પાટણમાં અશાંત ધારો લાગુ કરવા કલેક્ટરને આવેદનપત્ર:મોટી ભાટિયાવાડ, રઘુનાથજી પોળ સહિતના વિસ્તારોમાં વસ્તી બદલાવ રોકવા માગ
https://ift.tt/8V0AmiI
પાટણ શહેરના વોર્ડ નંબર 10 (નગરપાલિકા વોર્ડ નંબર 8) હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે "અશાંત ધારો" લાગુ કરવા માટે કલેક્ટર કચેરી, પાટણ ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં મોટી ભાટિયાવાડ રોડ, ચામુંડા માતાજી મંદિર આસપાસનો વિસ્તાર, ફોફળિયાવાડ, રઘુનાથજી પોળ, સોનીવાડ, મોટી ભાટિયાવાડથી નીલમ સિનેમા તરફનો વિસ્તાર અને કુંભારવાસનો સમાવેશ થાય છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે આ વિસ્તારો ઐતિહાસિક અને ધાર્મિક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. અહીં મોટી ભાટિયાવાડની પોળ સુધીના વિસ્તારમાં વર્ષો જૂનું ચામુંડા માતાજીનું મંદિર, પાટણવાળા મોઢ જ્ઞાતિ સમાજની વાડી, જૈનોના પ્રાચીન દેરાસરો, તેમજ ચામુંડા માતાજી, બ્રહ્માણી માતાજી, અંબાજી માતાજી, જલધારી માતાજી સહિતના અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે. રજૂઆત મુજબ, છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારોમાં વસ્તીના માળખામાં મોટા પાયે બદલાવ આવી રહ્યો છે. લઘુમતી કોમની વસ્તીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેના કારણે મિલકતોના આડેધડ હસ્તાંતરણ થઈ રહ્યા છે. આ સ્થિતિ "અશાંત વિસ્તાર (મિલકત હસ્તાંતરણ પર પ્રતિબંધ અને અશાંત વિસ્તારોમાં ભાડૂતોના રક્ષણ માટેની જોગવાઈ) અધિનિયમ 1986" (The Gujarat Disturbed Areas Act 1986) ની મૂળ ભાવનાને જોખમાવી રહી છે. વસ્તીનું સંતુલન બગડતા સ્થાનિક રહેવાસીઓમાં અસલામતીની ભાવના પેદા થઈ છે. આના પરિણામે, સ્થાનિક પરિવારો પોતાના વર્ષો જૂના ઘર છોડીને અન્યત્ર સ્થળાંતર (Distress sale/migration) કરવા માટે મજબૂર બની રહ્યા છે. આથી, કાયદાની છટકબારીઓ શોધીને થતા દબાણપૂર્વકના મિલકતોના ખરીદ-વેચાણને અટકાવવા માટે અશાંત ધારાની કલમ-3 અને કલમ-4 ની જોગવાઈઓ મુજબ તાત્કાલિક મંજૂરી આપવાની માંગણી કરવામાં આવી છે. આ જોગવાઈઓ લાગુ થવાથી કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર મિલકતો ખરીદ-વેચાણ કે હસ્તાંતરિત થઈ શકશે નહીં. વધુમાં, ભાટિયા, મોઢજી, પંચાલ, સોની, વાલ્મીકી જેવા નાના સમાજના લોકો સુરક્ષિત અનુભવે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા વિસ્તારોમાં યોગ્ય પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવામાં આવે તેવી પણ વિસ્તારના રહીશો દ્વારા નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
Comments
Post a Comment