Bharuch Leopard Attack: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા ડાભા ગામે ગઈકાલે રાત્રે એક હિંસક દીપડાએ પશુપાલકના તબેલામાં ઘૂસીને પાંચ મૂંગા પશુઓનો શિકાર કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે. ગામલોકોએ પંજાના નિશાન જોઈ તુરંત વન વિભાગને જાણ કરી દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવાની ઉગ્ર માગણી કરી છે.

ભરૂચના જંબુસર તાલુકાનો ડાભા ગામનો વિસ્તાર અચાનક વન્યજીવના આક્રમણથી ભયભીત થઈ ઉઠ્યો છે. અંધારાનો લાભ લઈને ગામમાં ઘૂસી આવેલા દીપડાએ સીધા જ પશુપાલકોના તબેલાને નિશાન બનાવ્યો હતો. રાત્રિના શાંત વાતાવરણમાં દીપડાએ તબેલામાં બાંધેલા પશુઓ પર તરાપ મારીને એકસાથે પાંચ પશુઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. સવારે જ્યારે પશુપાલક તબેલામાં ગયા ત્યારે લોહીલુહાણ હાલતમાં પડેલા પોતાના પશુઓને જોઈને દંગ રહી ગયા હતા. આજુબાજુ તપાસ કરતા તબેલાની આસપાસ જમીન પર દીપડાના સ્પષ્ટ પંજાના નિશાન જોવા મળ્યા હતા. આ ઘટનાની વાયુવેગે જાણ થતાં જ આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. સીમ અને ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની સતત હાજરીથી હવે પશુપાલકો જ નહીં પરંતુ સામાન્ય સીમમજૂરો અને ગ્રામજનો પણ પોતાના જીવના જોખમને લઈને ભારે ચિંતિત બન્યા છે. લોકોનું કહેવું છે કે રાત્રિના સમયે ખેતરોમાં સિંચાઈ માટે જવું કે ઘરની બહાર નીકળવું પણ હવે જોખમી બની ગયું છે.

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

આ ઘટના બાદ ડાભા ગામના સરપંચ અને અગ્રણીઓએ વન વિભાગને બનાવ અંગે તાત્કાલિક જાણ કરી હતી. ગ્રામજનોએ એકસૂરે માગ કરી છે કે વન વિભાગ વિલંબ કર્યા વિના ગામની આસપાસના વિસ્તારમાં યોગ્ય જગ્યાએ પાંજરાં ગોઠવે અને દીપડાને વહેલી તકે પાંજરે પૂરીને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરે. વન વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી રહી છે. જો વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. આ સ્થિતિમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી અને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવું એ તંત્ર માટે પ્રાથમિકતા બની ગઈ છે.

Comments
Post a Comment