સૌરાષ્ટ્ર-કચ્છમાં અપૂરતા વરસાદના કારણે ખેડૂતો-પશુપાલકો ચિંતિત થયા છે. 10 જિલ્લામાં 50 ટકાથી પણ ઓછો વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકામાં 6 ટકા, કચ્છમાં 29 ટકા વરસાદ વરસ્યો હતો. ઓછા વરસાદના કારણે મગફળી અને કપાસના પાક નિષ્ફળ થવાનું જોખમ છે. લીલા ચારાની અછતથી દૂધ ઉત્પાદન ઘટ્યું છે. કચ્છમાં દૂધ ઉત્પાદનમાં 1 લાખ લીટરનો ઘટાડો થયો છે. ખરીફ પાકો નિષ્ફળ જવાનું જોખમ છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ભારે અછત ખેંચ જોવા મળી રહી છે. કચ્છમાં અત્યાર સુધીમાં સરેરાશ માત્ર 29.27 ટકા જ વરસાદ થયો છે, જ્યારે દેવભૂમિ દ્વારકામાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે, જ્યાં સીઝનનો માત્ર 6 ટકા વરસાદ નોંધાયો. રાજ્યના કુલ 10 જિલ્લાઓ એવા છે જ્યાં આ સીઝનમાં 50 ટકાથી પણ ઓછો વરસાદ થયો છે. વરસાદી ખેંચની સીધી અસર ખેતરોમાં ઊભા ખરીફ પાક પર પડી રહી છે.

આ પણ વાંચોઃ દૂષિત પાણીએ અમારા ગામમાં 21 લોકોનો લીધો જીવ, 100થી વધુ લોકોને કેન્સર, કોઇ નથી સાંભળતું: ગ્રામજનની વ્યથા

હાલ મગફળીમાં શીંગ બેસવા અને દાણા ભરાવાનો અત્યંત મહત્વનો તબક્કો ચાલી રહ્યો છે. જમીનમાં પૂરતો ભેજ ન હોવાથી દાણાનું કદ અને ઉત્પાદન બંને ઘટવાની પૂરેપૂરી શક્યતા છે. પાણીની અછતને કારણે કપાસના છોડનો વિકાસ અટકી રહ્યો છે. તલ, મગ, અડદ, બાજરી અને જુવાર જેવા વરસાદ આધારિત પાકો પણ લાંબા વરસાદી વિરામથી સુકાવાના આરે આવી ગયા છે.

હવામાન અને સીઝનલ પેટર્ન મુજબ 15 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયનો તબક્કો શરૂ થતો હોય છે. જેથી આગામી 3 અઠવાડિયામાં જો યોગ્ય વરસાદ નહીં પડે તો વરસાદ આધારિત તમામ પાકો સંપૂર્ણપણે નિષ્ફળ જવાની ભીતિ છે. વરસાદના અભાવે ખેતીની સાથે પશુપાલન ક્ષેત્રે પણ મોટી મુશ્કેલી ઊભી થઈ છે. માંડવી, લખપત અને અબડાસા સહિતના તાલુકાઓમાં લીલા ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે. સરકારે જૂલાઈ માસમાં રાહત દરે ઘાસચારો આપ્યો હતો, પરંતુ હાલ ચારાની તંગી અને મોંઘવારીની અસર દૂધ ઉત્પાદન પર દેખાઈ રહી છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન કચ્છમાંથી દૈનિક સરેરાશ 5 લાખ લીટર દૂધનું ઉત્પાદન થતું હોય છે, જે આ વર્ષે ઘટીને 4 લાખ લીટરથી નીચે આવી ગયું છે. પૂરતો પોષણયુક્ત આહાર ન મળવાના કારણે પશુઓની રોગપ્રતિકારક શક્તિ પર પણ વિપરીત અસર પડી રહી છે.

Comments
Post a Comment