સાહેબ મિટિંગમાં છે:અધિકારીઓના કાફલા સાથે CM અમેરિકા-કેનેડાના પ્રવાસે ઉપડ્યા, અમિત ચાવડાની ફરિયાદ કરવા ગયેલા કોંગ્રેસ નેતાઓ સાથે જોવા જેવી થઈ
https://ift.tt/MWhuGYV
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... સાહેબ અમેરિકા ગયા, હવે ગુજરાતની કમાન કોના હાથમાં?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 16 ઓગસ્ટથી અમેરિકા-કેનેડા પ્રવાસે છે અને પ્રવાસ દરમિયાન Vibrant Gujarat 2027 માટે રોકાણકારો સાથે બેઠકો યોજાવાની છે. CM વિદેશમાં હોય ત્યારે સચિવાલયમાં ચર્ચા એક જ, હવે કઈ ફાઈલ ઝડપથી દોડશે અને કયા વિભાગની કામગીરી પર ખાસ નજર રહેશે? મુખ્યમંત્રીની ગેરહાજરીમાં વહીવટી મશીનરી પોતાની ગતિએ ચાલશે, પણ રાજકીય વર્તુળોમાં “કમાન કોના હાથમાં?” એવી કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. હકીકતમાં મોટો મુદ્દો એ છે કે CM પરત ફરે ત્યાં સુધીમાં કયા મોટા નિર્ણયો આકાર લઈ લે છે અને કઈ ફાઈલ સીધા તેમની ટેબલ સુધી પહોંચે છે! સીએમની ગેરહાજરીમાં કોઈ મંત્રીને કેરટેકર મુખ્યમંત્રી બનાવાયા નથી. ચર્ચા છે કે, હવે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ નહી મળે. મુખ્યમંત્રીની સાથે જે IAS ગયા છે તેમા મુખ્ય સચિવ એમ કે દાસ, નાણા ખાતાના એસીએસ નટરાજન,સીએમઓમાં ફરજ બજાવતા સંજીવકુમાર અને વિક્રાંત પાંડે, ઉધોગ સેક્રેટરી મમતા વર્મા, ઉધોગ કમિશનર પી.સ્વરુપ,ગિફ્ટ સિટીના એમડી સંજય કૌલ, ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે.આંચકો લાગે તેવી વાત એ છે કે, વાઈબ્રન્ટ સમિટ માટે ગયેલા આ મહાનુભાવોના વિદેશના વિવિધ કાર્યક્રો-બેઠકોના શિડ્યુઅલને ખુબ જ ખાનગી રખાયો છે. જેને લઈને બ્યુરોક્રેટ્સમાં પણ ગણગણાટ જોવા મળે છે. ખડગેને ફરિયાદ કરવા ગયા, વાત વળી ફરિયાદ કરનાર પર જ આવી!
ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ દિલ્હી જઈ મલ્લિકાર્જુન ખડગે સમક્ષ અમિત ચાવડા અંગે ફરિયાદ કરવા પહોંચ્યા હોવાની ચર્ચા છે. આ મુલાકાત દરમિયાન ગેનીબેન ઠાકોરે, અમિત ચાવડા અંગે કથિત રીતે ઉગ્ર અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાની વાત કોંગ્રેસના વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. કહેવાય છે કે આ ભાષા સાંભળીને ખડગે પણ ચોંકી ગયા અને રજૂઆતમાં શું કહેવામાં આવ્યું તેના કરતાં પક્ષના જ નેતા વિશે આવી ભાષા કેમ વપરાઈ એ બાબત વધુ ચર્ચાનો વિષય બની. એટલે જે નેતાઓ અમિત ચાવડા સામે ફરિયાદ લઈને દિલ્હી પહોંચ્યા હતા, તેમની રજૂઆત કરતાં તેમની પોતાની રાજકીય છાપ અંગે જ સવાલો ઊભા થયા હોવાની ચર્ચા છે. બીજી તરફ, ગેનીબેન કોંગ્રેસમાં પોતાની ફરિયાદો સાંભળવામાં આવતી નથી એવી નારાજગી વ્યક્ત કરતા રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસના જ વર્તુળોમાં સવાલ ઉઠી રહ્યો છે કે, આ નારાજગી ક્યાં સુધી ચાલશે અને ગેનીબેન માટે આગામી રાજકીય મુકામ આખરે કોંગ્રેસ જ રહેશે કે કમળ તરફ નજર જશે? સુરતની બદલી બાદ સચિવાલયમાં એક જ સવાલ: સંદેશ શું?
સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની 11 ઓગસ્ટે બદલી થઈ અને તેમને ગાંધીનગરમાં સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર બનાવાયા, જ્યારે સુરત કલેક્ટર તેજસ પરમારને કમિશનરનો વધારાનો ચાર્જ અપાયો. આ નિર્ણય નાસીરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટની કડક ટકોર બાદ આવ્યો. હવે સચિવાલયના અધિકારી વર્તુળોમાં ચર્ચા એ નથી કે બદલી થઈ કેમ, ચર્ચા એ છે કે “આ બદલીનો સંદેશ બીજાં અધિકારીઓ સુધી કેટલો સ્પષ્ટ પહોંચ્યો?” એટલે કે કોર્ટની ટકોર હોય કે સરકારની નારાજગી, હવે નિર્ણય લેતી વખતે અધિકારીઓ પણ બે વાર વિચારશે એવી ચર્ચા છે. અમિત શાહના એક પત્રથી AMCમાં હલચલ, હવે જવાબદારી કોની?
બોપલ, આંબલી, ઘુમા અને શેલા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી અને AMC કમિશનરને પત્ર લખ્યો હતો. ત્યારબાદ AMCએ હાઇડ્રોલોજિકલ સર્વે કરીને સ્ટોર્મ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. હવે ગાંધીનગરના વર્તુળોમાં ચર્ચા એવી છે કે “પત્ર આવ્યો એટલે ફાઈલ તો ઝડપથી ચાલી, પણ હવે વરસાદ ફરી આવશે ત્યારે પરિણામ પણ એટલું જ ઝડપથી દેખાવું જોઈએ!” અમદાવાદના આ વિસ્તારમાં પાણી ભરાય તો હવે સામાન્ય ફરિયાદ નહીં ગણાય, સીધી ઉપર સુધી પહોંચેલી ફરિયાદ ગણાશે. એટલે AMCના અધિકારીઓમાં પણ આ મુદ્દે ખાસ એલર્ટ છે એવી ચર્ચા છે. CM સહિત પ્રદેશ ભાજપ પ્રમુખ અને ચારેય મહામંત્રી દિલ્હી પહોંચતા દિવસભર ચર્ચા ચાલી
સોમવારે બપોરે મુખ્યમંત્રી,ભાજપના પ્રદેશ પ્રમુખ અને ભાજપના ચારેય મહામંત્રીઓ તથા સંગઠન મહામંત્રીનો કાફલો એકાએક જ દિલ્હી જવા રવાના થયો હતો. બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી ગાંધીનગરમાં યોજાયેલી તીરંગા યાત્રામાં મુખ્યમંત્રીની સાથે હાજર રહ્યા નહોતા. જેથી બ્યુરોક્રેટ્સમાં તેમજ સચિવાલયના અન્ય અધિકારીઓમાં અને ભાજપના પદાધીકારીઓ તથા કાર્યકરોમાં એક અજીબ પ્રકારનો માહોલ ઉભો થયો હતો. અધિકારીઓ એકબીજાને પૂછતા હતા કે શું થયું?, મુખ્યમંત્રી સહિતના નેતાઓ એકસાથે દિલ્હી કેમ ગયા છે, નાયબ મુખ્યમંત્રી તેમની સાથે નથી અને ગાંધીનગરમાં પણ નથી તેઓ ક્યાં છે, શું સરકારમાં જે અફવા ચાલી રહી છે તે મુજબની કંઈ નવાજૂની થઈ રહી છે કે શું વગેરે જેવા પ્રશ્નોનો મારો આખો દિવસ ચાલ્યો હતો. બાદમાં મોડી સાંજે જાણકારી સાથે સ્પષ્ટતા થઈ હતી કે, દિલ્હીમાં ભાજપના સંગઠનનો કોઈ કાર્યક્રમ હોવાથી બધા ત્યાં ગયા છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી સુરતથી સીધા દિલ્હી ગયા છે.ત્યાર બાદ ચર્ચા બંધ થઈ હતી. સર્વ શિક્ષા અભિયાનના સચિવની સિંગલ ઓર્ડરથી બદલી
SSA-સર્વ શિક્ષા અભિયાનમાં સચિવ તરીકે ફરજ બજાવી રહેલા એક મહિલા અધિકારીની સરકારે સિંગલ ઓર્ડર કરીને બદલી કરી નાખતા અનેક જાતની ચર્ચા શરુ થઈ છે. ચર્ચા છે કે, મહિલા અધિકારીની એડિશનલ ચીફ સેક્રેટરી સુધી ફરિયાદો ગઈ હતી. તેમનો ચાર્જ SSAના એએસપીડી એમ.એમ.પટેલને સોંપાયો છે. જો કે, આ અધિકારી શિક્ષણ કેડરના નથી. ચર્ચા મુજબ શિલ્પાબહેને સ્કુલોમાં સ્પોર્ટસ સહિતના કેટલાક સાધનોની ખરીદીને લઈને નિર્ણયો કર્યા ત્યારથી જ વિવાદ શરુ થયો હતો. શિલ્પાબહેન પટેલની GITના નાયબ નિયામક તરીકે મુકી દેવાયા છે. જ્યારે આ બદલીના બીજા જ દિવસે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર આઈએએસ રણજીતકુમારની પણ બદલી કરી દેવાઈ હતી. આગામી દિવસોમાં હજુ વધુ બદલીઓ થઈ શકે છે. અમદાવાદમાં તિરંગા યાત્રામાં IPS અધિકારી છવાયા
સ્વતંત્ર દિનની ઉજવણી પહેલા દરેક મહાનગરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રીઓ અને પ્રદેશના નેતા ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદમાં યોજાયેલી તિરંગા યાત્રામાં એક આઇપીએસ અધિકારી છવાઈ ગયા હતા. તિરંગા યાત્રામાં IPS અધિકારી સાથે લોકો ફોટા પડાવવા માટે ઊભા રહી ગયા હતા. તમામ IPS અધિકારીઓ સાથે ઉભા હતા ત્યારે લોકો તેમની સાથે ફોટા પડાવવા માટે આવ્યા હતા. આઇપીએસ અધિકારી પણ પોતે તેમની સાથે ફોટા પડાવવા આવનાર વ્યક્તિને નિરાશ કર્યા નહીં અને તેમની સાથે ઊભા રહી અને ફોટો પડાવી લીધો હતો. આજકાલ પોલીસને પણ પબ્લિસિટીની જરૂરિયાત હોવાથી સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે ત્યારે આઈપીએસ અધિકારીઓ પણ ફોટા પડાવી અને છવાઈ રહ્યા છે. પ્રદેશ પ્રમુખના જન્મદિવસે ફ્રૂટ વિતરણ માટે હોસ્પિટલના સ્ટ્રેચરનો ઉપયોગ!
તાજેતરમાં જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે કેટલાક નેતાઓ ફ્રુટ વિતરણથી લઈને અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં પણ ભાજપના નેતાઓએ હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું ત્યારે પ્રદેશ પ્રમુખના જન્મદિવસ માટે ફ્રુટ વિતરણ કરવા મોટા કેરેટમાં અલગ અલગ ફ્રુટો લાવવામાં આવ્યા હતા. જે મોટા કેરેટ દર્દીને લઈ જવા માટે ઉપયોગમાં કરવામાં આવતા સ્ટ્રેચરમાં મૂકવામાં આવ્યા હતા અને આખું સ્ટ્રેચર તેના માટે લેવામાં આવ્યું હતું. સ્ટ્રેચરનો ઉપયોગ દર્દીને લાવવા લઈ જવા માટે કરવામાં આવતો હોય છે પરંતુ આ સ્ટ્રેચર નો ઉપયોગ તો કેરેટ મુકવા માટે કર્યો તો તેમાં પણ કપડું રાખીને ઉપર કેરેટ મૂકવામાં આવ્યા હતા. હવે નેતાઓએ સ્ટ્રેચર પણ દર્દીઓ માટે ખાલી છોડ્યું નથી. તિરંગા યાત્રામાં અવ્યવસ્થા સર્જાતા પોલીસ કમિશનરે મેદાનમાં ઉતરવું પડ્યું
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અવ્યવસ્થા ખૂબ જોવા મળી હતી. સ્ટેજ પાસે ખૂબ મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ ગઈ હતી અને જ્યારે નાયબ મુખ્યમંત્રી યાત્રામાં ચાલવા નીકળ્યા ત્યારે સ્ટેજ પરથી નીચે તરત જ પોલીસ કર્મચારીઓ અને કાર્યકર્તાઓ તેમજ મીડિયાકર્મીઓ એકઠા થઈ ગયા હતા. જેના કારણે થોડીવાર માટે અવ્યવસ્થા સર્જાઈ ગઈ હતી અને જાતે પોલીસ કમિશનરે મેદાનમાં ઉતરવું પડ્યું હતું. જોકે ત્યાં ચર્ચા જાગી હતી કે એક બે પોલીસ અધિકારીઓ સાઈડમાં જ ઉભા રહી ગયા અને સાહેબ જાતે વ્યવસ્થા કરવા લાગી ગયા હતા.
Comments
Post a Comment