અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત કમોસમી વરસાદ અને માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં 29,30 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે વરસાદનું અનુમાન છે.

29 માર્ચે રાજ્યના આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

હવામાન વિભાગ દ્વારા 29 માર્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં બનાસકાંઠા, કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી લઈ મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે 29 માર્ચે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

30 માર્ચે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું અનુમાન

હવામાન વિભાગ દ્વારા 30 માર્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 25 થી 28 માર્ચ સુધી ગરમીની અસર રહેશે. મહતમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે. પવનોની દિશા બદલાતા ગરમીની અસર રહેશે.

ગુજરાતમાં વાતાવરણમાં પલટાના સંકેત

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી હજુ પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને ભેજવાળા પવનના કારણે આ વાદળછાયું વાતાવરણ વચ્ચે ક્યાંક-ક્યાંક છૂટછવાયો વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં બીજી બે સિસ્ટમ આવનાર છે. આ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં વાતાવરણમાં પલટાના સંકેત મળી રહ્યાં છે. આ બે સિસ્ટમ કેટલી મજબૂત હશે તેના પર કમોસમી વરસાદનો આધાર છે.

રાજ્યમાં માવઠા અને વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત કમોસમી વરસાદ અને માવઠાને લઈ આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર રાજ્યમાં 28 માર્ચથી વાતાવરણમાં પલટો આવશે. 28 માર્ચથી 2 એપ્રિલ સુધી માવઠાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે. હવામાન નિષ્ણાંત અંબાલા પટેલની આગાહી અનુસાર, 28 માર્ચથી 2 એપ્રિલ સુધીમાં વરસાદની શક્યતા હોવાના કારણે ખેડૂતોએ સાવચેતી રાખવી પડશે. ઉત્તર ગુજરાત,મધ્યગુજરાત,સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવવાની સંભાવના છે.

Comments
Post a Comment