીધા. હવે આજે મતગણતરી હાથ ધરાશે. આ ચૂંટણીમાં 15 મહાનગરપાલિકામાં 261 વોર્ડની 1 હજાર 101 બેઠકો માટેના 3 હજાર 145 ઉમેદવારો, 84 નગરપાલિકામાં 656 વોર્ડની 2 હજાર 239 બેઠકો માટે 5 હજાર 441 ઉમેદવાર, 34 જિલ્લા પંચાયતના 1 હજાર 38 બેઠકો માટે 3 હજાર 59 ઉમેદવાર, 260 તાલુકા પંચાયતના 4 હજાર 976 બેઠકો માટે 13 હજાર 871 ઉમેદવારો મળી આ તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સંસ્થાઓમાં કુલ 7 હજાર 253 વોર્ડની 9 હજાર 263 બેઠકો માટે ચૂંટણી જંગમાં રહેલા 25 હજાર 637 ઉમેદવારોના રાજકીય ભાવીનો આજે ફેંસલો થશે. </p>
Comments
Post a Comment