Gujarat Weather Forecast: રાજ્યમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની અસરને કારણે એક સપ્તાહ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે દિવસ દરમિયાન પાંચ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  આ વચ્ચે જ હવામાન વિભાગે સવારે 10 વાગ્યા સુધી વરસાદને લઈ નાઉકાસ્ટ જાહેર  કર્યું છે. હવામાન વિભાગે જાહેર  કરેલા નાઉકાસ્ટ મુજબ સવારે 10 વાગ્યા સુધીમાં ચાર જિલ્લા અને બે સંઘપ્રદેશમાં મધ્યમ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર  કર્યું છે. તો 21 જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે હળવા વરસાદનું યલો એલર્ટ જાહેર  કરાયું છે. ઓરેન્જ એલર્ટ વાળા જિલ્લામાં નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને બે સંઘ પ્રદેશ દમણ તથા દાદરાનગર હવેલીનો સમાવેશ કરાયો છે. જ્યાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન વ્યકત કરવામાં આવ્યુ  છે.  તો યલો એલર્ટ વાળા જિલ્લામાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ગાજવીજ સાથે હળવા વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. આ ઉપરાંત અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે.  જ્યારે ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે. તો ભરૂચ, સુરત, નવસારી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન અત્યાર સુધીમાં સરેરાશ 70.60 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યભરમાં મેઘ મહેર જોવા મળી રહી છે, પરંતુ અલગ-અલગ ઝોનમાં વરસાદનું પ્રમાણ અલગ-અલગ નોંધાયું છે. અત્યાર સુધીના આંકડા મુજબ દક્ષિણ ગુજરાત ઝોનમાં સીઝનનો સૌથી વધુ 97.36 ટકા વરસાદ પડી ચૂક્યો છે, જે લગભગ 100 ટકાની નજીક પહોંચી ગયો છે. તેની સરખામણીએ કચ્છ ઝોનમાં સરેરાશ માત્ર 29.05 ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે, જેથી ત્યાં હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે.

બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ ચોમાસું જામ્યું છે અને ત્યાં અત્યાર સુધીમાં સીઝનનો 68.10 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં પણ અત્યાર સુધીમાં 54.76 ટકા વરસાદ થયો છે, જ્યારે ઉત્તર ગુજરાત ઝોનમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ 51.65 ટકા વરસાદ નોંધાયો છે. આમ, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની સ્થિતિ ખૂબ જ સારી છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અડધાથી વધુ સીઝનનો વરસાદ વરસી ચૂક્યો છે.

તાલુકાવાર વરસાદની વિગતો પર નજર કરીએ તો રાજ્યમાં ભારે વરસાદવાળા વિસ્તારોનું પ્રમાણ મોટું છે. રાજ્યના 35 તાલુકામાં અત્યાર સુધીમાં સીઝનનો 40 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, જ્યારે 80 તાલુકામાં 20થી 40 ઈંચ સુધીનો નોંધપાત્ર વરસાદ થયો છે. આ ઉપરાંત 121 તાલુકા એવા છે જ્યાં 10થી 20 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પાણીની સમસ્યા હળવી થઈ છે.

ઓછા વરસાદવાળા વિસ્તારોની વાત કરીએ તો રાજ્યના 22 તાલુકામાં સીઝનનો 5થી 10 ઈંચ અને 7 તાલુકામાં 2થી 5 ઈંચ સુધીનો વરસાદ થયો છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે રાજ્યના ત્રણ તાલુકામાં હજુ પણ બે ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે આ વિસ્તારોમાં ખેડૂતો અને સ્થાનિક લોકો ચોમાસાના આગામી રાઉન્ડમાં સારા વરસાદની આશા રાખીને બેઠા છે.

Comments
Post a Comment