Ambaji temple: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પવિત્ર ભાદરવી પૂનમના મહાપર્વને લઈને અદ્ભુત અખંડ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. મા અંબાના ધામમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. વહીવટી પ્રશાસન, પોલીસ વિભાગ અને આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવેલી સુચારુ વ્યવસ્થા અને ભાવિકોની સેવાથી સમગ્ર યાત્રાધામમાં ભક્તિભર્યું વાતાવરણ સર્જાયું છે.

ભાદરવી પૂનમના પાવન પ્રસંગે સવારથી જ લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે સવારની મંગળા આરતી સમયે સમગ્ર અંબાજી 'જય અંબે'ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. છેલ્લા 6 દિવસમાં 38 લાખથી વધુ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા છે, જ્યારે 6 દિવસમાં મંદિરને 1.5 કરોડથી વધુની આવક પણ થઈ છે. પોલીસ અને વહીવટી પ્રશાસનના શાનદાર આયોજનથી ભક્તોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. ફરજની સાથે સાથે ઉત્કૃષ્ટ સેવા કરીને પ્રશાસને શ્રદ્ધાળુઓના દિલ જીતી લીધા છે, જેને લઈને સ્થાનિક પ્રશાસનની કામગીરીને શ્રદ્ધાળુઓએ મુક્ત મને બિરદાવી છે.

આ પણ વાંચો...Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત

બનાસકાંઠા પ્રશાસન દ્વારા ભક્તોની સુવિધા માટે અંબાજીના ચાચર ચોકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોને ચક્કર આવે કે તબિયત બગડે તો તેમને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. ભાદરવી પૂનમના 7મા દિવસે પણ આરોગ્ય વિભાગની ટીમ સંપૂર્ણ રીતે એલર્ટ રહીને ખડેપગ સેવા આપી રહી છે. થાક, નબળાઈ સહિતની તકલીફ ધરાવતા ભક્તોને ત્વરિત સારવાર આપવામાં આવી રહી છે. છેલ્લા 7 દિવસથી આરોગ્ય વિભાગની ટીમ નિષ્ઠાપૂર્વક ભક્તોની સેવા કરી રહી છે, જેથી માતાજીના દર્શનની સાથે સાથે ભક્તોના સ્વાસ્થ્યનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

અંબાજીના મૂળ મંદિરની નીચે શ્રી યંત્ર પૂજા મંદિર આવેલું છે. ભાદરવી પૂર્ણિમા નિમિત્તે આ શ્રી યંત્ર પૂજા મંદિરે શ્રી યંત્રના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. શ્રી યંત્ર મંદિર નજીક આવેલ બટુક ભૈરવ મંદિરે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ધાર્મિક માન્યતા મુજબ અંબાજીમાં સતી માતાનું હૃદય પડ્યું હતું અને માતાજીના રક્ષણ માટે ભગવાન શિવે બટુક ભૈરવને બિરાજમાન કર્યા હોવાની માન્યતા છે. ભાદરવી પૂર્ણિમાએ શ્રી યંત્ર પૂજા અને બટુક ભૈરવના દર્શન કરીને ભક્તો પોતાની પવિત્ર યાત્રા પૂર્ણ કરે છે.

બનાસકાંઠા જિલ્લામાં ભાદરવી પૂર્ણિમાના પાવન દિવસે અંબાજીમાં પોલીસ પ્રશાસન દ્વારા શ્રદ્ધાપૂર્વક ધજા ચઢાવવામાં આવશે. સતત 7 દિવસ સુધી પદયાત્રીઓની સુરક્ષા અને સેવામાં ખડેપગે રહેલી પોલીસ ફરજની સાથે સાથે ભક્તિના રંગે પણ રંગાઈ છે. પદયાત્રીઓની સુરક્ષાની સાથે સાથે પોલીસ કર્મીઓએ નિષ્ઠાપૂર્વક ભક્તોની સેવા કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ પોલીસ સાથે અંબાજી મંદિરમાં ધજા ચડાવશે. પોલીસની આ અપ્રતિમ સેવા અને શ્રદ્ધાને બિરદાવતું આ અનોખું ધજારોહણ કરવામાં આવશે.

જગતજનની મા અંબા ના દરબારમાં જેટલા પણ માઈ ભક્તો આવતા હોય છે તે ભક્તો માતાજીને ચુંદડી, કુમકુમ, પ્રસાદ અર્પણ કરતા હોય છે અને ભક્તો  પોતાના ઘરે સંભારણા રૂપે પણ લઈ જતા હોય છે ત્યારે અંબાજી મંદિરમાં પૂજાની અનેક દુકાનો આવેલી છે જ્યાં માતાજીનો સુંદર શૃંગાર રાખવામાં આવે છે. અંબાજીનો કુમકુમ સુપ્રસિદ્ધ હોવાના કારણે લોકો આવનારા તહેવારો માટે પણ અહીંથી પૂજાની સામગ્રી છે તે લઈને જતા હોય છે.

Comments
Post a Comment