અમદાવાદ: ગુજરાતના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની શક્યતા છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ માવઠું પડી શકે છે. હવામાન વિભાગ મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી વિસ્તારમાં કમોસમી વરસાદનું અનુમાન છે.

વાવાઝોડા જેવી સ્થિતિ સાથે માવઠાની શક્યતા

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. અહી ભરૂચ, તાપી, સુરત, નર્મદા, છોટાઉદેપુર વગેરે જિલ્લાઓમાં હળવો વરસાદ અને પવન સાથે ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે વાવાઝોડા જેવી સ્થિતિ સાથે માવઠાની શક્યતા વધુ છે.

લઘુત્તમ તાપમાન 18 થી 20 ડિગ્રી વચ્ચે રહેશે

અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા છે. 24 ફેબ્રુઆરીથી મિશ્ર ઋતુની અસર રહેશે. રાજ્યના હવામાનમાં પલટો આવશે, પરંતુ મોટા ભાગે શુષ્ક રહેશે. બપોરે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચી શકે છે. લઘુત્તમ તાપમાન 18 થી 20 ડિગ્રી વચ્ચે રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.

રાજ્યમાં વરસાદની સ્થિતિ

નર્મદા જિલ્લો: રાજપીપળા, ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં માવઠું પડ્યું છે, જેનાથી ઉભા પાકને નુકસાન થવાની શક્યતા છે.

ગાંધીનગર: પાટનગરના ગ્રામ્ય વિસ્તારો સહિત કુડાસણ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે.

અમદાવાદ: અમદાવાદ શહેરમાં એસ.જી. હાઈવે સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી છાંટા પડ્યા હતા. આ બદલાયેલા વાતાવરણને કારણે સવારે ઓફિસ જતી વખતે નોકરીયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયો હતો.

છોટાઉદેપુર: વહેલી સવારથી અહીં આકાશી આફત જેવો માહોલ છે. ખાસ કરીને કેરીના પાકમાં ભારે નુકસાન થવાની સંભાવનાને પગલે બાગાયતી ખેડૂતો ચિંતિત બન્યા છે.

ભરૂચ (અંકલેશ્વર): અંકલેશ્વર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ માવઠું થતાં ખેતીના પાક પર ખતરો ઉભો થયો છે.

દેશના અનેક રાજ્યમાં વરસાદનું

દેશના અનેક ભાગોમાં જ્યાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યાં હવે અચાનક બદલાતા હવામાને લોકોની ચિંતા વધારી દીધી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 24 કલાક દરમિયાન 11 રાજ્યોમાં વરસાદ અને જોરદાર પવનનું એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન કેટલાક સ્થળોએ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Comments
Post a Comment